અમરેલીમાં શંકાસ્પદ બાયોડીઝલનો 60 લાખ રૂપિયાનો જથ્થો સીઝMarch 07, 2019

અમરેલી તા. 7
અમરેલી જિલ્લામાં બાયોડીઝલના નામે અન્ય ભેળસેળ યુક્ત પેટ્રોલિયમ પદાર્થનું અલગ અલગ પેઢીઓ દ્વારા અન- અધિકૃત રીતે વેચાણ કરતા હોવાની બાતમી તથા ફરિયાદોના આધારે કલેક્ટર આયુષ ઓક તથા જિલ્લા પુરવઠા અધિકારી સતાણીનાં માર્ગદર્શન હેઠળ મહેસુલ વિભાગના અધિકારીઓના નેતૃત્વ નીચે પોલીસ ને સાથે રાખી અમરેલી શહેર માં કુલ 5 સ્થળોએ તથા બગસરા શહેરમાં એક સ્થળે એમ કુલ 6 સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમ્યાન કુલ બાયોડીઝલનો 79,700 લીટર જથ્થો સીઝ કર્યો જેની કિંમત રૂપિયા 59,22,034 (અંકે રૂ. ઓગણ સાઈઠ લાખ બાવીસ હજાર ચોત્રીસ પુરા) નો મુદામાલ સીઝ કર્યો હતો.
પુરવઠા વિભાગે તપાસ કરેલ પેઢીઓમાં મોગલ કૃપા પેટ્રોલિયમ, અમરેલી, ન્યુ શિવશક્તિ ટ્રેડિંગ, અમરેલી, સુરજ ઇમ્પેક્ષ, અમરેલી, મારુતિ એન્ટરપ્રાઈઝ, અમરેલી, તથા એકતા બાયોડીઝલ, અમરેલી જ્યારે ધૃવ ટ્રેડર્સ, બગસરાનો સમાવેશ થાય છે.
સીઝ કરવામાં આવેલ પેટ્રોલિયમ પદાર્થનાં નમૂના પૃથક્કરણ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી, ગાંધીનગર ખાતે મોકલવામાં આવેલ છે. જેથી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાંથી પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ નિયમાનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જિલ્લા પુરવઠા અધિકારી અમરેલીની અખબારી યાદીમાં જણાવેલ છે.