સુરેન્દ્રનગર અને પાટણ બેઠક માટે કોંગ્રેસમાં જબરા ડખાMarch 14, 2019

  • સુરેન્દ્રનગર અને પાટણ બેઠક  માટે કોંગ્રેસમાં જબરા ડખા

 સુરેન્દ્રનગરમાં સોમા ગાંડાનું કોંગ્રેસ પર ‘ભયંકર’ દબાણ
અમદાવાદ તા.14
ગુજરાતમાં 26 પૈકી કોંગ્રેસે ચાર ઉમેદવારોના નામની જાહેરાત તો કરી દીધી છે. બાકી ઉમેદવારો જલદી જાહેર થાય તે માટે કવાયત ચાલી રહી છે ત્યાં પાટણ અને સુરેન્દ્રનગર બેઠકને લઈ ડખો સર્જાયો છે તેમ કોંગ્રેસના સૂત્રો જણાવી રહ્યા છે.
સુરેન્દ્રનગર બેઠક પર કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય સોમા ગાંડા પટેલ હવે ટિકિટ માટે પક્ષને બ્લેકમેલિંગ કરી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ આ જ બેઠક માટે ક્ષત્રિય સમાજની કોઈ વ્યક્તિને ટિકિટ આપવી જોઈએ તેવી માગણી ઊઠી છે. એ જ રીતે પાટણ બેઠક પર બે દાવેદારોએ ચૂંટણી લડવાની ના પાડતાં ગૂંચવાડો સર્જાયો છે.
કોંગ્રેસના સૂત્રો કહે છે કે,
ધારાસભ્ય સોમા ગાંડા પટેલ હવે બ્લેકમેલિંગ પર ઊતરી આવ્યા છે. આ ધારાસભ્ય જાહેરમાં તો એવું કહે છે કે મેં ટિકિટ માગી જ નથી પરંતુ સુરેન્દ્રનગર બેઠક પોતાને મળે તે માટે
એડિચોટીનું જોર લગાવી રહ્યા છે. જોર લગાવે ત્યાં સુધી બરોબર છે, એમાં કંઈ ખોટું નથી પરંતુ હદ વટાવીને બ્લેકમેલિંગ કરે, ભાજપના નામે ડર બતાવે એ વધુ પડતું છે.
ભાજપે કોંગ્રેસના ધારાસભ્યો તોડી મંત્રી બનાવવા કે હોદ્દા આપવાના નામે મેળો શરૃ કર્યો છે ત્યારે આ તકનો લાભ લઈ સોમા પટેલ પાર્ટીનું નાક દબાવી રહ્યા છે. બીજી તરફ આ બેઠક પર ક્ષત્રિય ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેવી માગણી પણ થઈ રહી છે. આ બાબતોથી હાઈકમાન્ડને પણ વાકેફ કરાયા છે.
એ જ રીતે પાટણ બેઠક પણ કોંગ્રેસ માટે માથાના દુ:ખાવા સમાન બની રહી છે. આ બેઠક પર જગદીશ ઠાકોર અને અલ્પેશ ઠાકોરના નામો હતાં. જોકે બંનેએ ચૂંટણી લડવાની ના પાડી છે. આ બેઠક પોતાને જ મળે તે માટે અલ્પેશ ઠાકોરે હવાતિયા માર્યા હતા.
એટલું જ નહિ પરંતુ અલ્પેશે પણ બ્લેક મેલિંગનું રાજકારણ ખેલ્યું હતું અને એ પછી પોતે જ કબૂલાત કરી હતી કે, તે ભાજપના સંપર્કમાં હતો અને મંત્રી પણ બની શકતો હતો પણ હવે કોંગ્રેસમાં જ રહેશે. આ નિવેદન એટલે કરવું પડયું હતું કે, ભાજપે અલ્પેશને પ્રવેશ આપવા માટે ઘસીને ના પાડી દીધી હતી તેમ સૂત્રો કહે છે.