ગાંધીનગરમાં વ્હેલ શાર્ક માટે કોન્ફરન્સMarch 14, 2019

  • ગાંધીનગરમાં વ્હેલ શાર્ક માટે કોન્ફરન્સ

 વ્હેલ શાર્કની બચાવ કામગીરી અને સંરક્ષણ મુદ્દે આંતર રાષ્ટ્રીય નિષ્ણાતોની ચર્ચા શરૂ
ગાંધીનગર તા. 14
ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે 14 અને 15 માર્ચનાં રોજ વ્હેલ શાર્ક રિજિયોનલ કોન્ફરન્સન યોજાઇ રહી છે. ભારતભરમાં સૌપ્રથમ વખત દરિયાઈ જીવસૃષ્ટિ બાબતે આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ રહી છે. મહાત્મા મંદિર ખાતે યોજાનાર બે દિવસીય વ્હેલ શાર્ક કોન્ફરન્સમાં એન્ડ્રોઇડ બેઝ્ડ મોબાઇલ એપ્લીકેશન વ્હાલી વોચર લોન્ચ કરાશે.
આ આંતરરાષ્ટ્રીય પરિષદમાં અરબી સમુદ્ર સરહદે આવેલા દેશોના વૈજ્ઞાનિક, સંરક્ષણ અને કાયદા અમલીકરણ મંચના નિષ્ણાતોની વિશેષ ઉપસ્થિતિ રહેશે. વ્હેલ શાર્ક સંરક્ષણ કાર્યયોજના અને સંચાલન માળખાને વધુ વિકસાવવાના પ્રાથમિક હેતુસર આ આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યુ છે.
વૈશ્વિક સ્તરે વ્હેલ શાર્કની ઘટી રહેલી વસ્તીને કારણે તેના સંરક્ષણ કાર્ય યોજનાઓ બનાવવી જરૂરી છે. જો કે વ્હેલ શાર્કને બચાવવા સંરક્ષણ મોડેલ તૈયાર કરવાની પહેલ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની સાથે ઘણા દેશોમાં કાર્યરત છે અને તે દિશામાં પ્રયત્નશીલ છે. વ્હેલ શાર્ક સંરક્ષણ ભારતમાં વર્ષ-2004થી વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા અને ટાટા કેમિકલ્સ લિમિટેડના સહયોગથી ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા અમલમાં છે.
આ યોજનાના અમલીકરણથી દરિયાઈ કાંઠાના સમુદ્રી જીવોની મોટી સંખ્યામાં કતલ કરતા હતા તે જ માછીમાર સમુદાય વહેલ શાર્કના સંરક્ષક તરીકે ઉભરી આવ્યા, જે આ યોજનાની સફળતા કહી શકાય. છેલ્લા 15 વર્ષમાં ગુજરાતના માછીમારોએ લગભગ 700 જેટલી વ્હેલ શાર્કને બચાવે છે જે ગૌરવની વાત છે. આ કામગીરી દરમિયાન માછીમારોની નેટ(જાળી)ને થયેલા નુકસાનના વળતર ચૂકવવામાં પણ સરકારનો મોટો ફાળો છે.
ગાંધીનગર ખાતે યોજાનાર આ બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદમાં વ્હેલ શાર્કની હાલની વસ્તીની સ્થિતિ અને તેની બચાવ કામગીરી તથા જાળવણી સહિતના વિવિધ મુદ્દા ઉપર ચર્ચા થશે.
આ કાર્યક્રમમાં એન્ડ્રોઇડ બેઝ્ડ મોબાઈલ એપ્લિકેશન વ્હાલી વોચર લોન્ચ કરવામાં આવશે. માછીમારી દરમિયાન વહેલ શાર્કની સ્થિતિ જાણવા આ એપ ઉપયોગી નીવડશે.
નાયબ વન સંરક્ષકની કચેરીનાં પ્રકાશન અને સંપર્ક વિભાગની યાદીમાં જણાવ્યા મુજબ વ્હેલ શાર્ક સંરક્ષણ પ્રોજેક્ટએ મોટી સફળતા હાંસલ કરી છે અને સમગ્ર દેશમાં આ પ્રોજેક્ટને વન્યજીવ સંરક્ષણનું પ્રતિકૃતિક મલ્ટી સ્ટેક હોલ્ડર મોડેલ માનવામાં આવે છે.
ગુજરાતના માછીમારી સમુદાયનો સહયોગ આ પ્રોજેક્ટની સફળતાનો પાયો છે. આ આંતરરાષ્ટ્રીય પરિષદ વ્હેલ શાર્ક સંરક્ષણના વિવિધ મોડેલને એક મંચ પૂરું પાડશે. જેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરીય વૈજ્ઞાનિક અને સંરક્ષણ સંસ્થાઓના તજજ્ઞો હિસ્સો બનશે.