પતિ-પત્ની ઔર મોબાઈલFebruary 19, 2019

આસ્થા અને અભિષેકના 15 વર્ષના સુખી લગ્નજીવનમા છેલ્લાં પાંચ વર્ષથી ઝઘડા એટલે થવા લાગ્યા કે અભિષેક તેનો મોબાઈલ આસ્થાને અડકવા પણ આપતો નહી. ફીંગર લોક, પેટર્ન લોક મારીને જ રાખતો અને આસ્થાના કે બાળકોના હાથમાં બિલકુલ ન આવે તેની કાળજી રાખતો. આસ્થાને અભિષેક પર સંપૂર્ણ વિશ્ર્વાસ હતો છા તેના આવા વર્તનના કારણે શાંત લગ્નજીવનમાં ઝઘડા સામાન્ય બની ગયા.
શ્રધ્ધા અને વિશ્ર્વાસના લગ્નજીવનમાં પણ શંકાના બીજ એટલે જ રોપાયા કારણ કે બંને પોતાના પાસવર્ડ એકબીજાથી છુપાવીને રાખતા હતા.
આ અને આવા તો અનેક ઉદાહરણો છે જેમાં પતિ પત્નીના લગ્નજીવન છુટાછેડા સુધી પહોંચી ગયા હોય. આજે મોબાઈલ સગવડ સાથે સંબંધો મુરઝાવાનું કારણ બની ગયું છે. ત્યારે એક સર્વે મુજબ સૌથી વધુ નકારાત્મક અસર પતિ-પત્નીના સંબંધોમાં થાય છે. જેમાં શંકાથી શરૂ થઇને વાત બ્રેક અપ સુધી પહોંચે છે. એક સર્વે મુજબ 60 % લોકો પાર્ટનરનું એકાઉન્ટ ચોરી છુપીથી જુએ છે. 10% પતિ પત્ની વચ્ચે એટલે ઝઘડા થાય છે કે પોતાના પાર્ટનરને બીજા સાથે સંબંધ હોય એવું માને છે. 50%થી વધુ લોકો સ્વીકારે છે કે સોશિયલ મીડિયાએ તેમનું જીવન છિન્ન ભિન્ન કરી નાખ્યું છે.
આજે પતિ-પત્ની એક જ રૂમમાં, એક જ બેડ પર બાજુબાજુમાં હોવા છતા જોજનો દૂર રહેલ અજાણ્યા વ્યક્તિ વિશે વાતો જાણે છે તેના ગમા-અણગમાની ચિંતા કરે છે. પોતાની અંગત પળોને ફોટા દ્વારા શેર કરે છે અને કેટલીક વખત ટેલિફોન નંબરની આપ-લે દ્વારા આ સંબંધ વધુ આગળ ધપે છે. ત્યારે ઘણીવખત ક્રાઈમની ઘટના પણ બનતી હોય છે. સોશિયલ મીડિયાના અગણિત લાભો છે.
છતા એનો સકારાત્મક ઉપયોગ કરવાના બદલે ગેરઉપયોગ થાય છે જે સમગ્ર સમાજ માટે લાલબત્તી સમાન છે. આવી બનતી ઘટનાને જો જાગૃત રહીને સમજપૂર્વક અટકાવી દેવામાં આવે તો લગ્નજીવન ચોક્કસ બચી જાય છે. નાની પણ સંવેદનશીલ વાતોનો ખ્યાલ રાખો
* ઝઘડાના પ્રારંભ થાય ત્યારે જ તેનો ઉકેલ મેળવવા પ્રયત્ન કરો નહીંતર આ એવી આગ છે જેમાં સંબંધો ખાખ થઇને જ રહેશે.
* સોશિયલ મીડિયા, નેટ સર્ફીંગ બધાનો પોઝિટિવ અને સકારાત્મક ઉપયોગ કરો. ફક્ત ટાઈમપાસ માટે કરવાથી ખોટી સાઈટ કે ખોટા લોકોમાં ફસાઈ જવાનો ડર રહે છે.
* અનેક લોકો ફેક એકાઉન્ટ બનાવીને ચેટ કરતા હોય છે તેને ઓળખો તેવા લોકો સાથે આગળ કોમ્યુનિકેશન ન કરો.
* પોસ્ટ માટે લાઈક્સ મળે કે ફોટોગ્રાફ માટે પ્રસંશા મળે તેમાં આકાશમાં ઉડવાની જરૂર નથી. આ એવા લોકો છે જેની સાથે તમારે વાસ્તવિક જીંદગી જીવવાની નથી. ખરેખર તમારી પોતાની વ્યક્તિ પાસેથી પ્રસંશા મેળવવાના પ્રયત્નો કરો.
* બિમારીમાં ટેક કેર, કે ખરાબ પ્રસંગોમાં ફક્ત આરઆઈપી લખવું કે જન્મદિવસ કે એનિવર્સરીની શુભેચ્છાના ઢગલાથી કાંઇ મળવાનું નથી. સાચા સુખ-દુ:ખ જે ખરેખર તમારી નજીક છે તેની સાથે વહેંચો.
* પતિ કે પરિવારથી છૂપાવીને કોઇ એવા સંબંધ ન બાંધો જેના કારણે ભવિષ્યમાં કોઇ બ્લેકમેલ કરે કે ડરાવે, ધમકાવે.
* પોતાની પર્સનલ વાતો પારકા સાથે શેર ન કરો. મૃગજળ સમાન સોશિયલ મીડિયા સ્નેહની તરસ છીપાવી શકતું નથી
* સોશિયલ મીડિયા આભાસી મૃગજળ જેવી દુનિયા ઉભી કરે છે.
* પોતાની પોસ્ટને લાઈક મળવાથી આત્મવિશ્ર્વાસ વધે છે. પરંતુ એ લાઈક્સ વાસ્તવિકતાથી કયાંય દૂર હોય છે જે સમજવાની જરૂર છે.
* વાસ્તવિક જીવનમાં જેને અવગણના મળતી હોય તે ફેસબુક અને વોટ્સએપ પર મિત્રો શોધે છે અને બનાવે છે.
* જે યુગલો એકબીજાને સમય આપી શકતા નથી. તેઓ વચ્ચે આવા પ્રશ્ર્નો વધુ ઉભા થાય છે.
* સોશિયલ મીડિયા પર અનેક ફેક એકાઉન્ટ લોકો બનાવતા હોય છે. જે રેડ લાઈટ સમાન છે. આવા એકાઉન્ટ લોકોને ફસાવવા માટે જ બનાવતા હોય છે.
* પતિ-પત્ની પોતાના પાસવર્ડ ફ્રેન્ડ્સલીસ્ટ વગેરે છૂપાવે છે જે ઝઘડાનું કારણ બને છે.
* એકલતા દૂર કરવા માટે નવા નવા મિત્રો બનાવે છે. જે લગ્નજીવનમાં ખતરાની ઘંટી વગાડે છે.