‘ધુલ કા ફૂલ’નું જતન કરતા મહિલા PSIMarch 11, 2019

  • ‘ધુલ કા ફૂલ’નું જતન કરતા મહિલા PSI

 બાબરામાં માસુમ નવજાતને માતાએ ત્યજી દીધા બાદ પોલીસ દ્વારા પ્રશંસનીય કામગીરી
અમરેલી તા.11
પોલીસને પ્રજામિત્ર બનાવવા મુખ્યમંત્રીએ પહેલ કરી હતી. પોતાની ફરજ ઉપરાંત કેટલાક એવા દાયિત્વ નીભાવીને પોલીસ સમયાંતરે પ્રજામિત્ર હોવાનો પરીચય પણ આપે છે ત્યારે બાબરામાં એક એવો બનાવ સામે આવ્યો જેમાં નિષ્ઠુર માતા માસુમ નવજાતને તરછોડીને પલાયન થઇ ગઇ હતી. આવા સમયે ફુલ જેવા બાળકની તમામ દેખરેખ બાબરાના મહિલા પીએસઆઇ રાખી રહ્યા છે. બાબરામાં થોડા દિવસો પહેલા અહીં શહેરમાં આવેલ એક સોસાયટી પાસે નવજાત શિશુ મળી આવતા બાબરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને બાળકી નો કબજો મેળવી બાળકીના માતાપિતાની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
તાજું જન્મેલ બાળકને આ રીતે તરછોડી જનાર જનેતા પર શહેરના લોકોએ ફિટકાર વર્ષાવ્યો હતો ત્યારે બાબરાના મહિલા પીએસઆઇ ગીતાબેન આહીર દ્વારા આ બાળકીને કોઈ તકલીફ નો પડે તે માટે પ્રથમ બાબરા સરકારી દવાખાનામાં જરૂરી સારવાર કરાવી વધુ અન્ય સારવાર અને સંભાળ માટે અમરેલી સિવિલમાં મુકવામાં આવી છે.
અહીં અમરેલી ખાતે એક મહિલા પોલિસ આ બાળકીની પૂરતી કાળજી અને સારસંભાળ લઇ રહ્યા છે અને પીએસઆઇ ગીતાબેન આહીર પણ બાળકીને કોઈ તકલીફ નો પડે અને પૂરતી સંભાળ લેવાય તેમાટે પોતે સીધી દેખરેખ રાખી રહ્યા છે. આમ એક તિરસ્કૃત નવજાત શિશુને બાબરા પોલીસનો માતૃત્વનો છાંયડો મળતા બાળકી સુરક્ષિત અને તંદુરસ્ત જોવા મળી રહી છે.