સુરેન્દ્રનગરના કલેકટર સામે વિજીલન્સ તપાસMarch 06, 2019

 સુરતમાં તત્કાલીન ડીડીઓ કે. રાજેશ એ 32 લાખના ખર્ચે સોલાર પેનલ સિસ્ટમ ખરીદવાના પ્રકરણમાં ફરિયાદ બાદ તપાસનો ધમધમાટ
રાજકોટ તા.6
રાજકોટ નજીકનાં બામણબોર-જીવાપરની 800 એકર સરકારી જમીન ખાનગી ઠેરવી સુરેન્દ્રનગરના અધિક કલેકટર સહિત ત્રણ ઉચ્ચ અધિકારીઓએ કરોડો રૂપિયાના કૌભાંડમાં સુરેન્દ્રનગરના જીલ્લા કલેકટરે એસીબીમાં ફરીયાદ કરતા રાજ્યભરના સરકારી કર્મચારીઓમાં સનસનાટી મચી જવા પામી છે ત્યારે સુરેન્દ્રનગરના કલેકટર અને સુરતના તત્કાલીન જીલ્લા વિકાસ અધિકારી કે.રાજેશ સામે 32 લાખના કથીત કૌભાંડની ફરીયાદ થતા તકેદારી આયોગે તપાસ હાથ ધરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
સુરત જીલ્લા પંચાયતના કાર્યકાળ દરમિયાન આરોગ્ય વિભાગની રોગી કલ્યાણ સમિતિની ગ્રાન્ટની રકમમાંથી રૂા.32 લાખના ખર્ચે સોલાર પેનલ સીસ્ટમ ખરીદવાના પ્રકરણમાં પૂર્વ જીલ્લા વિકાસ અધિકારી કે.રાજેશ સામે તકેદારી આયોગે તપાસ શરૂ કરી છે. આ મુદ્દે આયોગે જીલ્લા પંચાયતમાં પેનલ ખરીદી માટે થયેલા ઠરાવની તમામ નકલ પણ પોતાના કબ્જામાં લઇ લીધી છે અને રેકર્ડના એક એક કાગળ મંગાવી લીધા છે.
નિયમો તાસક ઉપર મુકીને કંકીપતિ રાજેશ દ્વારા રોગી કલ્યાણ સમિતિની ગ્રાન્ટમાંથી દવા ખરીદવાને બદલે સોલાર રૂફ ટોપ ખરીદી કરી હતી. જેની સામે વિપક્ષી સભ્ય દર્શન નાયકે ફરીયાદ કરતા પાછળથી આરોગ્ય સમિતિ પાસે ઠરાવ લેવાયો હતો અને તેની ઉપર આરોગ્ય અધિકારી અને ફીમેલ હેલ્થ સુપરવાઇઝરની સહી કરાવી લેવાઇ હતી. મહત્વનું છે કે આ ગ્રાંટનું એકાઉન્ટ આરોગ્ય અધિકારી અને ફીમેલ હેલ્થ સુપરવાઇઝરની સંયુકત સહીથી ઓપરેટ થતું હોવા છતા ડી.ડી.ઓ. કે.રાજેશે આદેશ કરીને ગ્રાન્ટની રકમ ટ્રાન્સફર કરાવી હતી.
રોગી કલ્યાણ સમિતિની ગ્રાન્ટનો અન્ય કોઇપણ હેતુ માટે ઉપયોગ થઇ શકે નહીં એ પ્રકારની કેન્દ્ર અને રાજ્ય સરકારની સ્પષ્ટ ગાઇડલાઇન હોવા છતા કે.રાજેશ દ્વારા આ ખરીદી કરાઇ હતી. આ સોલાર રૂફ ટોપ લાગી ગયા બાદ ઠરાવો મેળવાયા હતા પરંતુ એ પહેલાં જીલ્લા પંચાયતની સામાન્ય સભામાં પોલ ખુલ્લી પડી ગઇ હતી. આમ છતા સક્ષમ અધિકારી તરીકે તેમણે પાછલી તારીખમાં પણ ઠરાવો મેળવી લીધા હતા. આ ખરીદી બાબતે એ સમયે પણ ભારે હોબાળો મચ્યો હતો અને શાસક પાંખના સભ્યોએ ભારે નારાજગી દર્શાવી હતી પરંતુ તત્કાલીન પ્રમુખ કે.રાજેશને છાવર્યા હતા.
ગંભીર બાબત એ છે કે આ સોલાર સીસ્ટમને કારણે વીજળી બચતના દાવા કરાયા હતા પરંતુ આજની તારીખે એકપણ સોલાર રૂફ ટોપ ચાલતી નથી અને તમામ પેનલ બેકાર સાબિત થઇ છે. આ ઉપરાંત કે.રાજેશ સામે સફાઇ કામદારના પગારની ગ્રાન્ટ સામે દર્શન નાયકે ફરીયાદ કરતા આ પ્રકરણ ગંભીર વળાંક લે એવી શકયતા છે.