રાત્રે શેરી બની જાય છે સ્કૂલ!March 14, 2019

મુંબઇ તા.14
રસ્તાની ફૂટપાથ પર, વીજળીના થાંભલા નીચે બેસીને, મ્યુનિસિપલ લાઈટના પ્રકાશમાં વાંચીને પરીક્ષાઓ આપીને ઘણા ગરીબ વિદ્યાર્થીઓ શિક્ષિત થયા હોવાના દાખલા બન્યા છે. આમ તો આ વાત ભૂતકાળ બની ગઈ છે. આજના જમાનામાં એવું હવે જોવા મળે નહીં, પણ મુંબઈ મહાનગરમાં એક જગ્યા એવી છે જ્યાં આવું આજેય જોવા મળે છે. મધ્ય મુંબઈના વરલી વિસ્તારમાં મુંબઈ મહાનગરપાલિકાએ જ એક શેરીને માત્ર વિદ્યાર્થીઓનાં અભ્યાસ માટે અલાયદી રાખી છે જ્યાં વિદ્યાર્થીઓ રોજ આવીને ભણે છે. આ શેરીમાં માત્ર વિદ્યાર્થીઓ માટે બેસવાનાં બાંકડા મૂકવામાં આવ્યા છે. ખાસ પ્રકારની સ્ટ્રીટ લાઈટ્સની વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહીં, વિદ્યાર્થીઓ માટે મોબાઈલ શૌચાલય પણ છે અને એક બોર્ડ મૂકવામાં આવ્યું છે જેમાં સૂચના લખવામાં આવી છે કે આ સ્થળે કોઈએ દારૂ પીવો નહીં, કારણ કે અહીંયા વિદ્યાર્થીઓ ભણે છે. રોજ વિદ્યાર્થીઓ સ્વચ્છ ફૂટપાથ પર કાગળ કે કાપડ પાથરીને બેસે છે અને શાંતિથી ભણે છે.