અબ કી બાર (મોદી નહીં) હિન્દુ સરકાર: તોગડિયા

  • અબ કી બાર (મોદી નહીં) હિન્દુ સરકાર: તોગડિયા

નવી દિલ્હી તા. 13
લોકસભાની ચૂંટણીઓમાં ગુજરાતની 10 અને દેશની 100થી વધુ સીટો ઉપર હિન્દુસ્તાન નિર્માણ દળ દ્વારા ઉમેદવારો ઉભા રાખવામાં આવશે તેમ પક્ષના નેતા ડો.પ્રવિણ તોગડિયાએ જણાવ્યું છે. તેમણે કહ્યું કે દેશમાં જે જગ્યાએ ચૂંટણી જીતી શકાય ત્યાં જ અમે ઉમેદવારો ઉભા રાખવાના છીએ. અમારો પક્ષ અબ કી બાર હિન્દુ સરકારના નારા સાથે ઉમેદવારો મેદાનમાં ઉતારશે.
તોગડિયાનો આ પ્રયોગ ભાજપના મત કાપવા માટે સફળ સાબિત થઈ શકે છે. કેન્દ્ર સરકારે વીએચપીને વેરવિખેર કરી હિન્દુ વિરુદ્ધ કામ કર્યું તેની સામે ડો. પ્રવિણ તોગડિયાએ બાંયો ચઢાવી હતી. જેના લીધે તેમની વીએચપીમાંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી. તેમણે પહેલાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની રચના કરીને સંગઠન ઉભુ કર્યું હતું. ભાજપમાંથી નારાજ નેતાઓનો સંપર્ક કરીને તેમને લોકસભાની ચૂંટણીમાં મેદાને ઉતારવા માટે કાર્યવાહી હાથ ધરી છે. તેના કારણે સંઘ અને બજરંગદળમાંથી દબાણ લાવવાનું ચાલુ થયું હતું પરંતુ ડો.પ્રવિણ તોગડિયાએ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના નેજા હેઠળ સંગઠન ઉભું કર્યા બાદ તાબડતોબ હિન્દુસ્તાન નિર્માણ દળની રચના દિલ્હીમાં કરી હતી. જેમાં વીએચપીમાંથી છુટા પડેલા અને ભાજપના અસંતુષ્ટ નેતાને નવા પક્ષમાં સામેલ કર્યા હતા. કોંગ્રેસના નેતા સાથે ‘ગોઠવણ’
બીજી તરફ ડો.તોગડિયા કોંગ્રેસના ટોચના નેતાઓને મળીને ચૂંટણીની વ્યુહરચના ઘડી રહ્યા છે. જેના ભાગરૂપે કોંગ્રેસના ગુજરાતના ટોચના નેતા એહમદ પટેલ સાથે પાંચ માસ પહેલાં મુલાકાત કરી હતી. આ પછી તાજેતરમાં એમ.પી.ના મુખ્યમંત્રી કમલનાથ સાથે 25 મિનિટ મુલાકાત કરી હતી. જે રીતે ભાજપ ત્રીજો ઉમેદવાર ઊભો રાખી પોતાના મુખ્ય હરીફ ઉમેદવારના મત કાપે છે એવી જ રણનીતિ કોંગ્રેસ સાથે મળીને તોગડિયા અપનાવે એવી ચર્ચા છે દરમિયાન સંઘના નેતાઓ તોગડિયાને લોકસભાની ચૂંટણીમાં નિષ્ક્રીય રહેવા માટે સતત દબાણ લાવી રહ્યાં હોવાનું જાણવા મળે છે.