અમને’ય માયાવતીની જરૂર નથી: કોંગ્રેસMarch 13, 2019

  • અમને’ય માયાવતીની જરૂર નથી: કોંગ્રેસ

નવીદિલ્હી તા.13
લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને સત્તામાંથી બહાર કરવા માટે મોટા ઉપાડે રચવામાં આવેલા મહાગઠબંધનને કોઇની નજર લાગી હોય તેવું દેખાઇ રહ્યું છે. બીએસપી પ્રમુખ માયાવતીએ મંગળવારે એક નિવદેન આપતા જણાવ્યું હતું કે અમારી પાર્ટી એકપણ રાજ્યમાં કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે. જેના જવાબમાં ઉત્તર પ્રદેશના કોંગ્રેસના પ્રવક્તાએ નિવેદન આપ્યું હતું કે અમને તેમની જરૂર નથી.
માયાવતીએ પોતાના નિવેદન જણાવ્યું હતું કે એક વાર ફરી બહુજન સમાજ પાર્ટી સ્પષ્ટ કરે છે કે અમે કોંગ્રેસ સાથે એકપણ રાજ્યમાં ગઠબંધન નહીં કરીએ. એસપી સાથે ગઠબંધન કરવાને લઇને માયાવતીએ જણાવ્યું હતું કે અમારી વચ્ચે એકબીજા માટે સન્માન અને ઇમાનદારી એક લક્ષ્યના કારણે છે.
ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીને માત દેવા માટે એસપી અને બીએસપી ગઠબંધન કર્યું છે અને કોંગ્રેસને આ ગઠબંધનમાંથી બહાર રાખ્યું છે. જોકે એવો એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે એસપી અને બીએસપી રાયબરેલી અને અમેઠીમાં તેમના ઉમેદવાર નહીં ઉભા રાખે. ઉત્તર પ્રદેશની 80 લોકસભાન સીટ પર એસપી 37 અને બીએસપી 38 સીટ પરથી ચૂંટણી લડશે. ત્રણ સીટ પર અજીત સિંહની રાષ્ટ્રીય લોક દળ ચૂંટણી લડશે. આ સીવાય બે સીટ પર સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી માટે છોડવામાં આવી છે.
માયાવતીનું આ નિવેદન કોંગ્રેસ પાર્ટીની ગુજરાતમાં યોજવામાં આવેલી બેઠક બાદ આવ્યું હતું. આ સભામાં પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સીવાય પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ હાજર રાહ્યા હતા. માયાવતીના નિવેદન બાદ ઉત્તર પ્રદેશના કોંગ્રેસના પ્રવક્તા રાજીવ બખ્શીએ જણાવ્યું હતું કે આ નિર્ણય માયાવતીના હાથમાં નથી કે ગઠબંધન થશે કે નહીં. તેમણે જણાવ્યું કે સંસદમાં તેમની એકપણ સીટ નથી તો તેઓ કેવી રીતે નક્કી કરી શકે કે કોંગ્રેસે સાથે આવવું કે નહીં? એમે એકલા ચૂંટણી લડી રહ્યા છીએ અને અમારે કોઇપણ જાતના ગઠબંધનની જરૂર નથી. અમારે એમની પણ જરૂર નથી.
વધુમાં કોંગ્રેસના પ્રવક્તા જણાવે છે કે અમારી પાર્ટી વિશે કઇ બોલતા પહેલા તેમણે એસપી સાથેના તેમના ગઠબંધનને કામ કરવું જોઇએ જે પોતે જ ટૂટી રહ્યું છે.
માત્ર 15થી 20 દિવસ રાહ જોવો અને પછી જુઓ શું થાય છે. કોંગ્રેસના પ્રવક્તાનું કહેવું છે કે બીએસપી સાથે કોઇપણ પ્રકારના ગઠબંધનની વાત થઇ જ નથી અને તેઓ સામેથી જ ઉતાવળા થઇ રહ્યા છે. બીએસપી ચીફનું નિવેદન ત્યારે આવ્યું જ્યારે આઇટી ડિપાર્ટમેન્ટ દ્વારા માયાવતી સરકારના કેટલાક ઉચ્ચ પદ પર બેઠેલા આઇએએસ અધિકારી નેત રામની દિલ્હી સ્થિત સંપત્તિઓ પર રેડ કરી હતી. પાર્ટીના નેતાઓને સંબોધિત કરતા માયાવતીએ કહ્યું કે કેટલીક પાર્ટીઓ બીએસપી સાથે ગઠબંધન કરવા રાહ જોઇ રહ્યા છે, પરંતુ ચૂંટણીમાં ફાયદો થાય તેના માટે આંદોલન અટકાવવા નથી માગતી.