એશિયા અને લિમ્કા બુકમાં જય હનુમાન!March 14, 2019

ફરીદાબાદ-ગુડગાંવ રોડ પર એશિયાની સૌથી ઊંચી બેઠેલા હનુમાનજીની 111 ફુટની મૂર્તિ બનીને તૈયાર થઈ ગઈ છે. જોકે, ઊભા રહેલા હનુમાનજીની મૂર્તિ તેના કરતા પણ વધુ ઊંચી છે. તેને એશિયા બુક ઓફ રેકોર્ડ્સ અને લિમ્કા બુક ઓફ રેકોર્ડઝમાં સામેલ કરવાની તૈયારી ચાલી રહી છે. આ મૂર્તિનું નિર્માણ કાર્ય વર્ષ 2011થી ચાલી રહ્યુ હતુ. પ્રતિમાનું નિર્માણ રાજસ્થાનના આર્કિટેક્ટ નરેશે કર્યું છે. આ મૂર્તિના નિર્માણ અંગે પૂજારીનું કહેવુ છે કે, મંદિર સાથે બડખલ ગામ તેમજ શહેરના લોકોની આસ્થા સંકળાયેલી છે. લિમ્કા બુકમાં સામેલ થવાથી અહીં પર્યટકો વધશે. હનુમાનજીની પ્રતિમાના હાથ 21 ફૂટના છે. કાંડુ 10 ફુટ, લંગોટ 41 ફુટ, પૂંછડી અને દુપટ્ટો 101 ફુટ, મુગટ 31 ફુટ અને ગદા 71 ફુટની છે. પરંતુ, એશિયાની સૌથી ઊંચી હનુમાનજીની મૂર્તિ આંધ્ર પ્રદેશમાં છે. આંધ્ર પ્રદેશના વિજયવાડામાં સૌથી ઊંચી ઊભા રહેલા હનુમાનજીની મૂર્તિ છે. મૂર્તિની ઊંચાઈ 135 ફુટ છે. તેને ભક્તો વીર અભય અંજની હનુમાન સ્વામીની નામથી બોલાવે છે. હનુમાનજીની આ મૂર્તિનું નિર્માણ 2013માં થયુ હતુ.