કચ્છનાં કબ્રસ્તાનમાંથી મળ્યો 5000 વર્ષ જુનો દુર્લભ ખજાનોMarch 13, 2019

 250 માનવ કંકાલ સાથે માટીનાં વાસણો, શંખની બંગડીઓ, લસોટા સહિત 1000થી વધારે વસ્તુઓ હાથ લાગી
ભુજ તા.13
અનાદિકાળથી ધબકતી પૃથ્વી જીવસૃષ્ટિના અમાપ અવશેષોથી ભરેલી છે. તેમાં પણ કચ્છ જિલ્લો આર્કિયોલોજીની દૃષ્ટિએ એટલો સંપન્ન છે કે અહીં હજારો વર્ષનાં ચિહ્નો સારી હાલતમાં મળી આવે છે. હાલ લખપત તાલુકાના ખટિયા ગામે ઉત્ખનન દરમ્યાન 250થી વધુ માનવ કંકાલ ધરાવતું પાંચ હજારથી વધુ વર્ષ પુરાણું કબ્રસ્તાન મળી આવ્યું છે. કેરાલા યુનિવર્સિટીના આર્કિયોલોજી વિભાગના નેજા હેઠળ કચ્છના લખપત તાલુકાના જૂના ખટિયા ગામેથી આ અવશેષો પ્રાપ્ત થયા છે. અહીં મળી આવેલી કબરો પૈકી 26નું ખોદકામ કરવામાં આવ્યું છે. લંબચોરસ આકાર છે. દીવાલમાં વપરાયેલા પથ્થરોને વ્યવસ્થિત કટિંગ કરીને ચણવામાં આવ્યા છે.
વિગતો આપતાં આર્કિયોલોજિસ્ટ જયપાલસિંહ જાડેજાએ જણાવ્યું કે, દરેક કબરની લંબાઇ જુદી છે. સૌથી મોટી 6.9 અને નાની 1.2 મીટર છે. માનવ કંકાલની દિશા પૂર્વ-પશ્ચિમ છે, જેમાં માથું પૂર્વ તરફ છે. અમુક કબરોમાં પગની બાજુ માટીનાં વાસણો મળી આવ્યાં છે, જે તે સમયનો કોઇ રિવાજ હોઇ શકે. આ વાસણોના અવશેષો કાળખંડે-પાકિસ્તાન સાઇટ જેવા છે. આમરી, નાલ, કોટ ડી-જી અને ઉત્તર ગુજરાતમાંથી તે સમયકાળની સાઇટ નાગવાડા, દાત્રાણ, સાદલી, મોટી પીપલી, રનૌદ, કચ્છની સુરકોટડા, ધાણેટીથી મળતી આવે છે. ખટિયા સાઇટેથી શંખની બંગડીઓ, પથ્થરના લસોટા, પથ્થરની બ્લેડ જેવી વસ્તુઓ એક હજારથી વધુ સંખ્યામાં મળી છે.
અમુક માનવ કંકાલ સાથે પ્રાણીઓનાં અસ્થિઓના અવશેષો પણ છે. એમ.એસ. યુનિ. બરોડાના પ્રા. કાંતિ પરમારના નેતૃત્વમાં અહીંની એક કબરને સલામત રીતે કેરાલા યુનિ. મ્યૂઝિયમમાં લઇ જવાશે. વધુ અભ્યાસ પછી કંકાલની ઉમર, મૃત્યુનું કારણ, રોગ કે તેની સારવાર, તત્કાલીન માનવના ડી.એન.એ.ની વિશેષતા, લોકજીવનની માન્યતા અને રિવાજો સહિતનો અભ્યાસ છાત્રો દ્વારા કરાશે. ધજાગઢ અને પડદાબેટ વિસ્તારમાંથી પણ અનુબંધ મળેલા છે. અવશેષોનું દેશભરની યોગ્ય લેબોરેટરીમાં પરીક્ષણ કરાશે.
આ સાઇટ માટે 2016માં કેરાલા યુનિ.એ સરપંચ નારાણભાઇ જાજાણીના નિર્દેશથી કાર્ય શરૂ કર્યું હતું. ખોદકામ પહેલાં ડ્રોન સર્વે તથા વિવિધ પદ્ધતિઓ દ્વારા અંદાજને સત્યની નજીક લઇ જવામાં આવે છે. તે દરમ્યાન 300 ચોરસ મીટરના વિસ્તારમાંથી આખું કબ્રસ્તાન મળી આવ્યું હતું, જે 5200 થી 4600 વર્ષ પહેલાંનું હોવાનું માનવામાં આવી રહ્યું છે. ભુજથી અંદાજે 130 કિ.મી. અને ઘડુલીથી 15 કિ.મી. અંતરે આવેલી આ સાઇટ હજી પણ અનેક રહસ્યો ધરબી બેઠી છે. જાન્યુ.માં આર્કિયો. સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા ખોદકામની મંજૂરી સાથે કેરાલા યુનિ.ના ડો. રાજેશ એસ.વી., ડો. અભયન, ડો. ભાનુપ્રકાશ શર્માના માર્ગદર્શન હેઠળ અનુસ્નાતક છાત્રો-છાત્રાઓ, કચ્છ યુનિ.ના ડો. સુભાષ ભંડારી, જયપાલસિંહ જાડેજા, હેત જોશી, અનિલ ચૌહાણ, છાત્ર-છાત્રાઓ, એમ.એસ. યુનિ. વડોદરા, પુના કોલેજના નિષ્ણાતોએ 45 દિવસની ઝીણવટ-ચીવટ પૂર્વકની કામગીરીથી ધરતીમાં ધરબાયેલા માનવ ઉક્રાંતિના પાંચ હજાર વર્ષ પુરાણા પૃષ્ઠને પુન:દર્શિત કર્યું હતું. જયપાલસિંહના જણાવ્યા મુજબ, ભુજ તાલુકાના ગજોડ ગામની આસપાસ પણ ઉત્ખનન સાઇટ મળી આવવાના
અણસાર છે.