પાકિસ્તાન પર ‘ચીની એર સ્ટ્રાઇક’!March 02, 2019

  • પાકિસ્તાન પર ‘ચીની એર સ્ટ્રાઇક’!

 ચાઇનાએ પાકિસ્તાન આવતી-જતી તમામ ફલાઇટસ રદ કરી
બીજીંગ તા.2
ભારત - પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી તણાવગ્રસ્ત પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ચીને પાકિસ્તાન જતી-આવતી તમામ ફલાઇટ રદ કરી છે. ઉપરાંત પાકિસ્તાનની ધરતી પરથી જતી આંતરરાષ્ટ્રીય ફલાઇટનો રસ્તો પણ બદલવામાં આવ્યો છે. બીજિંગ કેપિટલ ઈન્ટરનેશનલ એર ઓથોરિટીના જણાવ્યા મુજબ ભારત પાકિસ્તાન વચ્ચેના વર્તમાન તણાવને કારણે પાકિસ્તાનના વાયુક્ષેત્ર પરથી એક પણ ફલાઇટ પસાર થવા દેવામાં નહીં આવે જેને પરિણામે યુરોપ તથા સાઉથ ઇસ્ટ એશિયા વચ્ચેની આંતરરાષ્ટ્રીય ફલાઇટ પર અસર પડવાની સંભાવના છે.
ચીન મીડિયા એજન્સીએ જણાવ્યા મુજબ સામાન્ય રીતે પાકિસ્તાનના હવાઈ ક્ષેત્ર પરથી પસાર થતી તથા ભારત-પાક સરહદ પરથી પસાર થતી પશ્ર્ચિમ એશિયાથી આવતી ફલાઇટને ભારત, મ્યાનમાર તથા મધ્ય એશિયાના માર્ગે ચીન લાવવામાં આવશે. ચીને પાકિસ્તાનથી આવતી તથા પાકિસ્તાન પરથી પસાર થતી ફલાઇટો રદ કરી છે જેમાં બુધ-ગુરુવારની ફલાઇટ સામેલ છે, પરંતુ આગળના દિવસોમાં તે સમયસર શરૂ થશે કે નહીં એ અંગે ઓથોરિટી અનિશ્ર્ચિત હોવાનું જણાવવામાં આવ્યું હતું. સિવિલ એવિયેશન એડ્મિનિસ્ટ્રેશન ઓફ ચીનના અધિકારીએ જણાવ્યા મુજબ ચીન એર ઓથોરિટીના નિર્ણયથી 28 ડોમેસ્ટિક અને 49 ઈન્ટરનેશનલ ફલાઇટને તેનો રસ્તો બદલવાની ફરજ પડશે.ઉલ્લેખનીય છે કે, 14 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનસ્થિત જૈશ-એ-મોહંમદના આતંકવાદીએ કાર બોમ્બ દ્વારા પુલવામા ખાતે લશ્કરી કોન્વોય પર હુમલો કર્યો હતો, જેમાં 40 સીઆરપીએફના જવાનોનાં મૃત્યુ થયાં હતાં. હુમલાના 13મા દિવસે ભારતીય એસફોર્સે એરસ્ટ્રાઇક દ્વારા પાકિસ્તાનના બાલાકોટ ખાતે જૈશ-એ-મોહંમદની છાવણીનો સફાયો કર્યો હતો. ત્યારબાદ ભારત - પાકિસ્તાનના સંબંધોમાં તણાવ સર્જાયો હતો. પાકિસ્તાનના ફાઇટર એર ક્રાફટ પણ ભારતીય સીમામાં ઘૂસી આવ્યા હતા, જેને ભારતે બહાદૂરીપૂર્વક ભગાડયા હતા. ભારતનું ફાઇટર જેટ પાકિસ્તાની સરહદમાં તૂટી પડતા પાઇલોટ અભિનંદન પાકિસ્તાની સૈન્યના હાથમાં સપડાયો હતો, જેને છોડવાની પાકિસ્તાન પ્રધાનમંત્રી ઈમરાન ખાને જાહેરાત કરી હતી.