ભાજપ અને શિવસેના: મમત હાવિ રહેશે કે ‘જરૂરત’?!February 13, 2019

લોકસભાની ચૂંટણી આડે ગણતરીના દિવસો બચ્યા છે ત્યારે ભાજપે પોતાનો ગરાસ સાચવવાવી મથામણ શરૂ કરી છે. એક તરફ ભાજપના બે ખેરખાં નરેન્દ્ર મોદી ને અમિત શાહે ધમધોકાર પ્રચાર શરૂ કરી દીધો છે ત્યારે બીજી તરફ તેમણે ભાજપની પંગતમાં બેસી શકે તેવા સાથીઓની શોધ પણ આદરી દીધી છે. સાથે સાથે જે જૂના સાથીઓ છે તેમને મનાવવાની ક્વાયત પણ આદરી છે. આ જૂના સાથીઓમાં સૌથી અઘરો સાથી શિવસેના છે ને શિવસેના અત્યારે ભાજપના નેતાઓને રીતસરનો પરસેવો પડાવી રહી છે. શિવસેના કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ને મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવીસ સરકારની કામગીરીના મામલે તો ઘોંચપરોણા કરે જ છે પણ બેઠકોની વહેંચણીના મામલે પણ ઘોંચપરોણા કર્યા જ કરે છે. લોકસભાની ચૂંટણીને ગણીને બે મહિના પણ બચ્યા નથી ને એ પછી તરત મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી આવવાની છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને ગણીને આઠ-નવ મહિના બચ્યા છે. ભાજપ અત્યારે ભીડમાં છે તેનો શિવસેના બરાબર લાભ લઈ રહી છે ને તેણે ભાજપનું નાક જ દબાવવા માંડ્યું છે. શિવસેનાએ લોકસભા ને વિધાનસભાની ચૂંટણીમાં જે રીતે બેઠકોની માગણી કરી છે એ જોતાં એ લોકો ભાજપને રીતસર દબાવી દેવા જ માગે છે એ દેખીતું છે. બે દિવસ પહેલાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે શિવસેનાના કર્તાહર્તા ઉદ્ધવ ઠાકરેને ફોન કર્યો ત્યારે તેમણે ચાર શરતો મૂકેલી. ભાજપ અને શિવસેના વચ્ચે 1995ની ફોમ્ર્યુલા પ્રમાણે બેઠકોની વહેંચણી થાય એ આ શરતોનો મુખ્ય સાર છે.
ભાજપ અને શિવસેના 1995માં વિધાનસભાની ચૂંટણી લડ્યાં એ વખતે શિવસેના 169 ને ભાજપ 166 બેઠકો પર લડેલાં. બંનેએ ભેગા મળીને 138 બેઠકો જીતેલી ને શિવસેનાના મનોહર જોશી મુખ્યમંત્રી બનેલા. શિવસેનાએ જે ચાર શરતો મૂકી છે તેમાં એક શરત એ પણ છે કે, આ વખતે પણ ભાજપ-શિવસેના સાથે લડવા માગતાં હોય તો પરિણામ ગમે તે આવે પણ બહુમતી મળે તો મુખ્યમંત્રી શિવસેનાનો હોવો જોઈએ. એક શરત એ પણ છે કે, લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રની 48 બેઠકોમાંથી 25 બેઠકો શિવસેનાને મળે ને ભાજપ પોતાની પાસે 23 બેઠકો રાખે.
શિવસેનાની આ વાત પર ભાજપ શું કરે છે એ જોવાનું રહે છે કેમ કે અત્યારે જે રાજકીય સમીકરણો છે એ જોતાં ભાજપને શિવસેનાની વાત માનવી જરાય પરવડે તેમ નથી. આંકડાની રીતે જોઈએ તો ભાજપ શિવસેનાની વાત સ્વીકારે તેવી શક્યતા ઓછી છે.
ભાજપ શિવસેનાને ના સાચવે અને એકલા હાથે લડે તો શું થાય એ પણ સમજવા જેવું છે. લોકસભાની છેલ્લી ચૂંટણીમાં શિવસેનાને 18 બેઠકો મળેલી પણ ભાજપ સાથે ના હોય તો શિવસેના બે આંકડે પણ ના પહોંચે એ કહેવાની જરૂર નથી. અત્યારે 2019 છે ને 2019 એ 2014 નથી. એ વખતે ભાજપની તરફેણમાં નરેન્દ્ર મોદીના કારણે જે જબરદસ્ત લહેર હતી એવી લહેર અત્યારે નથી. કેન્દ્રની મોદી સરકાર અને મહારાષ્ટ્રની ફડણવીસ સરકારે છેલ્લાં ચાર-પાંચ વર્ષમાં એવું કશું ઉકાળ્યું નથી કે જેના કારણે એવી જબરદસ્ત લહેર ઊભી થાય. બલ્કે કેન્દ્રની મોદી સરકાર સામે તો ખેડૂતોમાં ભારે અસંતોષ છે. એનસીપી ને કોંગ્રેસ છેલ્લી ચૂંટણી પછી સમજી ગયાં છે કે સાથે રહેવામાં જ મજા છે ને નોખાં નોખાં લડીશું તો પતી જઈશું એટલે બંને સંપી ગયાં છે. એ રીતે ભાજપે મજબૂત વિરોધ પક્ષ સામે લડવાનું છે ને તેમાં શિવસેના પણ નવો મોરચો ખોલી નાંખે તો ભાજપની હાલત બગડી જાય.