હાર્દિકને સંસદની ટિકિટ મળતાં અલ્પેશ ધૂંઆપૂંઆMarch 14, 2019

  • હાર્દિકને સંસદની ટિકિટ મળતાં અલ્પેશ ધૂંઆપૂંઆ

અમદાવાદ તા.14
પાસ ક્ધવીનર હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાતાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના પેટમાં તેલ રેડાયું છે, આ ચર્ચા કોંગ્રેસના કાર્યકરોમાં જામી છે. આ કાર્યકરો કહે છે કે, અત્યાર સુધી ગુજરાત કોંગ્રેસનું પ્રદેશ નેતૃત્ત્વ અલ્પેશના બ્લેકમેલિંગને સહન કરતું રહ્યું પણ હવે આમાં હાર્દિક પણ જોડાવાનો છે.
અલ્પેશને પેટલમાં તેલ રેડાવાનું શરૂ એટલે થયું છે કે, જો કાયદાકીય આંટીઘૂંટી પાર કરી હાર્દિક ચૂંટણી લડે અને માની લો કે જીતી જાય તો તે સાંસદ બની જાય અને અલ્પેશ તો પોતે એક ધારાસભ્ય જ બની રહેશે.
સૂત્રો કહે છે કે, અલ્પેશ ઠાકોરને કોંગ્રેસમાં પોતાનું કદ ઘટશે તેની ચિંતા સતાવવાની શરૂ થઈ ચૂકી છે. આમેય પરપ્રાંતીયોને લઈ અલ્પેશ ઠાકોરે જે ભડકાઉ ભાષણ કર્યા હતા તેને લીધે ગુજરાતમાંથી એક લાખથી વધુ પરપ્રાંતીયોને હિજરત કરવી
પડી હતી.
એટલું જ નહિ પરંતુ ગુજરાતમાં ઠેર ઠેર હિંસા ફાટી નીકળી હતી. આ સમગ્ર બાબતને લઈને રાહુલ ગાંધી અલ્પેશ ઠાકોરની ખૂબ નારાજ થયા હતા. આ ઘટનાક્રમ બાદ અલ્પેશ કોંગ્રેસ હાઈકમાન્ડની નજરમાંથી ઊતરી ગયો હતો. એક તબક્કે તો અલ્પેશ રાહુલને મળવા દિલ્હી દોડી ગયો હતો ત્યારે રાહુલ ગાંધીએ ધરાર મુલાકાત આપી નહોતી. કોંગ્રેસે અલ્પેશને બિહારનો સહપ્રભારી બનાવ્યો છે પરંતુ પરપ્રાંતીયોની ઘટના બાદ તે બિહાર જતાં ડરે છે એટલે કોંગ્રેસે સોંપેલી કામગીરી પણ કરતો નથી. પોતાની આ નકારાત્મક બાબતોથી ખુદ અલ્પેશ પણ સારી રીતે વાકેફ છે અને આ સ્થિતિમાં પોતાની રીતે જ આંદોલનના રવાડે ચઢીને કોંગ્રેસમાં જોડાયેલો હાર્દિક પોતાની મોટો ના થઈ જાય તેવી ચિંતા અલ્પેશને શરૂ થઈ છે.