સિગારેટનો ખતરારૂપ અખતરોMarch 09, 2019

આપણે બસમાં કે ટ્રેનમાં મુસાફરી કરતા હોઇએ છીએ ત્યારે ‘નો સ્મોકીંગ’ની સુચના લખેલી હોય છે છતા કેટલાક લોકો આરામથી સિગારેટના ધુમાડા ફેંકતા જોવા મળે છે. એ ધુમાડા બીજા માટે અસહ્ય ત્રાસનું કારણ બની જાય છે ત્યારે ઘણા મોંએ રૂમાલ દાબીને બેસી રહે છે તો બીજા કેટલાક તેના માટે ઝઘડા કરે છે. ઘણી વખત આ ઝઘડો મોટું સ્વરૂપ પણ પકડી લે છે પરંતુ સિગારેટ પીનાર વ્યસનીને સમય સંજોગો નડતા નથી. તેની તલપ એટલી તીવ્ર હોય છે કે તે સ્થળ સમય સંજોગો વિપરીત હોવા છતા કશ લેવાનું ચુકતા નથી. જે સિગરેટ તેઓ ખરીદે છે તેમાં પણ ચેતવણી લખેલ હોય છે કે "સિગારેટ પીવી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે છતા લોકો દિવો લઈને કુવામાં પડવા જેવું કામ કરે છે.શોખથી કે ટેસ્ટ માટે શરૂ કરેલ સિગારેટ જીવનનો ટેસ્ટ સમાપ્ત કરી નાખે છે. દર વર્ષે વિશ્ર્વમાં 1 બિલીયન જેટલા યુવાનો સ્મોકિંગનો આરંભ કરે છે. સ્મોકિંગમાંથી જ ચરસ, ગાંજો વિગેરેના બંધાણ થાય છે. સિગારેટમાંથી નવી ફેશન હુક્કાની પણ હતી.ઠેર-ઠેર હુક્કાબાર ખુલી ગયા છે.
ગુજરાતમાંથી હાલમાં હૂક્કા બાર બંધ કરાવ્યા તે પ્રશંસનીય છે. હૂક્કો પીવાથી નુકસાન નથી થતું એવી ગેરમાન્યતાના કારણે યુવાનો અને મહિલાઓને પણ આનું વળગણ લાગ્યું.સ્મોકિંગમાં સ્ત્રીઓ પણ પાછળ નથી.ઉત્તર ગુજરાતના પ્રદેશોમાં તેમજ આદિવાસી વિસ્તારોમાં તમાકુની ખેતી હોવાથી બીડી-તમાકુનું સેવન સ્ત્રીઓ કરે તે બહુ સામાન્ય છે.અમુક લોકોમાં આ ટેવ પેઢી દર પેઢી ચાલુ રહે છે અને એ લોકો ગૌરવથી બીડી તમાકુનું સેવન કરે છે.
શહેરોમાં પણ ક્ષુલ્લક વસ્તુમાં દર મહિને કેટલાય પૈસા વેડફી નાખે છે.મધ્યમવર્ગી હોય તો પણ એ માણસને વિચાર નથી કે આજ પૈસાથી તે પોતાના સંતાનોના મોજશોખ,સારા કપડાં, સારું શિક્ષણ,પત્નીને શોપિંગ કરાવી શકે,બહાર ફરવા લઈ જઈ શકે તેમજ ઘરમાં પણ રાચ રચીલું વસાવી શકે છે.પરંતુ વ્યસનમાં વ્યસ્ત વ્યક્તિને ક્યારેય આ બાબતનો વિચાર આવતો નથી. દર વર્ષે માર્ચ મહિનાનો બીજો બુધવાર ‘નો સ્મોકિંગ-ડે’ તરીકે મનાવવામાં આવે છે ત્યારે ડોક્ટર તેમજ આધ્યાત્મિક ગુરુઓ પાસેથી વ્યસન ત્યાગની ટિપ્સ જાણીએ અને નો સ્મોકિંગ ના સંકલ્પ સાથે વ્યસનનો ત્યાગ કરીને સ્વસ્થ જીવન જીવીએ.   સિગારેટ પ્રેમીઓ માટે સાવચેતી....
