ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરનાર સામે કડક કાર્યવાહી કરોFebruary 18, 2019

કોમર્શીયલ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં થયેલા દબાણો વહેલી તકે દૂર કરવા જરૂરી રાજકોટ તા,18
રાજકોટ શહેરનો વિકાસ દિવસ-દિવસે વધી રહ્યો છે તેની સાથે ટ્રાફિકની સમસ્યા પણ માથાના દુ:ખાવા સમાન બની ગઇ છે અને શહેરમાં ઠેર-ઠેર ટ્રાફિકના પ્રશ્ર્નો સર્જાય છે. ત્યારે શહેરમાં ટ્રાફિકની સમસ્યા હાલ થાય તે જરૂરી છે જે અંગેના સૂચનો રાજકોટ ગ્રેટર ચેમ્બર દ્વારા જોઈન્ટ પોલીસ કમિશ્નરે કરવામાં આવ્યા છ.
આ અંગે ગ્રેટર ચેમ્બરના પ્રમુખ ધનસુખભાઇ વોરાએ સુચનોમાં જણાવ્યું છે કે શહેરની પ્રજાને ટ્રાફિક જાળવણી અંગેનો પર્યાપ્ત જ્ઞાન હોતુ નથી અથવા તો પ્રજામાં શિસ્ત પાલનની ભાવના ઓછી હોય તેમ જણાય છે તેથી પ્રજાને ટ્રાફિકના નીતી નિયમોની અને ટ્રાફિક નિયમનની અગત્યતા વિશે સભાન કરવા માટે જુદા જુદા તબક્કે સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા પ્રજા પ્રતિનિધિઓ સાથે સેમીનાર કે વાર્તાલાપનું જુદા જુદા વિસ્તારોમાં આયોજન કરી ટ્રાફિક નિયમન અંગેની સમજ પુરી પાડવી જોઇએ.
શાળા, કોલેજોમાંથી શૈક્ષણિક તબક્કે જ નૈતિક રીતે ટ્રાફિક નિયમોના પાલન અંગે કેળવણી આપવી જોઇએ, ટ્રાફિક નિયમોનું પાલન સતત અને સખત રીતે કરવા પોલીસ ખાતા તરફથી સખત પગલા લેવા જોઇએ અને જે ટ્રાફિકનું પાલન કરવા ટેવાયેલા નથી તેવા ચાલકોને ફરજીયાતપણે ટ્રાફિક પાલનની મર્યાદામાં લાવવા જોઇએ.
હાલમાં શહેરના ટ્રાફિકને નિયમન કરવા શહેર સંપૂર્ણ વિસ્તારને મુખ્યત્વે ત્રણ વિભાગમાં વહેચી શકીએ. 1 જૂના વિસ્તારના શહેરમાં આવતો ભાગ એટલે કે કેસરી હિંદ પુલથી-હોસ્પિટલ ચોકથી-ત્રિકોણબાગથી-ઢેબર રોડથી- ભક્તિનગર સર્કલ નાગરીક બેન્ક ચોકથી- બાપુનગર પુલ તથા બાપુનગર વિસ્તારની-બેડીનાકા સુધીના આવતના જુના રાજકોટનો વિસ્તાર 2. મધ્ય રાજકોટનો વિસ્તાર એટલે કે ત્રિકોણબાગથી-હોસ્પિટલ ચોકથી- રેલવે સ્ટેશન રોડથી-જંકશન પ્લોટ વિસ્તારથી જામનગર રોડથી- રેસકોર્ષ ગાર્ડન- કિશાનસપરા ચોકથી ટાગોર રોડ- ગોંડલ રોડ ચોકડીથી અટીકા વિસ્તારથી કોઠારીયા રોડથી 80 ફૂટ રોડ વચ્ચેનો વિસ્તાર 3. આ ઉપરાંતના નવા વિકાસ થયેલ કે વિકાસ પામતા બાહ્ય વિસ્તારો. આ બધા વિસ્તારોનો યોગ્ય અભ્યાસ કરી ટ્રાફિક નિયંત્રણ માટે પગલા ભરવા જોઇએ.
જૂના રાજકોટમાં વાહન લઇ જવાની જ મનાઈ ફરમાવવી જોઇએ. પરંતુ આવા વાહનોને આ વિસ્તારની બહારના ભાગમાં પાર્કીંગ થઇ શકે તેવી વ્યવસ્થાઓ ઉભી કરવી જરૂરી છે. દા.ત. ત્રિકોણબાગ-જ્યુબેલી ચોક-હોસ્પિટલ ચોકથી આગળના ભાગમાં કે જયાં કોમર્શીયલ માર્કેટો આવેલ છે તેવા વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તથા સરકારની કેટલીક જગ્યાઓમાં આવા પાર્કીંગની વ્યવસ્થા થઇ શકે તેમ છે તે અંગે હકારાત્મક પગલાઓ લઇ પાર્કીંગની વ્યવસ્થા કરવી જરૂરી છે. જેથી જૂના રાજકોટના ગીચ વિસ્તારોમાં વાહનોની અવરજવર નિયંત્રિત થતા ટ્રાફિકની સરળતા થઇ શકે.
