એક અદ્ભુત લગ્ન સમારંભ... સીમોની અને સુજલનો લગ્નના દિવસે આયંબિલ અને પૌષધ કરી યુવા પેઢીને ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યુFebruary 21, 2019


રાજકોટ,તા.21
લગ્નો તો ઘણા જોયા, ભપકા પણ અનેક જોયા પરંતુ આ બન્નેના લગ્ન ચોક્કસ ભપકાદાર હોવા છતાં કંઈક વિશેષ, આદર ઉત્તપન્ન કરે તેવા, આપણા અંતરને, મનને, હૃદયને ઊંડે સુધી સ્પર્શ કરી જાય તેવા હતા.
લગ્નના આગલા દિવસે ભવ્ય સંગીત નો ( ફિલ્મી નહિ ) એટલેકે ‘પ્રભુ સંગ પ્રીત’ નો કાર્યક્રમ, સાધુ-સાધ્વી ભગવંતોની નિશ્રા, 1500 આમંત્રીતોને આસન ઉપર બેસાડીને જયણાપૂર્વક બનાવેલું ભોજન આદરપૂર્વક અને સન્માનપૂર્વક કરાવવું અને છતાંય એક મોડર્ન ભપકાદાર સંગીતસંધ્યા કરતાં અનેક ગણો વધુ આનંદ અને સંતોષ થયાનો અનુભવ તથા એહસાસ થયાની સૌના મુખે ચર્ચા..
લગ્નના દિવસે પણ અદભુત વ્યવસ્થા...1500 મહેમાનો... બેસીને જ જમવાનું.... જયણાપૂર્વક તૈયાર થયેલું સાત્વિક ભોજન...કયાંય ધર્મ વિરુદ્ધનું આચરણ નહી... અવિવેક કે દેખાડો નહી..
અને આ બધાથી વિશેષ.....નવદંપતીએ અપનાવેલો અદભુત, અનુમોદનીય, અનુકરણીય..એવું જૈનકુળની શોભા માં વધારો કરતું, મહાવીરના વારસાને અને માતા પિતા તથા દેવ - ગુરુ દ્વારા પ્રાપ્ત થયેલા સંસ્કારોને દીપાવે તેવું અનેરૂ અને ઉત્કૃષ્ઠ ઉદાહરણ આજની નવયુવાન પેઢીને પુરૂ પાડ્યું છે...લગ્નના દિવસે બન્નેને આયંબિલનું તપ તથા લગ્નની રાત્રે બન્નેને રાત્રી પૌષધની જયણા.. વાહ કેવા સંસ્કારો, કેવા વિચારો, કેવું હશે તેમનું આત્મચિંતન.. શત: શત: પ્રણામ છે આવા યુગલોને..
અત્યારના જડવાદના ઝેરથી છલોછલ ભરેલા, ભૌતિક સુખોમાં રાચતા, મોહ અને માયાથી ખડબદતા આ જમાનામાં આ એક સૌના મનને શાતા આપતું વિશેષ ઉદાહરણ છે.