સાચી ભક્તિFebruary 28, 2019

એક જંગલમાં પ્રાચીન શિવ મંદિર હતું. ત્યાં તે પ્રદેશનો રાજા ફૂલો,
સુગંધી દ્રવ્યો વગેરે લઇને પૂજા કરવા આવતો હતો. ત્યારે જંગલમાં રહેતો એક ભીલ પણ પૂજા કરવા આવતો પરંતુ તેની પાસે કોઇ સાધન ન હોવાથી હાથમાં જલ લઈ તેમજ જંગલી ફૂલો વડે પૂજા કરતો. દરરોજ આ બંનેને જોઈને પાર્વતીજીએ ભગવાન શિવજીને પુછયું, ‘હે પ્રભુ, આ બંનેમાંથી ઉત્તમ પૂજા કોની ? શિવજીએ મંદ મંદ હાસ્ય સાથે જણાવ્યું કે, ‘દેવી કાલે તમે જાતે જ જોઈ લેજો.’
બીજા દિવસે જંગલમાં જોરદાર પવન ફુંકાયો વરસાદ પડવા લાગ્યો અને જોરદાર વીજળીનો કડાકો થયો અને મંદિર પર પડી એ જ સમયે પેલો ભીલ પૂજા કરી રહ્યો હતો. તેણે વિચાર્યું કે જો મંદિરનો કાટમાળ પડશે તો શિવલિંગ દટાઈ જશે તેથી વાંકો વળી પોતાના શરીર વડે શિવલિંગ ઢાંકી દીધું અને મંદિરનો કાટમાળ તેની પીઠ પર પડ્યો. એ જ સમયે રાજા રથમાં ફૂલો સુગંંધિત પદાર્થો લઈને મંદિરે આવ્યા પરંતુ મંદિરનો કાટમાળ જોઈને પાછા ચાલ્યા ગયા. હવે ભગવાન શિવજીએ પાર્વતીજીને પુછ્યું, ‘બોલો, દેવી હવે તમે જ કહો કે કોની ભક્તિ શ્રેષ્ઠ ? કોની પૂજા ઉત્તમ ? : બોધ :
પૂજા એક માધ્યમ છે પ્રભુ સુધી પહોંચાડવાનું પરંતુ એ પૂજા દ્રવ્ય કરતા ભાવ વડે થવી જરૂરી છે.
અંતરની વિશુધ્ધતા એ જ ભક્તિનો પાયો છે અને ભગવાન ભોળાનાથ તો ભાવના ભૂખ્યા છે.
તેથી ભાવ દ્વારા સદાશિવની કૃપાદ્રષ્ટિ પ્રાપ્ત કરીએ.