જી-મેઇલ, ગૂગલ ડ્રાઈવ ‘ડાઊન’: વિશ્ર્વભરમાં ઊહાપોહMarch 13, 2019

  • જી-મેઇલ, ગૂગલ ડ્રાઈવ ‘ડાઊન’: વિશ્ર્વભરમાં ઊહાપોહ

   બેન્કિંગ સેવાથી માંડીને કંપનીઓના કામ પણ આંશિક ખોરવાયા, 11 વાગ્યે સેવા શરૂ થઇ પણ ડચકાં ખાતી!
નવીદિલ્હી તા,13
‘વર્લ્ડ વાઈડ વેબ’ને 30 વર્ષ હજુ ગઇકાલે જ પૂરા થતાં ગૂગલે સ્પેશ્યલ ડૂડલ બનાવીને તેની ઉજવણી કરી હતી, ત્યાં બીજા જ દિવસે ગૂગલ ડ્રાઈવ અને જી-મેઈલ કોઇ અકળ ટેકનિકલ કારણોસર રાતભર ડાઊન રહ્યા હતા. ભારત સહિત છ દેશોમાં જી-મેઈલ મોકલવાનું અશક્ય બન્યું હતું. જોકે તેની અસર એકંદરે વૈશ્ર્વીક રહી હતી. ભારતીય સમય અનુસાર સવારે 11 વાગ્યે સેવા શરૂ થઇ અને એ પણ ડચકાં ખાતી! આના કારણે લાખો યુઝર્સે તકલીફ વેઠવી પડી હતી. મંગળવારની મધરાતથી જી-મેઈલ સેન્ડીંગ અને રીસિવિંગ અશક્ય બન્યું હતું. જી-મેઈલ ડાઊન, નોટ વર્કિંગ, સર્વર ડાઊન, સર્વિસ ઇશ્યુ... વગેરે મેસેજ જ આવતા હતા અને ફરિયાદો ઉઠતી રહી હતી. ગૂગલના પ્રવકતાએ આ વિશે કહ્યું હતું કે ‘અમે ગૂગલ સેવાને અસરકર્તા આ પ્રશ્ર્નથી વાકેફ છીએ અને વધુ માહિતી વિશે ગૂગલના જી-સ્વિટ ડેશબોર્ડ પર જોતા રહો.’ જયારે ડેશબોર્ડ પર પણ તેનું કોઇ સમાધાન તો હતું જ નહીં.
મધરાતથી જી-મેઈલ અને ગૂગલ ડ્રાઈવ સર્વિસ બંધ રહેતાં વ્યક્તિગત વપરાશકર્તાથી માંડીને અનેક કંપનીઓના મેલમાં (એન્ટ્રરપ્રાઈઝ યૂઝર્સ) પણ વિક્ષેપ આવ્યો હતો. કંપનીએ સેવા વિક્ષેપ તરીકે સ્વીકાર્યો હતો. એટેચમેન્ટ ડાઊનલોડ થતા ન્હોતા. બેન્કીંગ અને જાહેર સેવાને પણ તેનાથી આંશિક અસર પહોંચી હતી.
છેક સવારે 11 વાગ્યે જી-મેઈલ સર્વિસ પુન: શરૂ થઇ છે. પરંતુ પૂર્વવત થતાં હજુ સમય લાગી જશે તેમ મનાય છે. ભારત સહિત છ દેશમાં જી-મેઈલ, ગૂગલ ડ્રાઈવ ડાઊન હતા પરંતુ એકંદર વધતા ઓછી અસર વિશ્ર્વવ્યાપી રહી હતી. કયાં કયાં પડી અસર
હ ભારત
હ અમેરિકા(આંશિક)
હ ઓસ્ટ્રેલિયા
હ જાપાન
હ ઈન્ડોનેશિયા
હ મલેશિયા અમે તપાસ કરી રહ્યા છીએ: ડેશબોર્ડ પર મેસેજ
404 એરર સાથે અગાઉ જાન્યુઆરીમાં ભારત અને યુરોપ પૂરતી જી-મેઈલ સેવા ખોરવાયેલી ત્યારે જે મેસેજ ડેશબોર્ડ પર મૂકાયો હતો. એવો જ મેસેજ આજે પણ ચમકતો રહ્યો હતો : ‘અમે જી-મેઈલના ઈશ્યુ વિશે તપાસ ચલાવી રહ્યા છીએ. ટૂંક સમયમાં જ વધુ માહિતી પુરી પાડીશું. અસરગ્રસ્ત યુઝર્સ જી-મેઈલ એસેસ તો કરી શકે છે પરંતુ એરર મેસેજ, ખૂબ વિલંબ અને અનઅપેક્ષિત વર્તણુંકનો સામનો કરી રહ્યા છે.