જામનગરમાં વેપારી-પોલીસ વચ્ચે બબાલ; લાઠીચાર્જ

  • જામનગરમાં વેપારી-પોલીસ વચ્ચે બબાલ; લાઠીચાર્જ

જામનગર તા.14
જામનગરમાં બર્ધન ચોક વિસ્તારમાં ટ્રાફીક સમસ્યાના પ્રશ્ર્ને પોલીસ દ્વારા આજે વાહનો ઉપાડવાની કામગીરી કરવામાં આવતા વેપારીઓ રોષે ભરાયા હતા અને ડખ્ખો થતાં આખરે પોલીસને લાઠી ચાર્જ કરવાની ફરજ પડી હતી. બનાવની જાણ થતાં જ જીલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો બનાવ સ્થળે પહોંચી ગયો હતો.
જામનગરના બર્ધન ચોક વિસ્તાર કાયમ ટ્રાફીક સમસ્યાથી ત્રસ્ત રહે છે. રેકડી, કેબીત અને પથારાવાળા ફેરીયા જાહેર રોડ ઉપર બેસતા હોય તથા દુકાનના ગ્રાહકોના વાહનો પણ રોડ ઉપર પાર્ક કરવામાં આવતા હોવાથી ટ્રાફીક સમસ્યા સરદર્દ સમાન બની રહી છે અને આ વર્ષોથી કાયમીનો પ્રશ્ર્ન છે.
આજે સાંજે પણ ટ્રાફિક સમસ્યા સર્જાતા પોલીસ કાફલો ટોઈંગ વેન સાથે બર્ધન ચોકમાં પહોંચ્યો હતો અને જાહેર માર્ગમાં પાર્ક કરવામાં આવેલા વાહનો ઉપાડવાની કામગીરી શરૂ કરતા જ દૂકાનદાર, વેપારીઓ રોષે ભરાયા હતા અને પોલીસ સામે ઘર્ષણ થતા મામલો બિચક્યો હતો. વેપારીઓ ટોળે વળી ગયા હતા. આથી તેમને વિખેરવા માટે પોલીસે લાઠી ચાર્જ કર્યો હતો. આથી વેપારીઓમાં વધુ રોષ ભભુકયો હતો અને ટપોટપ દૂકાન બંધ કરી નાંખી સજ્જડ બંધ પાળ્યો હતો.
બીજી તરફ બનાવની જાણ થતાં જ જામનગર વેપારી મહામંડળના પ્રમુખ સુરેશ તન્ના સ્થળ ઉ5ર પોંહચી ગયા હતા. તો બીજી તરફ બનાવની જામનગર જીલ્લા પોલીસ વડા શરદ સિંધલે પણ સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને વધારે પોલીસ કાફલો પણ બોલાવાયો હતો.
પોલીસે વેપારીઓ ઉપર ધડાધડ લાઠીઓ વીંજતા વેપારીઓના વાંસામાં લાકડીઓ પડતા તેમને રીતસર સોજાડી દેવાયા હતા.આ પછી વેપારી મંડળના પ્રમુખ અનેક વેપારીઓ આજે પોલીસ મથકે રજૂઆત માટે પહોંચ્યા હતા. જ્યાં પોલીસ સામે ચર્ચાઓ ચાલી રહી છે.