માણાવદરમાં જવાહર ચાવડા માટે જ્ઞાતિ ફેક્ટરનું જોખમMarch 20, 2019

 80,000 પાટીદાર મતદારોના હાથમાં હુકમનું પત્તુ
જૂનાગઢ તા,20
જૂનાગઢની સૌથી મહત્વની બેઠક એટલે માણાવદર કે જ્યાંથી હાલમાં જ ધારાસભ્ય જવાહર ચાવડાએ કોંગ્રેસને અલવિદા કરીને ભાજપમાં મંત્રી પદે આરૂઢ થયાં છે. ત્યારે માણાવદરમાં ફરી પેટા ચૂંટણી આગામી 23 એપ્રિલના રોજ યોજાનાર છે. આ પેટા ચૂંટણીમાં પાટીદાર ફેક્ટર ખૂબ અસરકારક નીવડશે તેવું પાટીદાર આગેવાનોનાં મંતવ્યો પરથી લાગી રહ્યું છે.
છેલ્લી ત્રણ ટર્મથી કોંગ્રેસમાંથી જીતતા જવાહરભાઇ હવે બીજેપીમાંથી અહીંથી ચૂંટણી લડવા જઇ રહ્યાં છે ત્યારે તેમનાં જ સાથીદારો અને કોંગ્રેસનાં આગેવાનો હવે તેમને હરાવવા મહેનત કરી રહ્યાં છે કેમ કે જવાહર ભાઈ એકલા ભાજપમાં ગયાં છે ટેકેદારો નહીં. તેથી આ બેઠક પર પેટા ચૂંટણીમાં જવાહરભાઇને બીજેપીમાંથી જીતવું મુશ્કેલ બની રહે તો નવાઈ નહીં.
જવાહરભાઈનું જીતવું આસાન નહીં બને કારણ કે પટેલ અગ્રણીઓ કે જેઓ પાટીદાર ફેક્ટરનાં કારણે જવાહર ભાઈનો સાથ આપતા હતાં અને બીજેપીનો વિરોધ કરતા હતાં તેઓ હવે જવાહરભાઈનાં પક્ષ પલટાથી નારાજ છે અને હવે તેમને હરાવવાનો નિર્ણય કરી બેઠા છે.
પાટીદાર અગ્રણીઓનો એવો મત છે કે, જવાહરભાઇ ફક્ત પાટીદારોનાં મતને કારણે જ જીતતા આવ્યાં છે. પરંતુ વિધાનસભા પેટાચૂંટણીમાં તેમને પાટીદારોની નારાજગીનો સામનો કરવો પડશે. હવે તેમને પાટીદારોનાં મત નહીં મળે તો તેમનાં માટે આ બેઠક પરથી જીતવું અશક્ય બની શકે છે. છેલ્લી ત્રણ ટર્મની ચૂંટણીમાં જવાહરભાઇ માત્ર 1700, 4500 અને 30,000 મતના માર્જિનથી જીત્યા હતાં એમાં પણ છેલ્લી ચૂંટણીમાં પાટીદારોનાં કારણે જ એ જીતી શક્યાં હતાં. માણાવદર બેઠક પર જ્ઞાતિ પ્રમાણે મત જોઈએ તો આ બેઠક પર 80,000 પાટીદાર મતદારો છે, આહીર મતદારો 30,000 છે. જ્યારે દલિત મતદારો 26,000 જેટલાં છે અને 22000 મુસ્લિમ મતદારો છે.
આ ઉપરાંત ક્ષત્રિય મતદારોની સંખ્યા 12000 જેટલી છે જ્યારે અન્ય મતદારોની સંખ્યા 35000 જેટલી છે. આ બેઠક પર કુલ 2, મતદારો છે. જેમાં દલિત, મુસ્લિમ અને પટેલ સમુદાય પરંપરાગત કોંગ્રેસની વોટબેંક મનાય છે. જેથી આ ચિત્ર પરથી હાલ તો એવું અનુમાન તારવી શકાય કે વિધાનસભા પેટા ચૂંટણીમાં જ્વાહરભાઈને જીતવું આસાન નથી. જ્ઞાતિવાઈઝ મતદારોની સંખ્યા
પાટીદાર 80,000 મતદાર
આહીર 30,000 મતદારો
દલિત 26,000 મતદારો
મુસ્લિમ 22000 મતદારો
ક્ષત્રિય 12000 મતદારો
અન્ય 35000 મતદારો