સાચી ભક્તિMarch 14, 2019

નારદનાં ચિત્તમાં એક વાર ઘમંડ જન્મ્યો કે પોતાના કરતાં મોટો ભક્ત કોઇ નથી. એમનું મન વાંચી ભગવાને કહ્યું : ‘નારદ, અમુક જગ્યાએ જાઓ. ત્યાં મારો એક મહાન ભક્ત વસે છે. એની ઓળખાણ કરજો, કારણ કે એ મારો સંનિષ્ઠ ભક્ત છે.’ નારદ ત્યાં ગયા અને જોયું તો એક ખેડૂત હતો. એ વહેલો ઊઠતો અને એકજ વાર હરિનું નામ બોલી, હળ લઇ ખેતરે ઉપડી જતો અને આખો દિવસ એ ખેડ કરતો. રાતે ફરીવાર હરિનામ બોલી એ ઊંઘી જતો. નારદ મનમાં વિચારવા લાગ્યા. ‘આ ગામડિયો ભગવાનનો ભક્ત શી રીતે હોઇ શકે ? હું એને આખો દિવસ સાંસારિક કાર્યોમાં વ્યસ્ત જોઉં છું અને એનામાં પવિત્રતાનું કોઇ ચિહ્ન જોવા મળતું નથી.’
પછી નારદજી ભગવાન પાસે પાછા ગયા અને પોતે કરેલી નવી ઓળખાણ બાબત પોતે જે માનતા હતા તે કહ્યું. એટલે ભગવાને નારદના હાથમાં તેલ ભરેલો એક પ્યાલો આપી કહ્યું : ‘નારદ આ તેલનો પ્યાલો લઇ આ નગરની પ્રદક્ષિણા કરી આવો પણ તેલનું એક ટીપુંયે ઢોળાય નહીં એનું ધ્યાન રાખજો.’ નારદે કહ્યા પ્રમાણે કર્યુ અને એ પાછા આવ્યા ત્યારે ભગવાને એમને પૂછયું : નારદ, તમે નગર ફરતે જતા હતા ત્યારે તમે મને કેટલી વાર યાદ કર્યો હતો ?’ ‘એક વાર પણ નહીં, પ્રભુ’, નારદે કહ્યું, ‘આ તેલથી છલછલતા પ્યાલાનું ધ્યાન રાખવાનું હોય ત્યાં તમને સ્મરવાનું શી રીતે બને?’ એટલે ભગવાન બોલ્યા ‘આ એક તેલના પ્યાલાએ તમારું ધ્યાન એવું તો બીજે વાળ્યું કે તમે મને સદંતર ભુલી જ ગયા પણ પેલો ગામડિયો જુઓ. કુટુંબ અને સંસારનો ભાર વેંઢારતો એ રોજ મને બે વાર સ્મરે છે.’ : બોધ :
સંસારના કાર્યો કરતા કરતા પણ ખરા હૃદયથી પ્રભુને ભજવા અને
ભક્તિ કરવી એ જ સાચી ભક્તિ છે. એના માટે સંસાર ત્યાગ
કરવાની જરૂર નથી. પરમાત્માની ભક્તિમાં ભાવ મહત્ત્વનો છે.
બાહ્ય ક્રિયાઓ કરતા પણ મન પ્રભુ ભક્તિમાં હોવું જોઇએ.