હાર્દિકે રાજકારણમાં આવવા પાટીદારોનો દુરુપયોગ કર્યોMarch 14, 2019

 મહેસાણાના પ્રવીણ પટેલનો યુવાન પુત્ર આંદોલનમાં હોમાયા પછી કોઇએ તેના પરિજનોની સંભાળ સુધ્ધા ન લીધી
અમદાવાદ તા.14
હાર્દિક પટેલ હવે સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાઇ ગયો છે, અને તે લોકસભા ચૂંટણી પણ લડવાનો છે ત્યારે પાટીદાર અનામત આંદોલનમાં માર્યા ગયેલા પાટીદાર યુવાનના પરિવારજનોએ હાર્દિક સામે બળાપો કાઢતા જણાવ્યું છે કે, હાર્દિકે આંદોલનનો ઉપયોગ માત્ર રાજકારણમાં એન્ટ્રી મારવા જ કર્યો છે. 2015માં આંદોલનમાં આઠ પાટીદાર યુવાનો મોતને ભેટ્યા હતા.
મહેસાણાના પ્રવીપ પટેલનો 23 વર્ષનો દીકરો નિશિજ પટેલ 26 ઓગસ્ટ 2015ના રોજ પાટીદાર આંદોલન બાદ થયેલી હિંસામાં માર્યો ગયો હતો. તેમનું કહેવું છે કે, હાર્દિકના સ્ટંટમાં મારા દિકરાએ જીવ ગુમાવ્યો હવે તે પાટીદારોના મોતનો ઉપયોગ પોતાના રાજકીય લાભ માટે કરી રહ્યો છે. જો હાર્દિકને આજ કરવું હતું તો તેણે પાટીદારોના દીકરાઓને મરવા કેમ દીધા?
પ્રવીણ પટેલનો આક્ષેપ છે કે, હાર્દિકે પાટીદારોને ગેરમાર્ગે દોરીને તેમને આંદોલનમાં જોતરી દીધા, પરંતુ હવે તે સ્પષ્ટ થઇ ચૂક્યું છે કે હાર્દિકે આ બધું માત્ર પોતાના રાજકીય લાભ ખાતર અને ચૂંટણી લડવા માટે ઉભું કર્યું હતું. પાટીદાર આંદોલનમાં માર્યા ગયેલાઓના સ્વજનોને વળતર અંગે જ્યારે હાર્દિકને પૂછવામાં આવ્યું હતું, ત્યારે તેણે કહ્યું હતું કે આ સવાલ મને નહીં સરકારને જઇને પૂછો.
પાટીદાર આંદોલનમાં ગોળી વાગવાથી કાયમ માટે અપંગ બની ગયેલા પ્રતિક પટેલની માતા રમીલાબેનનું કહવું છે કે, હાર્દિકે તેમના પરિવારને તહસ-નહસ કરી નાખ્યો. તેણે અનામત માટે આંદોલન શરૂ ક્યું હતું. પરંતુ તેનું શું થયું? તેણે પોતાની મહત્વકાંક્ષા સંતોષવા અમારા બાળકોની બલિ ચઢાવી દીધી. તેના લીધે મારો એકનો એક દીકરો અપંગ થઇ ગયો.
આંદોલન દરમિયાન માર્યા ગયેલા અમદાવાદના શ્ર્વેતાંગ પટેલની માતા પ્રભાબેન પટેલનું કહેવું છે કે, આંદોલનના ચક્કરમાં અમે બરબાદ થઇ ગયા.
સરકારે માત્ર ચાર લાખ રૂપિયા વળતર આપ્યું જે મારા અને મારા લકવાગ્રસ્ત પતિના ગુજરાન માટે પૂરતું નથી. હાર્દિકે કોઇ મદદ કરી કે નહીં તે અંગે પૂછતા તેમણે ગુસ્સાથી જણાવ્યું હતું કે, અમને કોઇ પૂછવા પણ નથી આવ્યું.