"સ્ત્રીઓને સફેદ પાણી પડવું-શ્ર્વેતપ્રદર- આયુર્વેદ ચિકિત્સાFebruary 05, 2019

વર્તમાન સમયની જીવનશૈલી, આહારશૈલી અને વૈચારીક પ્રદુષણથી સ્ત્રીસ્વાસ્થ્ય પ્રભાવિત થાય છે. ઘણી સ્ત્રીઓને યોનિમાર્ગથી સફેદ પાણી પડવાની શ્ર્વેતપ્રદરની સમસ્યા હોય છે. સામાન્ય રીતે મહિલાઓ આ અંગે બેદરકાર હોય છે પણ બને તેટલી જલ્દી તેનો ઉપચાર થાય એ જરૂરી છે. આ સફેદ પાણી પડવાની સાથે સાથે કયારેક ખંજવાળ, બળતરા, દુ:ખાવો, થાક લાગવો, કળતર થવું વગેરે તકલીફો પણ જોવા મળે છે.
આયુર્વેદ અનુસાર પ્રજનન અવયવોનું કાર્ય વિશેષ રૂપથી અપાનવાયુને સંબંધિત છે. નિદાનસેવનના કારણે અપાનવાયુની દુષ્ટિ થઇ દુષિત દોષો અધોભાગમાં પ્રભાવ કરે છે. જેને પરિણામે લક્ષણરૂપે શ્ર્વેતપ્રદર જોવા મળે છે અને શરીરમાં બલહાનિ પણ થાય છે.
* શ્ર્વેતપ્રદર-આયુર્વેદિક ઉપાય
આયુર્વેદમાં ઉપલબ્ધ પંચકર્મ ચિકિત્સા પૈકી શિરોધારા, અભ્યંગ, સ્વેદન વગેરે હોર્મોન્સના અસંતુલનને કારણે થતાં શ્ર્વેતપ્રદરમાં ઉપયોગી નીવડે છે. મુખ્ય શોધનકર્મ પણ આવશ્યકતા અને રોગી-રોગની સ્થિતિ અનુસાર લાંબા ગાળે લાભદાયી બને છે.
કુમારી, અશોક, લોધ્ર, મેજિષ્ઠા, હરડે, ગુગળ, શતાવરી અને પિત્તનાશક ઔષધો દ્વારા શ્ર્વેતપ્રદરમાં સારો લાભ થાય છે.
* શ્ર્વેતપ્રદર-ધ્યાનયોગ ચિકિત્સા
શ્ર્વેતપ્રદરમાં શારીરિક, માનસિક સંતુલન અતિ આવશ્યક છે. જે માટે મત્સ્યાસન, સલભાસન, પવનમુક્તાસન, ભુજંગાસન વગેરે યોગાસન તથા અનુલોમ-વિલોમ, ભસ્રિકા વગેરે પ્રાણાયામ ખૂબ જ સહાયક નીવડે છે. વધુમાં નિયમિત ધ્યાનના અભ્યાસ દ્વારા આ હોર્મોન્સ અને વાયુનું સંતુલન રહે છે.
* શ્ર્વેતપ્રદરમાં - આહાર જીવનશૈલી અંગે ટીપ્સ
ભોજન સાદુ, સુપાચ્ય, સાત્વિક લેવું
દુઘ, ખજૂર, આમળાં, મગ, દેશી ગાયનું ઘી, ચોખાનું ઓસામણ, પાલક, કોળુ વગેરે વધુ લેવું.
પ્રવાહી, પાણી, સૂપ, જ્યૂસ, ફળો, તાજા શાક, સલાડ વધારે લેવા.
યોનીમાર્ગ અને અન્ડરગાર્મેન્ટસની યોગ્ય સ્વચ્છતા જાળવવી
કબજિયાત કે અપચન ન રહે તેનો ખ્યાલ રાખવો.
માનસિક તનાવ, ભય, ચિંતાને કારણે હોર્મોન્સ અસંતુલન ન થાય તેની કાળજી રાખવી.
ડાયાબિટીસ, એનીમિયા વગેરેના રોગીએ વિશેષ જાગૃત રહેવું.
યોગ્ય વ્યાયામ, ચાલવું તથા યોગાભ્યાસ કરવો, પરંતુ પૂરતો આરામ પણ લેવો.
વધુ પડતો તીખો, રુક્ષ, વાસી, ઠંડો, વિરૂધ્ધ આહાર ન લેવો.
આલ્કોહોલ સેવન ન કરવું.
વધુ પડતો શ્રમ, મુસાફરી, મૈથુન, જાગરણ ન
કરવું.
ભોજન પછી પચ્યું ન હોય ત્યાં તરત ફરી ન જમવું
દિવસે ઉંઘ ન કરવી
ઇર્ષા, ક્રોધ, લોભ, ચિડચિડાપણું, અસંતોષ, અતિવિચાર, ભોજન લોલુપતાથી દૂર રહી માનસિક સ્વાસ્થ્ય જાળવવું.
પ્રોસેસ્ડ ફૂડ, જંક ફૂડ, બહારનું ભોજન, અતિ ગરમ મસાલા, અથાણા, પાપડ ચટણી ન લેવા.
(ઉપરોકત ઉપચાર અને ઔષધિ કે યોગાભ્યાસ આયુર્વેદિક, યોગ, નિષ્ણાંતોની સલાહ બાદ જ કરવો.
- ડો. હેતલ આચાર્ય
ખ.ઉ. (આયુર્વેદ-પંચકર્મ) રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત