19મીએ GST કાઉન્સિલની બેઠક ‘પંચે’ આપી સરકારને ‘તક’March 14, 2019

  • 19મીએ GST કાઉન્સિલની બેઠક ‘પંચે’ આપી સરકારને ‘તક’

 ચૂંટણી પંચે કહ્યું, તેમાં આચારસંહિતા નહીં નડે
નવીદિલ્હી તા.14
ચૂંટણી પંચે રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટેના નીચા જીએસટી (ગુડ્સ ઍન્ડ સર્વિસીઝ ટેક્સ) દરોના અમલીકરણ સહિતના વિવિધ મુદ્દે વિચારણા કરવા આગામી 19મી માર્ચે નિયત થયેલી જીએસટી કાઉન્સિલની બેઠકને લીલી ઝંડી બતાવી છે. આ મીટિંગ વિડિયો કોન્ફરન્સિંગ મારફત યોજાશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
ચૂંટણી પંચની મંજૂરી મળી જવાને પગલે જીએસટી કાઉન્સિલના સચિવાલય ખાતેથી રાજ્યોને 19મી માર્ચે યોજાનારી કાઉન્સિલની 34મી બેઠકમાં હાજરી આપવા માટેની સૂચના આપવામાં આવી રહી હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું.
રવિવારથી ચૂંટણી સંબંધિત આચારસંહિતા લાગુ પડી ગઈ હોવાથી ચૂંટણી પંચની મંજૂરી જરૂરી હતી. અગાઉની મીટિંગમાં ઉચ્ચ-સ્તરીય જીએસટી કાઉન્સિલે બાંધકામ હેઠળના ફ્લેટો પરના વેરાનો દર પહેલી એપ્રિલથી લાગુ પડે એ રીતે ઘટાડીને પાંચ ટકા કરી નાખ્યો હતો તેમ જ નીચલા વર્ગોને પરવડી શકે એવા ભાવના ઘરો પરના ટેક્સનો દર ઘટાડીને એક ટકો કરી નાખ્યો હતો.
હાલમાં બાંધકામ હેઠળની પ્રોપર્ટી કે રહેવા માટે તૈયાર ફ્લેટો માટેના પેમેન્ટ પરની ઇન્પુટ ટેક્સ ક્રેડિટ (આઇટીસી) સાથે 12 ટકાના દરે જીએસટી લેવામાં આવે છે. તૈયાર ફ્લેટો એવા હોય છે જેમાં વેચાણના સમયે પૂર્ણતાનું સર્ટિફિકેટ આપવામાં નથી આવ્યું હોતું. પરવડી શકાય એવી રહેવાલાયક યુનિટો (ઘરો) માટે 8 ટકાનો ટેક્સનો દર અત્યારે પ્રવર્તમાન છે.
ફેબ્રુઆરીમાં જીએસટી કલેક્શન ઘટીને 97,247 કરોડ રૂપિયા હતું જે આગલા મહિને 1.02 લાખ કરોડ એકત્રિત થયું હતું. ફેબ્રુઆરીના જીએસટી કલેક્શનમાં સેન્ટ્રલ જીએસટીનું પ્રમાણ 17,626 કરોડ રૂપિયા, સ્ટેટ જીએસટી (એસજીએસટી) 24,192 કરોડ રૂપિયા, ઇન્ટીગ્રેટેડ જીએસટી 46,953 કરોડ રૂપિયા અને સેસ
8476 કરોડ રૂપિયા હતું. વર્તમાન નાણાકીય વર્ષમાં ફેબ્રુઆરી સુધીમાં કુલ 10.70 લાખ કરોડ રૂપિયાનો જીએસટી એકત્રિત થયો છે. સરકારે વર્તમાન નાણાકીય વર્ષ માટેનો જીએસટી કલેક્શનનો લક્ષ્યાંક સુધારિત અંદાજોમાં 13.71 લાખ કરોડ રૂપિયાથી ઘટાડીને 11.47 લાખ કરોડ રૂપિયા કરી નાખ્યો છે.
એપ્રિલમાં જીએસટી કલેક્શન 1.03 લાખ કરોડ રૂપિયા, મેમાં 94,016 કરોડ રૂપિયા, જૂનમાં 95,610 કરોડ રૂપિયા, જુલાઈમાં 96,483 કરોડ રૂપિયા, ઑગસ્ટમાં 93,960 કરોડ રૂપિયા, સપ્ટેમ્બરમાં 94,442 કરોડ રૂપિયા, ઑક્ટોબરમાં 1,00,710 કરોડ રૂપિયા, નવેમ્બરમાં 97,637 કરોડ રૂપિયા, ડિસેમ્બરમાં 94,725 કરોડ રૂપિયા અને જાન્યુઆરીમાં 1.02 લાખ કરોડ રૂપિયા હતું.
આગામી નાણાકીય વર્ષ (2019-થ20) માટે જીએસટી કલેક્શન ટાર્ગેટ 13.71 લાખ કરોડ રૂપિયા નિયત કરવામાં આવ્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.