પંતની મજાકનો બદલો વીરુએ લીધો ઓસિ.ને બેબી સિટિંગથી!February 13, 2019

 સહેવાગની આ જાહેરાતથી ઓસિ. ટીમને ચટપટી
નવી દિલ્હી તા.13
ટીમ ઇન્ડિયાએ હાલમાં જ ઓસ્ટ્રેલિયાની ટીમને તેના ઘરમાં જઈને હરાવી હતી. આમ છતા કાંગારુઓની અકડ ખતમ થઈ નથી. આ મહિને ઓસ્ટ્રેલિયન ટીમ ટી-20 અને વન-ડે શ્રેણી રમવા ભારત પ્રવાસે આવવાની છે. આ શ્રેણી પહેલા ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગની એક જાહેરાત પર ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓપનર વાંધો ઉઠાવ્યો છે. જેથી ખબર પડે છે કે ભારતની જીત ઓસ્ટ્રેલિયાને કેટલી ખુંચી રહી છે.
આ આખો મામલો બેબી-સિટિંગની એ મજાક સાથે જોડાયેલ છે જે ઓસ્ટ્રેલિયાના સુકાની ટિમ પેને ભારતીય વિકેટકીપર રિષભ પંતને સાથે કરી હતી. આ મજાકને લઈને ભારતમાં યોજાનાર શ્રેણીનો માહોલ બનાવવા માટે બ્રાડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સે એક એડવર્ટાઇઝ બનાવી છે. જેમાં સેહવાગ ઓસ્ટ્રેલિયાની જર્સી પહેરેલ બે બાળકોને ખોળામાં લઈને આખી ઓસ્ટ્રેલિયન ટીમની બેબી-સિટિંગ કરવાની વાત કરી રહ્યો છે. સેહવાગની આ એડવર્ટાઇઝ પર ઓસ્ટ્રેલિયાનો પૂર્વ ઓપનર મેથ્યુ હેડન નારાજ થયો છે. હેડને સેહવાગ પર ટ્વિટર ઉપર હુમલો કરતા લખ્યું છે કે સર્તક રહો, સેહવાગ બોય, ક્યારેય ઓસ્ટ્રેલિયાને હળવા અંદાજમાં ન લેતા. યાદ રાખજો વર્લ્ડ કપ ટ્રોફીની બેબી-સિટિંગ કોણ કરી રહ્યું છે. હેડનના આ ટ્વિટનો જવાબ વીરેન્દ્ર સેહવાગ કેવો આપે છે તે જોવું રસપ્રદ રહેશે. આ શ્રેણી 24 ફેબ્રુઆરીથી શરુ થઈ રહી છે.