રાજકોટ શહેરમાં આવેલ જુદા જુદા ચાર રસ્તા પરના ચોક પર ટ્રાફિક નિયમન યોગ્ય રીતે થતું ન હોવાથી આવા ચોક પર ટ્રાફિક જામનો પશ્ર્ન ઉપસ્થિત થતો હોય છે. ખાસ કરીને ચાર રસ્તાના ચોક પર સામાન્ય રીતે ડાબી તરફ જનાર ટ્રાફિક માટે ડાબી સાઈડ હરહંમેશ ખુલ્લી રાખવામાં આવતી હોય છે. પરંતુ મોટા ભાગના બીનકુશળ ટ્રાફિક વોર્ડનની ભરતી થયેલ હોય. આવા વોર્ડન લેફ્ટ તરફ જતા ટ્રાફિકને પણ રોકતા હોય છે. જેને કારણે તેવા રસ્તા પર ટ્રાફિક જામનો પ્રશ્ર્ન સર્જાય છે. જેથી આવા અનટ્રેઈન્ડ વોર્ડનને સુચના આપવી ઘટે કે લેફ્ટ તરફનો ટ્રાફિક ખુલ્લો રાખવો જોઇએ.
ચાલુ વાહને, ખાસ કરીને દ્વિચક્રીય વાહનો ચલાવનાર ચાલક મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા જોવા મળે છે. જેને કારણે અકસ્માત સર્જાવાની શક્યતાઓ વધુ પ્રમાણમાં રહે છે. આવા વાહન ચાલકોને આકરો દંડ અને જરૂર જણાયે વાહન ડિટેઈન કરી લેવા સુધીના કડક પગલા લેવા જોઇએ.
શહેરી વિસ્તારમાં પીક સમય દરમ્યાન ત્રિચક્રીય માલવાહક રીક્ષાઓનો પ્રવેશ બંધ કરવો જોઇએ જેથી કરીને અનિયમિત ટ્રાફિક કંટ્રોલ થઇ શકે.
શહેરના જાહેર માર્ગો પર ખાસ કરીને વેપારી વિસ્તારો જેવા કે યાજ્ઞિક રોડ, પરાબજાર, ત્રિકોણબાગ, ટાગોર રોડ, કેનાલ રોડ, પેલેસ રોડ, ગુંદાવાડી મેઈન રોડ, ઢેબર રોડ, ગોંડલ રોડ વગેરે ગીચ વિસ્તારોમાં આવેલા કોમર્શીયલ કોમ્પ્લેકસના ભોંયતળીયે વાહન પાર્કીંગ કરવાની જગ્યાનો દુરૂપયોગ થયેલ હોય, જાહેર માર્ગો પર અનિયમિત રીતે વાહનો પાર્કીંગ કરવામાં આવે છે. તેથી દરેક કોમર્શીયલ કોમ્પ્લેકસના ડેવલપર્સ બે બિલ્ડર્સ પર કડક પગલા દ્વારા પાર્કીંગની વ્યવસ્થા કરવા ફરજ પાડવી જોઇએ. જેથી જાહેર રસ્તા પર બીનજરૂરી જગ્યા રોકાણ પાર્કીંગ દ્વારા કરવામાં આવે નહી. તેની તકેદારી લેવી જરૂરી છે. સહિતના ટ્રાફિક નિયમન માટે રજૂઆત કરી હતી. આ તકે અમો માનીએ છીએ કે આ ટ્રાફિકના પ્રશ્ર્ને લાગતા વળગતા સર્વે ઉચ્ચ અધિકારીઓ જેમ કે પોલીસ કમિશ્નર, જિલ્લાના સુપ્રીટેન્ડન્ટ ઓફ પોલીસ, કમીશ્નર મ્યુનિસિપલ કોર્પોરેશન, જિલ્લા કલેકટર, ઉચ્ચ અધિકારી નેશનલ હાઈવે ઓથોરીટી, સુપ્રીટેન્ડીંગ એન્જીનીયર, રૂડાના સી.ઈ.ઓ., ડિવીઝનલ રેલવે મેનેજર જેવા લાગતા વળગતા ઉચ્ચ અધિકારીઓ સાથે એક ખાસ મીટીંગનું આયોજન કરવું જરૂરી છે. આ મીટીંગ કલેકટર કે પોલીસ કમીશ્નર દ્વારા યોજવામાં આવે તેની વ્યવસ્થા કરવાની રહેશે તો અમારી સંસ્થા દ્વારા કરી શકાશે. તેથી આ અગત્યની મીટીંગનું આયોજન વહેલામાં વહેલી તકે કરવા રાજકોટ ગ્રેટર ચેમ્બર દ્વારા જોઇન્ટ કમિશ્નરને રજૂઆત કરાઈ છે.