જામનગરમાંથી પકડાયો 50 લાખનો દારૂFebruary 01, 2019

 છેક હરિયાણાથી સૌરાષ્ટ્ર સુધી માલ પહોંચી ગયા બાદ રાજકોટ છછસેલે
ખેલ બગાડ્યો
જામનગર,તા.1
જામનગર નજીક હાપા ગામની ઓઈલ ઈન્ડસ્ટ્રીઝમા દારૂનો વિશાળ જથ્થો ઉતારવામાં આવ્યો હોવાની બાતમીનાં આધારે રાજકોટની આર આર સેલ પોલીસે જામનગરની સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને દરોડો પાડયો હતો અને અધધ કહી શકાય તેટલો રૂા.49 લાખની કિંમતનો 14,11ર નંગ દારૂની બોટલનો જથ્થો ઝડપી લઈ આઠ આરોપીને ઝડપી લીધા હતા. દારૂ ભરેલા ટ્રકને અર્ધલશ્કરી દળના વાહન જેવો કલર કરવામાં આવ્યો હતો અને તેમાં પોલીસ લખવામાં આવ્યુ હતુ.
બે આરોપીઓએ ઈન્ડો-તિબેટ બોર્ડર પોલીસ જેવા કપડા પેહર્યા હતા. આ દારૂનો જથ્થો અંબાલા (હરિયાણા) થી જામનગર સુધી પહોચી જતા સુરક્ષા વ્યવસ્થા ઉપર પણ સવાલો ઉભા થયાં છે.
આર આર સેલ-રાજકોટ પોલીસ હેડ કોન્સ્ટેબલ સંદિપસિંહ ધનરાજસિંહ ઝાલાને બાતમી મળી હતી કે જામનગર નજીકનાં હાપા ગામની પરિશ્રમ ઓઈલ ઈન્ડસ્ટ્રીઝમાં દારૂનો વિશાળ જથ્થો ઉતારવામાં આવ્યો છે. આથી આર આર સેલની પોલીસ ટુકડીએ આજે સવારે 6-30 કલાકે આ કારખાના ઉપર દરોડો પાડયો હતો. જયાંથી આ કારખાનામાંથી દારૂનો રૂા. 49 લાખ 39 હજાર ર00 ની કીંમતનો 1411ર નંગ દારૂની બોટલનો વિશાળ જથ્થો મળી આવ્યો હતો.
આથી પોલીસે દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો અને વિપુલ કેશુભાઈ શીયાર (રે. હાપા) અમીસિંહ હરબનસિંહ લબાની (હરીયાણા), ગુરૂપ્રીતસિંહ સખવંતસિંહ લબાના, રાજેશ કશ્મીરીલાલ ગીલહોત્રા, સુભાષ રામસિંહ સીનેરીયા, સખનજી નેયુલ નાગરાજુ, સુરેશ નાગન્ના, વગેરે આઠ શખ્સોની ધરપકડ કરી હતી.
દારૂનો આ જથ્થો હરીયાણાના અંબાલાથી રવાનાં કરવામાં આવ્યો હતો. દારૂનો આ જથ્થો રાજકોટના રામજન ઉર્ફે રામુભાઈ, જીતેશ ઉર્ફે જીતુ નાગદાનભાઈ મકવાણા અને જસુભા જાડેજાએ મંગાવ્યો હતો. જયારે અંબાલાના પાર્થ શર્માએ દારૂનો આ જથ્થો રવાના કર્યો હતો.
પોલીસે આ દરોડા સ્થળેથી એક ટ્રક, એક પીકઅપવાન, એક મોટરકાર, બે મોટર સાયકલ તથા સાત નંગ મોબાઈલ કબ્જે કર્યા હતા. આમ દારૂ સાથે કુલ મુદામાલ કિંમત 7પ લાખ 1ર હજાર 700 ની થવા જાય છે. રાજકોટ રેન્જનાં આઈ.જી. ની સ્કવોર્ડને બાતમી મળી જતા દારૂ ઝડપાઈ ગયો હતો. આ દરોડામાં જામનગર પોલીસને અંધારામાં રાખવામાં આવી હતી.