આયુર્વેદ આપે છે - મેનોપોઝ પહેલાની તકલીફોનો ઉપાયFebruary 19, 2019

સ્ત્રીઓનાં જીવનમાં આવતો મહત્વનો સમય મેનોપોઝ અને તેની પહેલાંનો છે. મેનોપોઝ એટલે પ્રાકૃતિક રૂપથી સ્ત્રીને માસિક આવવાનું બંધ થાય એ સમય. સામાન્ય રીતે તેની શરૂઆત પાંત્રીસ થી ચાલીસ વર્ષ વચ્ચે થઈને બે થી ચાર વર્ષ કે લાંબા ગાળા સુધી પણ અસર રહે છે. આ મેનોપોઝ પહેલાં હોર્મોન્સમાં પરિવર્તન આવવાને કારણે સ્ત્રીઓમાં ઘણાં શારીરિક-માનસિક લક્ષણો જોવાં મળે છે. જેને પેરી-મેનોપોઝલ લક્ષણો (ઙયશિળયક્ષજ્ઞાફીતય તુળાજ્ઞિંળત) કહે છે. જેમકે,
* લાંબા સમય સુધી વધુ પડતું કે ખૂબ ઓછું અને અનિયમિત માસિક
* કમર અને માથાનો દુ:ખાવો અને આખાં શરીરે કળતર
* વધુ પડતો પસીનો થવો અને ક્યારેક શરીર ગરમ લાગવું.
* ભાવનાત્મક અસંતુલન, મૂડ બદલતો રહે, તણાવ, થાક લાગવો.
* પાચન, ભૂખ, ઊંઘ, મૂત્ર સંબંધિત તકલીફ અને બ્રેસ્ટ ભારે લાગે, યોનિમાર્ગમાં રુક્ષતા આવે.
સ્ત્રીઓમાં ઇસ્ટ્રોજન હોર્મોનનું ઉત્પાદન ઑવરીઝમાંથી ધીમે ધીમે ઓછું થતું જાય છે જેને કારણે ઉપરોકત અને અન્ય અધિકાંશ લક્ષણો જોવા મળે છે. આયુર્વેદમાં મેનોપોઝને રજોનિવૃત્તિકાળ કહે છે, ‘રજ’ એટલે માસિક અને નિવૃત્તિ એટલે બંધ થવું, કાળ એટલે સમય. સ્ત્રીઓમાં આ કાળ અંગે જાગૃતિ હોવી આવશ્યક છે. સામાન્ય લક્ષણો ઉપરાંત માસિકમાં ટુકડા આવવા, અત્યંત તણાવ, ડિપ્રેશન, વધુ પડતો પરસેવો થવો વગેરે તકલીફો હોય તો તુરંત નિષ્ણાંત વૈદ્યનો સંપર્ક કરવો.
: પેરી-મેનોપોઝલ લક્ષણો - આયુર્વેદિક ઉપાય :
સમયાંતરે આયુર્વેદિક શાસ્ત્રોક્ત અભ્યન્ગ(માલિશ), શિરોધારા અને ઉચિત શોધન દ્વારા પિત્ત અને વાયુનું સંતુલન સહાયક નીવડે છે.
અશ્વગંધા, શતાવરી, અશોક, આમળાં, પ્રવાલ, બલા અને અન્ય ઔષધિઓ તથા તેનાં ઔષધ યોગો આ સમયે ખૂબ ફાયદાકારક નીવડે છે.
: પેરી-મેનોપોઝલ લક્ષણો - ધ્યાનયોગ ચિકિત્સા :
પ્રાણાયામ, ઉત્તનાસન, શલભાસન, ધનુરાસન, નૌકાસન, દીર્ઘ શ્વસન, ઊંડું શિથિલિકરણ, વગેરે લાભદાયક છે. નિયમિત ધ્યાન તણાવમુક્ત જીવન અને માનસિક સ્વાસ્થ્ય આપે છે જે આ સમયે અતિ આવશ્યક છે.
મેનોપોઝ પહેલાં આટલું જરૂર કરવું -
* પ્રત્યેકે પોતાની જાતને દિવસ દરમિયાન સકારાત્મક કાર્યોમાં વ્યસ્ત રાખવી.
* મનને શાંતિ આપે એવું સંગીત સાંભળવું, અનુકૂળ સહેલીઓ અને પરિવારજનોને મળવું, સારાં પુસ્તકો વાંચવા, ધ્યાનકેન્દ્ર કે આધ્યાત્મિક કેન્દ્રોની મુલાકાત લેતાં રહેવી.
* નિયમિત ચાલવું, ધ્યાનયોગ કરવા, આઉટડોર ગેમ્સ રમવી.
* સર્જનાત્મક શોખ વિકસાવવા જેમકે, પેઇન્ટિંગ, ભરત-ગૂંથણ, સીવણ, ડિઝાઇનિંગ, વગેરે.
* જીવનશૈલી નિયમિત અને યોગ્ય રાખવી.
* કેલ્શિયમ અને લોહતત્વ વધુ મળે એવો આહાર લેવો. જેમકે, લીલાં શાકભાજી, કોબી, ભીંડા, બદામ, તલ, તુલસી, લસણ, સોયાબીન તથા ખજૂર, ચણા, અખરોટ, પિસ્તા, કાજુ, પાલક, કિસમિસ, રાંધેલા કઠોળ, સલાડ,વગેરે.
* ફળો, શાકભાજી ઉપરાંત ભોજનમાં બપોરે અને રાત્રે એક ચમચી દેશી ગાયનાં દૂધનું ઘી અવશ્ય લેવું.
* પ્રતિ વર્ષ કે છ માસે નિયમિત મેડિકલ ચેકઅપ નિષ્ણાંતની સલાહ અનુસાર કરાવતાં રહેવું.
(ઉપરોક્ત ઉપચાર અને ઔષધિ, સલાહ કે યોગાભ્યાસ આયુર્વેદ, યોગ નિષ્ણાંતની સલાહ પછી જ કરવો)