* જે સિગારેટના બે કશ શરીર અને મગજને તરોતાજા કરી દે છે એવું માનનારા જાણી લે સિગારેટમાં
ફેફસા, મોં, હાડકાને ખતમ કરનારા કયા તત્ત્વો
હોય છે.
* ફોર્માલ્ડી હાઇડ : મૃત શરીરને જીવિત રાખવા માટે જે કેમીકલ વપરાય છે તે ઝેરીલો પદાર્થ સિગારેટમાં હોય છે જે કેન્સરનું કારણ બની રહે છે.
* બેન્ઝીન : બ્લડ કેન્સરનો ખતરો ઉભો કરતા આ કેમીકલમાં કોલસા અને પેટ્રોલિયમ જેવા જવલનશીલ પદાર્થો રહેલા હોય છે. જે સિગારેટને સળગતી રાખવામાં મદદ કરે છે.
* એનોમિયા : તમાકુમાંથી નિકોટીનને જુદો કરીને ગેસમાં રૂપાંતરીત કરવા માટે વપરાતુ આ કેમીકલ ટોઇલેટ કલીનરમાં વપરાય છે.
* આર્સેનિક : ઉંદરને મારવામાં વપરાતુ આ કેમીકલ કેટલું નુકસાન કરી શકે તે કલ્પી શકાય છે.
* તાર આ કેમીકલ ધુમાડાના રૂપમાં ફેફસામાં જામી જાય છે. જેનું પ્રમાણ 70 ટકા હોય છે તે ફેફસાનું કેન્સર ન કરે તો જ નવાઇ.
* નિકોટીન : આ કેમીકલ જ શરીરમાં નશો ઉત્પન્ન કરે છે જેની સીધી અસર મગજના જ્ઞાનતંતુ પર થાય છે અને તેના કારણે જ શાંતિથી શરૂ કરેલ સિગારેટ વ્યસન બની જાય છે.   ખોટી માન્યતા... હુકકો નુકસાનકારક નથી
હુકકાને સ્મોકિંગનો રોયલ એન રાજાશાહી પ્રકાર કહેવામાં આવે છે જેમાં કશ લેતા પહેલા તમાકુને ગરમ કરવામાં આવે છે અને ત્યારબાદ તેનો ધુમાડો પાણી થી પસાર કરીને કશ દ્વારા મોમાં લેવામાં આવે છે. લોકો હુકકાને સુરક્ષિત ગણે છે પરંતુ એ માન્યતા સાચી નથી તેના બંને અંતમાં કાર્સિનોજન લગાડેલુ હોય છે જે કેન્સર પેદા કરે છે. હુકકામાં સ્વાદ માટે જુદા જુદા ફ્રૂટ સીરપ ફલેવર મીકસ કરેલા હોય છે તેમ લોકોમાં એવી ગેરમાન્યતા પણ છે કે હુકકો પીવાથી વીટામીન મળે છે હુકકાને પીવાની સ્ટાઇલ એકદમ ઠાઠ વાળી હોય છે અને એટલે જ યુવાનો અને મહિલાઓ પણ આનાથી આકર્ષાય છે અને થોડા સમયમાં હુકકો પીવા માટે હુકકાબારમાં જવું એ ફેશન બની ગઇ હતી અને ઠેર-ઠેર હુકકા બારના રાફડા ફાટયા હતા પરંતુ હુકકાબારમાં ચરસ, ગાંજાનો ઉપયોગ થતો હોવાની વાત પણ બહાર આવતા અનેક સ્થળોએ સરકારે તેના પર પ્રતિબંધ મૂકયો છે.