સ્યુસાઈડ બોમ્બર સહિત બે ત્રાસવાદી ગુજરાતમાં ઘુસ્યાના IBના ઈનપુટFebruary 19, 2019

ભીડભાડવાળા વિસ્તારો, રેલવે સ્ટેશનો, મંદિરો, સ્ટેચ્યૂ ઓફ યુનિટીને નિશાન બનાવી શકે
અમદાવાદ તા.19
પુલવામા ત્રાસવાદી હુમલમાં સી.આર.પી.એફ.ના 44 જવાનો શહીદ થયા બાદ કાશ્મીરમાં ત્રાસવાદીઓ અને ભારતીય જવાનો વચ્ચે એન્કાઉનટર ચાલી રહ્યા છે ત્યારે ગુજરાતમાં પણ બે ત્રાસવાદી ઘુસ્યાના પોલીસને ઈનપુટ મળતા સમગ્ર રાજ્યમાં સુરક્ષા અને ચેકીંગ વ્યવસ્થા સજ્જડ બનાવવામાં આવેલ છે. સી.આઈ.ડી. ઈન્ટેલીજન્સ દ્વારા દરેક પોલીસ અધિકારીઓને પાઠવવામાં આવેલા મેસેજમાં સુરક્ષા વ્યવસ્થા જાળવવા અને તકેદારી રાખવા જણાવાયુ છે.
સી.આઈ.ડી. મેસેજમાં જણાવ્યા મુજબ એક હૈદ્રાબાદનો મોહમ્મદ ઈબ્રાહીમ અને અન્ય એક સ્યુસાઈડ બોમ્બર રેહાન વૃધ્ધ મહિલા સાથે ગુજરાતમાં ઘુસ્યા છે. આ ત્રાસવાદીઓ રાજ્યમાં પબ્લીક પ્લેસ, રેલવે સ્ટેશન, મંદિરો તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિશાન બનાવવા માટે મલ્ટીયલ બોમ્બ બ્લાસ્ટ કરી ઈતિહાસનો મોટામાં મોટે ત્રાસવાદી હુમલો કરી શકે તેમ છે.
ત્રાસવાદી મોહમ્મદ ઈબ્રાહિમ પુલવામાં થયેલ હુમલામાં પણ સંડોવાયેલ છે. મોહમ્મદ અને સ્યુસાઈડ બોમ્બર રેહાન પાક.ના ત્રાસવાદીઓ મસુદ અઝહરના આતંકી જુથ સાથે સંકળાયેલા હોવાનુ પણ જણાવાયુ છે. ખાસ કરીને સ્યુસાઈડ બોમ્બર રેહાન સાથે એક વૃધ્ધ મહિલા પણ સામેલ છે. આ વૃધ્ધ મહિલા પણ સ્યુસાઈડ બોમ્બર હોવાનુ માનવામાં આવે છે.
સી.આઈ.ડી. ઈન્ટેલીજન્સ ગાંધીનગરે આ મેસેજ ગત તા.16ના રોજ મધરાત્રે રાજ્યના તમામ પોલીસ કમિશનર તથા એસ.પી.ને મોકલી તકેદારીના પગલા ભરવા અને સુરક્ષા વ્યવસ્થા જાળવવા સુચના આપેલ છે.