પરીક્ષાને પર્વ સમજી સેલિબ્રેશન કરોMarch 02, 2019

પરીક્ષાનો ડર ન રાખો તેમ વધુ પડતો
આત્મવિશ્ર્વાસ પણ ન રાખો: અણધારી
પરિસ્થિતિ માટે તૈયાર રહો: માતા-પિતા
શિક્ષકોનો સાથ હંમેશા તમારી સાથે છે

Dear Students,
હવે બોર્ડની પરીક્ષાને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે અભ્યાસલક્ષી કોર્સ બધો જ પૂરો થઇ ગયો છે. જેમ દરેક દાવપેચ શીખવીને કોઇ યોધ્ધાને યુધ્ધમાં મોકલવામા આવે ત્યારે કઇ ક્ષણે ક્યુ હથિયાર વાપરવું કયારે હુમલો કરવો વગેરે તો તે યોધ્ધાએ જ નક્કી કરવું પડે છે. પરંતુ યોધ્ધાની સાથે તમારી સરખામણી કરીને ડરાવવાનો ઈરાદો નથી. પરંતુ જીવનની એક વાસ્તવિકતા બતાવવાનો પણ પ્રયત્ન છે કે જીવનમાં દરેક પરિસ્થિતિ પરીક્ષા જેવી જ હોય છે. તેનો મુકાબલો સંજોગો, સમય અનુસાર દરેકે પોતે જ કરવાનો હોય છે. બોર્ડની પરીક્ષાનો હાઉ રાખ્યા વગર શાંતિથી પરીક્ષા આપજો. જીવનમાં જેમ આકસ્મિક બનાવ ગમે ત્યારે બને છે એમ ઘણી વખત પરીક્ષાના સમયની આસપાસ પરિવારના સભ્યની બિમારી, કોઇ સ્વજનનું મૃત્યુ, કે પછી અણધારી પરિસ્થિતિ આવી જાય તો પણ નાસીપાસ થયા વગર પરીક્ષાને અંતિમ ધ્યેય રાખીને અત્યાર સુધી જે પણ વાંચ્યું છે તેના પર વિશ્ર્વાસ રાખીને પરીક્ષા આપજો. શાળામાં દરેક વિષયના શિક્ષકે તમે શ્રેષ્ઠ પરિણામ લાવી શકો એ ધ્યેય રાખીને તમને ભણાવ્યા છે. કોઇ સ્વાર્થ વગર તમારા ઉજજવળ પરિણામ માટે પ્રયત્નો કર્યા છે આવી જ આશા તમારા માતા-પિતાને પણ છે તેમણે તમારા ભવિષ્ય માટે અનેક સ્વપ્નાઓ જોયા છે. તેથી પરીક્ષા સમયે કોઇ નકારાત્મક પગલુ ભરતા પહેલા સો વખત વિચાર કરજો. આ કોઇ અંતિમ પરીક્ષા નથી. જેમાં નાસીપાસ થઇ નકારાત્મક વિચારો કરો.
ઉતાવળિયું પગલુ ભરી લો. શિક્ષક તરીકે શ્રેષ્ઠ રીતે ભણાવવાની અમે ફરજ બજાવી છે. માતા-પિતાએ તેમની પોતાની ફરજ બજાવી છે તો હવે જયારે તમારો વારો છે ત્યારે તમે કોઇ ક્ષુલ્લક કારણ કે નાની અમથી વાતોથી નાસીપાસ થઇને પીછેહઠ કેમ કરી શકો? એનો અર્થ એવો પણ નથી કે તમે મગજમા વધારે ટેન્શન લો અને જેના ભાર નીચે પરીક્ષા સારી રીતે ન આપી શકો. અને તેનો અર્થ એવો પણ નથી કે વધુ પડતા આત્મવિશ્ર્વાસ વચ્ચે પરિણામ બગડે, શાંત ચિતે, મક્કમ પણે, આત્મવિશ્ર્વાસ પૂર્વક પરીક્ષાને પર્વ સમજીને તેનું સેલિબ્રેશન કરો.
કોઇની વાતોમાં ન આવો, મિત્રોની નકારાત્મક વાતોથી ન ગભરાવ, ખોટી અફવાઓમાં પણ ધ્યાન ન આપો, પેપર ફૂટવાની કે ફક્ત આઈએમપી પ્રશ્ર્નો પર ભરોસો રાખવાને બદલે સમગ્ર અભ્યાસક્રમને છેલ્લી પળોમાં આત્મસાત કરી લો અને જેવું પેપર આવે તે લખવાની તૈયારી કરો અને છેલ્લે તમારું પરિણામ જે પણ આવે તમે માતા-પિતા, શિક્ષકો સ્વજનો બધા માટે એ જ રહેવાના છો.
બધાનો તમારા માટેનો પ્રેમ કયારેય ઓછો થવાનો નથી. જીવનમાં અનેક વિકલ્પો છે જ એટલે બેલેન્સ રહી પરીક્ષા આપો અને ઝળહળતી સફળતા મેળવો.
- Your Favourite Teacher