જ્યાં જૂતાંનો માર ખાવો ‘જશ’ ગણાય છે!March 22, 2019

 મહેસાણાના વિસનગરમાં ખેલાતી અનોખી ધુળેટી
વિસનગર તા.22
હોળીને લઇને અનેક જગ્યાએ અલગ અલગ લોકવાયકાઓ હોય છે. ત્યારે મહેસાણા જિલ્લાના વિસનગરમાં અનોખી રીતે હોળી મનાવવામાં આવે છે. વિસનગરમાં વર્ષોથી અનોખી રીતે ખાસડા હોળી રમાય છે. નામ જાણીને ચોક્કસ નવાઇ લાગી હશે, પરંતુ અમે તમને જણાવી દઇએ કે, અહીં ડીજેના તાલે બે જૂથો એકબીજા ઉપર ખાસડા ફેંકીને ખાસડા યુદ્ધ રમે છે. મળતી માહિતી પ્રમાણે વિસનગરના મંડી બજાર વિસ્તારમાં છેલ્લા 150 વર્ષથી વધારે વર્ષોથી ખાસડા યુદ્ધની પરંપરા ચાલી આવી છે.અહીં વર્ષોથી પરંપરા પ્રમાણે, ધૂળેટીના પર્વના દિવસે સવારે ડીજેના તાલે બે જૂથો આમને સામને આવે છે અને એકબીજા ઉપર ખાસડા, શાકભાજી જેવી વસ્તુઓ ફેંકીને યુદ્ધ રમે છે. આ રમતમાં જેને જુત્તુ વાગે એનું આખું વર્ષ સારું જાય તેવી માન્યતા પ્રચલિત છે. આ પરંપરામાં આખુ વર્ષ લોકોના જુના પુરાણા જૂતા ભેગા કરાય છે. આ પરંપરા વર્ષોથી ચાલતી આવતી રહી છે.
વર્ષોથી ચાલતી આવતી પરંપરામાં હોળીના બીજા દિવસે ધુળેટીના પર્વએ ખાસડા યુદ્ધ યોજાય છે. આ યુદ્ધ જેવી રમતને ખાસડા હોળી કહેવાય છે. ખાસડા હોળી રમવા માટે 2 ગ્રુપ બનાવી એક બીજા પર શાકભાજી અને જૂત્તા મારવામાં આવે છે. તમને જણાવી દઇએ કે, વિસનગરના ચોકસી બજારમાં ખાસડા હોળીની શરૂઆત થઇ હતી. ધુળેટીની વહેલી સવારે શહેરના ઉત્તર વિભાગમાં વસતા મોદી, ઠાકોર અને પટેલ સમાજના લોકોનુ તેમજ દક્ષિણ વિભાગમાંથી વસતા બ્રાહ્મણો, કંસારા અને વાણિયા તેમજ પટેલ સમાજના લોકોનો જુથ ભેગા થાય છે. આ અનોખી પરંપરાને જોવા માટે આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો આવે છે.