બે સંતાનોના ગળા દાબી પિતાએ ધોરી નસ કાપી નાંખીMarch 06, 2019

  • બે સંતાનોના ગળા દાબી પિતાએ ધોરી નસ કાપી નાંખી

પોરબંદરનાં અણિયારી ગામનો અરેરાટીભર્યો બનાવ : ત્રણેયનાં મોતથી સમગ્ર પંથકમાં હાહાકાર: મોટી દીકરીને કુદરતે બચાવી
પોરબંદર,તા.6
પોરબંદર નજીકના રાણાવાવ તાલુકાના અણીયારી ગામે યુવાને પોતાના બે સંતાનોને ગળેટુંપો દઇને મોતને ઘાટ ઉતાર્યા બાદ પિતાએ પણ આત્મહત્યા કરી લેતા ભારે અરેરાટી ફેલાઇ છે અને આ બનાવમાં એવું બહાર આવ્યું છે કે, મૃતક યુવાનની પત્ની દોઢેક માસ પહેલા જ મૃત્યુ પામી હતી આથી સંતાનોનો ઉછેર કઇ રીતે કરીશ? તેની ચિંતા આ યુવાનને સતાવતી હોવાથી જીંદગીનો અંત આણતા પહેલા સંતાનોને પણ મોતને ઘાટ ઉતાર્યાનો કરૂણાજનક અને સાથેસાથે ફીટકાર વરસાવે તેવો બનાવ નોંધાયો છે.
સંતાનોની કરી હત્યા
બનાવની વિગત એવી છે કે, અણીયારી ગામના ધીરજભાઇ મોહનભાઇ લાડવા નામના 45 વર્ષીય યુવાને તેની 4 વર્ષની દિકરી દેવીસા અને દોઢ વર્ષના દિકરા શિવમને ગળેટુંપો આપીને ઘાતકી હત્યા કરી નાંખી હતી.
યુવાને કરી આત્મહત્યા
બન્ને સંતાનો મૃત્યુ પામ્યા બાદ ધીરજભાઇએ પણ આત્મહત્યા કરી લીધી હતી જેમાં સૌ પ્રથમ તેમણે તિક્ષ્ણહથિયારવડે પોતાના હાથની નસ કાપી લીધી હતી અને લોહીલુહાણ થઇ ગયો હતો ત્યારબાદ પણ તેનો જીવ નહીં જતાં અંતે તેણે ઘરમાં નળીયાવાળુ મકાન હતું તેની વચ્ચેના ભારોટ સાથે દોરડું બાંધીને ગળાફાંસો ખાઇને પોતાની જીંદગીનો પણ અંત આણ્યો હતો.
દોઢ મહીના પૂર્વે પત્ની મૃત્યુ પામી હતી
પોરબંદરના અણીયારી ગામે અરેરાટીભર્યા બનેલા બનાવમાં એવું બહાર આવ્યું છે કે, ધીરજભાઇ રાજકોટ રહેતા હતા અને સ્લેબ ભરવાનું સેન્ટીંગનું મજુરીકામ કરતા હતા. દોઢેક મહીના પહેલા તેઓ અણીયારી ગામે આવતા હતા ત્યારે વાહન અકસ્માત થતાં તેમના પત્ની વનીતાબેનનું કરૂણ મોત નિપજયું હતું તેથી ત્યારબાદ તેઓ ખુબ જ ચિંતાતુર રહેતા હતા.
સંતાનોના ઉછેરની હતી ચિંતા
પત્નીના આકસ્મિક મૃત્યુ બાદ સંતાનોનો ઉછેર એકલા હાથે કઇ રીતે કરી શકશે? તેની સતત ચિંતા થતી હોવાથી તેમણે જીંદગીથી કંટાળીને આત્મહત્યાનું નકકી કર્યુ હતું પરંતુ તે પહેલા એવું વિચાર્યુ હતું કે, બન્ને સંતાનોને પણ જો મોતને ઘાટ ઉતારી દેવામાં આવે તો પછી કોઇ ચિંતા રહે નહીં. આથી તેમણે બન્ને સંતાનોની ક્રુર હત્યા કરી હતી.
મોટી પુત્રી રાજકોટ હોવાનું બહાર આવ્યું
પોરબંદર પોલીસની તપાસમાં એવું બહાર આવ્યું છે કે, મૃતક ધીરજભાઇ લાડવાની મોટી પુત્રી દીપુ રાજકોટ રહે છે અને ત્યાં અભ્યાસ કરે છે, પત્ની વનીતાના અવસાન પછી તે પોતાના માતા-પિતા અને બે નાના સંતાનો સાથે અણીયારી રહેતા હતા અને અંતે જીંદગી ઝેર જેવી લાગતા આવું પગલું ભર્યુ હોવાનું જાણવા મળ્યું છે.