રમતવીરો યુધ્ધના ખેલ કરી લેવાની તરફેણમાંFebruary 16, 2019

નવી દિલ્હી તા.16
ભારતીય ક્રિકેટરોએ પણ પાકિસ્તાન-પ્રેરિત આતંકવાદી જૂથ જૈશ-એ-મોહંમદના આ હિચકારા કૃત્યથી ભારતીય સૈનિકબળમાં થયેલી જાનહાનિ વિશે આઘાત વ્યક્ત કર્યો છે.
અનેક જાણીતા ખેલાડીઓએ પાક-પ્રેરિત હુમલાખોરના કાયરતાભર્યા અને હિચકારા કૃત્યનો ભોગ બનેલા શહીદ સૈનિકોના પરિવારોને તેમ જ ઘાયલ
જવાનોને સોશિયલ મીડિયા પર અંજલિ આપી છે. અંજલિ આપનારાઓમાં જાણીતા ક્રિકેટરો ઉપરાંત હોકી-કેપ્ટન મનપ્રીત સિંહ, ચેમ્પિયન-બોક્સર વિજેન્દર સિંહ, કુસ્તીબાજો સાક્ષી મલિક તથા યોગેશ્ર્વર દત્ત અને ફૂટબોલ-કેપ્ટન સુનીલ છેત્રીનો પણ સમાવેશ હતો.
* સચિન તેન્ડુલકર: કાયરતાભર્યું અને હિચકારું કૃત્ય...જેમણે પોતાના વહાલસોયા ગુમાવ્યા છે એ પરિવારો પ્રત્યે અને જે જવાનો ઈજા પામ્યા છે તેમના પ્રત્યે મારું હૃદય દ્રવી ઊઠ્યું છે. બાહોશ ઘાયલ સૈનિકો જલદી સાજા થઈ જાય એવી હું ઈશ્ર્વરને પ્રાર્થના કરું છું. તમામ જવાનોની દેશભાવના અને વફાદારીને હું સલામ કરું છું.
 ગૌતમ ગંભીર: હા, ચાલો આપણે અલગતાવાદીઓ સાથે વાટાઘાટ કરીએ...પાકિસ્તાન સાથે મંત્રણા કરીએ, પરંતુ આ ‘ચર્ચા’ ટેબલ પર નહીં પણ લડાઈના મેદાન પર હોવી જોઈશે. બસ, બહુ સહન કર્યું.
 વિરાટ કોહલી: પુલવામામાં સૈનિકો પરના હુમલાના સમાચાર સાંભળીને હું આઘાતમાં ડૂબી ગયો હતો. શહીદ સૈનિકોના પરિવારોને હું હૃદયપૂર્વક અંજલિ આપું છું. ઘાયલ જવાનો જલદી સાજા થાય એવી ભગવાનને પ્રાર્થના કરું છું.
 વિરેન્દ્ર સેહવાગ: જમ્મુ અને કાશ્મીરમાં આપણા બહાદુર જવાનો પર થયેલા કાયરતાભર્યા હુમલાથી હું અસહ્ય માનસિક વેદના અનુભવી રહ્યો છું. આ પીડાને હું શબ્દોમાં વ્યક્ત કરી શકું એમ નથી. ઈજા પામેલા સૈનિકો જલદી સાજા થઈ જાય એવી આશા રાખું છું. હુમલાખોરના ટેકેદારો માટે મારે કહેવું છે...‘સુધર જાઓ વરના સુધાર દેંગે.’
 રોહિત શર્મા: જે દિવસે આપણે બધા પ્રેમ-દિન (વેલેન્ટાઇન્સ ડે) ઉજવી રહ્યા હતા ત્યારે કેટલાક કાયરોએ ભારતમાં દ્વેષ ફેલાવ્યો હતો. પુલવામામાં જે બન્યું એ આઘાતજનક અને ભયાનક કહેવાય.
 મિતાલી રાજ: આખા ભારતે જ નહીં, સમગ્ર માનવતાએ શોક મનાવ્યો. આવો હિંસાચાર કોણ ઇચ્છે? કોઈ એને સમર્થન આપે ખરું? ચાલો, આપણે સાચા સવાલો પૂછીએ અને એવા જવાબો આપીએ કે જે આવા બુદ્ધિહીન હત્યાકાંડને અટકાવવા આક્ષેપો નહીં, પરંતુ ઉકેલ બતાવતા હોય. ચાલો, આપણે આક્ષેપબાજી બંધ કરીએ અને બધા શાંતિથી જીવીએ અને જીવનનું મૂલ્ય સમજીએ.
 સાઇના નેહવાલ: કાશ્મીરના હુમલાના બનાવથી હું એકદમ આઘાતગ્રસ્ત છું. શહીદ અને ઘાયલ સૈનિકોના પરિવારોને હું હૃદયપૂર્વક દિલાસો આપું છું.