ખેતરની માટીમાં રમતા જોયું આકાશમાં ઉડવાનું સ્વપ્નMarch 12, 2019

7 ધોરણ સુધીનો
અભ્યાસ કરેલ માતા-પિતાએ દીકરીના સોનેરી ભવિષ્ય માટે તેને પાઇલોટ બનવા માટે
રજા આપી એટલું જ નહીં તેના સ્વપ્નને હકીકતમાં બદલવા બધા જ
પ્રયત્નો કર્યા   પિતાજી સાથે ખેતરે જતા માટીમાં રમતા કોઈ આકાશમાં ઉડવાનું સ્વપ્ન જુએ તો? વિચાર જરા ફિલ્મી લાગે પણ હકીકતમાં પિતાજી સાથે ખેતીકામમાં મદદ કરતા કરતા આ સ્વપ્ન જોયું લીલુબેન સીડાએ.
હજુ હમણાં જ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી ત્યારે અનેક ક્ષેત્રમાં સફળ થયેલ મહિલાઓની કહાની સામે આવી. લીલુબેનની કહાની સર્વે સ્ત્રી શક્તિ માટે પ્રેરણારૂપ છે.
મહિલાઓમાં અગાધ શક્તિ રહેલી છે જે ચાહે તે કરી શકે છે તેનું જીવંત ઉદાહરણ છે લીલુબેન.
સામાન્ય શહેરના ભણેલ-ગણેલ પરિવારમાંથી કોઈ દીકરી પાઇલોટ બનવાનો વિચાર કરે તો તેને એરોનોટિકલમાં જવા દેવું કે નહીં એવો વિચાર માં બાપ ચોક્કસ
કરે જ્યારે લીલુબેનના માતા-પિતાએ 7 ધોરણ સુધીનો અભ્યાસ કરેલ છે છતાં દીકરીના સોનેરી ભવિષ્ય માટે દીકરીને પાઇલોટ બનવા માટે રજા આપી એટલું જ નહીં દીકરીના સ્વપ્નને હકીકતમાં બદલવા બધા જ પ્રયત્નો કર્યા.એ માતા-પિતા પણ ધન્યવાદને પાત્ર છે.
પોરબંદર નજીકના પારાવાડા ગામના સામતભાઈ સીડાને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી.એકથી પાંચ ધોરણ સુધી ગામમાં ભણી અને ત્યારબાદ પુત્રીએ 5 થી 12 ધોરણનો અભ્યાસ પોરબંદરની જવાહર વિદ્યાલયમાં કર્યો અને ત્યારબાદ યુ.કે. રહેતા કઝિન રામભાઈ સીડા અને ભરતભાઇ સીડા દ્વારા સતત માર્ગદર્શન મળતા લીલુબહેને આગળનો અભ્યાસ એરોનોટિકલમાં કરી પાઇલોટ બનવા વિચાર્યું.
21 વર્ષની ઉંમરે હાલ તે એવિએશન એન્ડ એરોનોટિકલ ફ્લાઈંગ કલબ અમદાવાદમાં તાલીમ લઈ રહ્યા છે. સ્ટુડન્ટ પાઇલોટ લાઇસન્સ મેળવી કોમર્શિયલ ઉડાન ભરવા 100 કલાક વિમાન ઉડાવવાનો અનુભવ મેળવવો જરૂરી છે હાલ તેઓ આ ટ્રેનિંગ લઈ રહ્યા છે.
નાના ગામમાં કોઈ વિમાનમાં બેસવાનું સ્વપ્ન પણ જોવાનો વિચાર ન કરે ત્યારે વિમાન ચલાવી આકાશમાં ઉડાન ભરવાની તેમની આ હિંમતને બિરદાવવા તેમજ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના આપવા અનેક સંસ્થાઓ તેમજ મેર સમાજે તેમનું બહુમાન
કર્યું હતું.
લીલુબેન સીડાએ મેળવેલી આ સફળતા માટે જેસીઆઈ પોરબંદરના સ્થાપક પ્રમુખ અને બરડા સમાજિક વિકાસ સમિતિના ઉપપ્રમુખ લાખણશીભાઈ ગોરાણિયાએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતાં. લીલુબેનની ઉડાન માટે સમગ્ર પરિવાર, મેર સમાજ અને સમગ્ર પોરબંદર વિસ્તાર ગૌરવ અનુભવે છે. 21 વર્ષની ઉંમરે હાલ એવિએશન એન્ડ એરોનોટિકલ ફ્લાઈંગ કલબ અમદાવાદમાં સ્ટુડન્ટ પાઇલોટ લાઇસન્સ મેળવી કોમર્શિયલ ઉડાન ભરવા માટેની ટ્રેનિંગ લઈ રહ્યા છે