હોમવર્ક પૂરું નહીં થતા ઠપકો મળતા ડરથી શાળા છોડી નાસી ગયેલ વિદ્યાર્થી હેમખેમ મળી આવ્યોFebruary 13, 2019

ધ્રાંગધ્રાની કેન્દ્રીય વિદ્યાલયનો બનાવ ; વાલીઓ રજૂઆત કરવા દોડ્યા બાદ પોલીસે તપાસ આદરી
ધ્રાંગધ્રા તા,13
ધ્રાંગધ્રા કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ છમાં અભ્યાસ કરતો અને આંબેડકર નગર ધ્રાંગધ્રા માં રહેતા જયેશ કાનજીભાઈ સિંધવ ઉંમર વર્ષ 11 સ્કૂલમાંથી કોઈને પણ કીધા વગર ચાલ્યો ગયેલો જેથી શાળાના તમામ શિક્ષકો તેમજ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ બાળકના પરિવારમાં ચિંતાનું મોજુ ફરીવળ્યુ હતુ. ખૂબ જ શોધખોળ કર્યા બાદ પણ બાળકનો કોઇ પતો ન મળતા શાળાના શિક્ષકો તેમજ પરિવારજનોએ ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશનના કે.એ. વાળાનો સંપર્ક સાધ્યો હતો અને બાળક ગુમ થયાની હકીકત જણાવી હતી.
ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફ અલગ-અલગ પાંચ ટીમમાં વહેચાઈ જઇ ગંભીરતાપૂર્વક શાળામાંથી તેમજ બાળકના પરિવારજનો ને પુછપરછ કરી બાળકના ફોટાઓ મેળવી જુદી જુદી જગ્યાએ બાળકની શોધખોળ ચાલુ કરી હતી.
આ શોધખોળમાં પોલીસની સાથે બાળકના પરિવારજનો તેમજ શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. તપાસ દરમિયાન બાળક રેલવે સ્ટેશનની બાજુમાં જોવા મળ્યાનુ માલુમ જેથી બાળક ટ્રેનમાં બેસીને જતો રહેલો હોવાની શક્યતાના આધારે બાળકના ફોટા સાથે અમદાવાદ. કચ્છ. સુરેન્દ્રનગર, ચોટીલા, ધાંગધ્રા. રાજકોટના વોટ્સએપ ગ્રુપમા બાળકની તપાસમાં રહેવા માટે સમજ કરવામાં આવેલ.ધ્રાંગધ્રા સીટી પોલીસ દ્વારા રેલવે સ્ટેશન તેમજ આજુબાજુના વિસ્તારમાં બાળકના ફોટા સાથે લોકોની પૂછપરછ હાથ ધરતા બાળક ધ્રાંગધ્રામાં આવેલી ડીસીડબ્લયુ ફેક્ટરી બાજુ ચાલતો ગયો હોવાનું જાણવા મળેલ જે આધારે તાત્કાલિક ધ્રાંગધ્રા સિટી પોલીસ દ્વારા ડીસીડબ્લયુની પાછળ આવેલ અવાવરૂ જગ્યાઓમાં તપાસ હાથ ધરવામાં આવી. તપાસ દરમિયાન પોલીસને ગુમ થયેલ બાળક મળી આવતા તમામ લોકોએ હાશકારો અનુભવ્યો હતો. બાળકની પૂછપરછ કરતા એવું જાણવા મળેલ કે બાળકને શાળામાં આપેલું હોમવર્ક પૂરું ન થતા બાળકને તેની માતાએ ઠપકો આપેલ જેના લીધે બાળક આ પગલું ભર્યું હતું.ગુમ થનાર બાળક જયેશને જ્યારે પોલીસ સ્ટેશન લવાયેલ ત્યારે શિક્ષકો વિદ્યાર્થીઓ તેમજ બાળકના પરિવારજનો ને બાળક સોંપતા પોલીસ સ્ટેશનમાં ખૂબ જ ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા.પોલીસ દ્રારા તાત્કાલિક કામગીરી હાથ ધરી ગણતરી ની કલાક માંજ બાળકને શોધી પરિવાર જનોને સોંપી આપેલ જે અંગે તમામ પરિવારજનોએ તેમજ શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ તથા ગ્રામજનોએ પોલીસની આ કામગીરીને બિરદાવી હતી.