વાવણીનાં અભાવે 6.59 લાખ હેક્ટર જમીન કોરીધાકોડMarch 15, 2019

  • વાવણીનાં અભાવે 6.59 લાખ હેક્ટર જમીન કોરીધાકોડ

રાજ્યમાં ફક્ત 1.23 લાખ હેકટર જમીનમાં જ ઉનાળુ પાકનું વાવેતર: સતત ત્રીજી સિઝન ફેલ જતાં મોટાભાગનાં ખેડૂતો પાયમાલ રાજકોટ તા.15
ગુજરાતમાં સામાન્ય રીતે તા.15 ફેબુ્રઆરીથી તા.15 માર્ચ સુધીમાં ઉનાળું વાવેતર થઇ જતું હોય છે. ચાલુ વર્ષે વરસાદની ઘટ અને સિંચાઇના પાણીની ભારે અછતને લઇને આ વર્ષે ઉનાળું વાવેતર સદંતર નિષ્ફળ જવાની ભીતિ ઉત્પન્ન થઇ છે. ઉનાળું વાવેતરનો સમયગાળો હાલમાં પૂર્ણતાને આરે હોવા છતાંય રાજ્યમાં તા.11 માર્ચ સુધીમાં ફક્ત 1,23,100 હેક્ટરમાં જ વાવેતર થયું છે. જે કુલ વાવેતર વિસ્તારના ફક્ત 15.73 ટકા જ વાવેતર થયાનું દર્શાવે છે. હાલ રાજ્યમાં 6,59,662 હેક્ટર જમીન વાવેતર વગર પડતર પડી રહી છે. ગત વર્ષે આ સમયગાળામાં રાજ્યમાં 3,50,749 હેક્ટર ઉનાળું વાવેતર થયું હતું.
એકબાજુ દેશભરમાં ગુજરાત મોડલના ભરપેટ વખાણ કરાઇ રહ્યા છે. વાઇબ્રન્ટ ગુજરાતથી માંડીને રાજ્યની દરેક બાબતોને દેશના અન્ય રાજ્યો માટે અનુકરણીય, આદર્શ બતાવાઇ રહી છે. પરંતુ રાજ્યનું ખેતીવાડી મોડલ સાવ પડી ભાગ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. રાજ્યમાં છેલ્લી ત્રણ સિઝન વાવેતરની દ્રષ્ટિએ નિષ્ફળ ગયાની લાગણી ખેડૂતો અનુભવી રહ્યા છે.
નર્મદા કેનાલમાં પાણીની અછત હોવાનું કારણ આગળ ધરીને રાજ્ય સરકાર ખેડૂતોને સિંચાઇનું પુરતું પાણી આપતી નથી. ગત ઉનાળામાં તો રાજ્ય સરકારે ખેડૂતોને ઉનાળું વાવેતર જ ન કરવાની અપીલ કરી હતી. સભા, રેલી, ધરણા-સૂત્રોચ્ચાર, રજૂઆતો કરીને ખેડૂતો થાક્યા તોય આ બંને કેનાલોને નર્મદાના કમાન્ડમાં ન સમાવીને હળહળતો અન્યાય કરાઇ રહ્યો હોવાની લાગણી ખેડૂતો અનુભવી રહ્યા છે.
નર્મદાનું પાણી પીવા અને સિંચાઇ બંને માટે વપરાય છે. નવાઇની વાત એ છેકે બંનેમાં પાણીની ઘટ વર્તાઇ રહી છે. તો રાજ્યની જરૂરીયાત મુજબ નર્મદાના પાણીનું વ્યવસ્થાપન કરવામાં રાજ્ય સરકાર ક્યાં ઉણી ઉતરી છે. તે સૌથી મોટો પ્રશ્ન હાલ ખેડૂતવર્ગમાં ચર્ચાઇ રહ્યો છે. જે સિંચાઇ યોજના ખેડૂતોને પુરતું વાવેતર ન કરાવી શકે તે યોજના શું કામની તેવો પ્રશ્ન પણ ખેડૂતો કરી રહ્યા છે.
ચાલુ વર્ષના ઉનાળું વાવેતરની વાત કરીએ તો અછતગ્રસ્ત કચ્છમાં માત્ર 1,500 હેક્ટર વાવેતર થયું છે. ઉત્તર ગુજરાતમાં 25,900 હેક્ટર, મધ્ય ગુજરાતમાં 67,100 હેક્ટર, સૌરાષ્ટ્રમાં 13,100 હેક્ટર અને દક્ષિણ ગુજરાતમાં 15,500 હેક્ટરમાં જ વાવેતર અત્યાર સુધીમાં થયું છે. રાજ્યમાં થયેલા ઉનાળું વાવેતરની સ્થિતિ(હેક્ટરમાં)
પાક ગત વર્ષ ચાલુ વર્ષ વાવેતર ટકા
ડાંગર 49,390 21,103 43.57
બાજરી 82,720 24,793 9.93
મકાઇ 7,545 1,064 10.54
મગ 12,858 5,647 17.60
અડદ 2,778 366 4.30
મગફળી 28,084 6,548 10.83
તલ 9,037 2,512 14.96
ડુંગળી 4,123 979 8.61
શેરડી 7,015 1,487 14.09
શાકભાજી 37,394 17,804 20.55
ઘાસચારો 105,143 40,440 17.13
ગુવાર ગમ 2,809 244 3.25
અન્ય પાકો 1,853 156 3.35
કુલ 3,50,749 1,23,143 15.73 ટકા   કયાં જિલ્લામાં
કેટલું વાવેતર ?
જિલ્લો વાવેતર(હેક્ટર)
રાજકોટ 700
જામનગર 600
પોરબંદર 200
જુનાગઢ 1,200
અમરેલી 2,500
ભાવનગર 1,700
મોરબી 800
બોટાદ 100
ગીર સોમનાથ 1,600
દેવભુમિ દ્વારકા 400