દીકરાના પ્રશ્ર્નોના સંગીતમય જવાબે અપાવ્યું ગ્રેમી એવોર્ડ નોમીનેશનFebruary 19, 2019

સામાન્ય રીતે નાના બાળકોના મનમાં કેટ કેટલાય પ્રશ્ર્નો ઊભા થતા હોય છે અને આ બધા પ્રશ્ર્નોથી ઘણી વાર માતા - પિતા કંટાળી જાય છે પરંતુ આનાથી વિરુધ્ધ એક મમ્મીએ પોતાના 4 વર્ષના પુત્રના પ્રશ્ર્નોથી કંટાળ્યા વગર બધા પ્રશ્ર્નોના જવાબ સૂરોમાં સજાવી બાળકને પણ આનંદ થાય એ રીતે સુંદર ગીતની રચના કરી. આ ગીત એટલુ બધુ લોકપ્રિય થયું કે તેને અમેરિકન મ્યુઝિકલ એવોર્ડ ગ્રેમી એવોર્ડમાં બેસ્ટ ચિલ્ડ્રન સોંગ કેટેગરીમાં નોમિનેશન મળ્યુ. આ માતા છે મૂળ દાહોદના હાલ અમેરિકા રહેતા ફાલ્ગુની શાહ.
છેલ્લાં પંદર વર્ષથી અમેરિકામાં રહેતા ફાલ્ગુની શાહ અવાર-નવાર સંગીત શીખવા આવતા, ત્યાં તેમની મુલાકાત કેન્સર નિષ્ણાંત અને ગાયક ડો.ગૌરવ શાહ સાથે થઈ અને બન્ને લગ્નગ્રંથીથી જોડાયા. સંગીતમાં સફળ કારકીર્દી ધરાવતા ફાલ્ગુનીના સ્મરણાંજલિ સહિત અનેક આલ્બમ પ્રકાશિત થયા છે તેઓ દરરોજ 4 કલાક રિયાઝ કરે છે અને ફાલુ’ઝ બાઝારના જે ગીતને નોમીનેશન મળ્યું છે તે માટે તે બહુ ખુશ છે તેમણે જણાવ્યું હતું કે આ ગીત દરેક માતા અને બાળકને મદદરૂપ થશે. પોતાની કારકિર્દીમાં પતિ અને સાસુ - સસરા લીનાબેન શાહ તથા દિલીપભાઈ શાહનો ખુબ જ સહયોગ છે. ભારતમાં રહીને પણ સાસુ - સસરા ફાલ્ગુનીને સતત પ્રોત્સાહન આપે છે. ફાલ્ગુનીની આ સફળતા ફકત પરિવાર કે શહેરની નહીં પણ સમગ્ર દેશની છે તેમ તેઓએ જણાવ્યું હતું. ભારતમાં કલા અને સંસ્કૃતિનો અદ્ભૂત વારસો છે અને ભારતીય સંગીત વિશ્ર્વમાં શ્રેષ્ઠ છે. હજુ પણ સંગીત ક્ષેત્રે અનેક ખેડાણ કરવાના બાકી છે તેવું જણાવતા ફાલ્ગુની શાહ - દલાલને ‘ગુજરાત મિરર’ તરફથી ખુબ ખુબ શુભેચ્છા.
ફાલુ’ઝ બાઝારનું સફળતા અપાવનાર ગીતમાં શું છે ?
બેંગની હરા પીલા... નીલા લાલ લીલા
નારંગી ધુલે તો બને રંગીલા
સૂર હૈ સાત, રંગ હૈ સાત, સાત ખંડ
ઔર દિન હૈ સાત, સાગર સાત
સાત સૂર આવો મિલ કે ગાયે હમ
તીન તીના ધીના ધીના તીન તીના ધીના ધીના
આવા સૂરીલા જવાબો દ્વારા પોતાના 4 વર્ષના બાળક નિષાદ માટે તેમણે ગીત લખ્યું, સંગીતે મઢ્યું અને ગાયું પણ ખરા આજે લર્નિગટૂલસમાન આ ગીત દરેક માતા અને બાળક માટે ઉપયોગી સાબિત થયું છે. બાળકોમાં સૂરોના રંગો દ્વારા જ્ઞાનનો વિકાસ થાય એવું આ ગીત નાના મોટા સહુને ગમે તેવું છે. સંગીતની આરાધના દ્વારા સફળતા
- 2009ની સાલમાં તત્કાલિન વડાપ્રધાન મનમોહનસિંઘના સન્માનમાં ઓબામા સરકાર દ્વારા આયોજિત સમારોહમાં પોતાની કલા પ્રસ્તુત કરવાની તક મળી
- 2015માં ઈકોનોમિકસ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા દ્વારા કરાયેલ સર્વેમાં અમેરિકાની 20 પ્રતિભાશાળી મહિલાઓમાં ફાલ્ગુનીનું પણ નામ
- 2018મા ‘વુમન આઈકોન્સ ઓફ ઈન્ડિયા’નો એવોર્ડ પ્રાપ્ત થયો
- ફેબ્રુઆરી મહિનામાં લોસ એન્જેલીસ ટાઉનમાં આયોજિત ગ્રેમી એવોર્ડઝમાં રેડ કાર્પેટ સન્માન મળ્યું
- ‘ગ્રેમી એવોર્ડ’ સંગીતનો સન્માન જનક એવોર્ડ છે જેમાં નોમીનેશન માટે પણ લોકો મહેનત કરતા હોય છે ત્યારે તેમના ગીતને નોમીનેશન મળ્યું છે.