પાકિસ્તાનમાં પહેલી જ વાર નિમાયા હિન્દુ મહિલા જજ

 સિવિલ જજ તરીકે સુમનકુમારી નિયુક્ત
ઇસ્લામાબાદ તા.30
સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાનની કોર્ટમાં પહેલી વાર હિન્દુ મહિલા સુમનકુમારીની સિવિલ જજ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. કમ્બાર-શહદાદકોટના સુમન કુમારી તેમના વતનની ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં જજ તરીકે સેવા આપશે. હૈદ્રાબાદ યુનિવર્સિટીમાં એલએલબી થયેલા સુમને કરાંચીની ઝેબિસ્ટ યુનિવર્સિટીમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી છે. સુમનના પિતા પવનકુમાર બોદાને સુમનકુમારીની ગરીબ લોકોને કાયદાકીય સહાય કરવાની ઇચ્છા જણાવી હતી. તેમણે સુમનની પ્રમાણિકતા અને પરિશ્રમની ભાવના વ્યક્ત કરતા પુત્રીની સફળતા અંગે આશા વ્યક્ત કરી હતી. સુમનના પિતા આઈ સ્પેશ્યાલિસ્ટ છે અને તેમની બહેન સોફ્ટવેર એન્જિનિયર છે. તેમની બીજી બહેન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. સંગીતમાં દિલચસ્પી ધરાવનાર સુમન પોતે લતા મંગેશકર અને આતિફ અસ્લમની ચાહક છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ 2005થી 2007 દરમિયાન હિન્દુ એડવોકેટ રાણા ભગવાનદાસ પણ જજ તરીકે સેવા આપી ચૂક્યા છે. પાકિસ્તાનની કુલ વસતિના બે ટકા નાગરિકો હિન્દુ ધર્મ પાળે છે. પાકિસ્તાનમાં ઇસ્લામ બાદ હિન્દુ ધર્મના - અનુયાયીની સંખ્યા વધુ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.