સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનું જોર ઘટયું, ગિરનાર 6.1February 12, 2019

એક જ રાતમાં તાપમાનનો પારો બે થી ચાર ડીગ્રી ઉંચે ચડયો  રાજકોટ તા.12
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા એક પખવાડીયાથી ભુક્કા કાઢતી ઠંડીનું જોર ઘટતા નગરજનોને હાશકારો થયો છે. આજે એક જ રાતમાં પારો બે થી ચાર ડીગ્રી સુધી સડસડાટ ઉંચી ચડી ગયો હતો. જો કે ગીરનાર ઉપર ઠંડીનું પ્રમાણ યથાવત રહ્યું હતું. આજે ગીરનારમાં તાપમાન 6.1 ડીગ્રી નોંધાયું હતું.
ઉતર ભારતમાં અવિરત બરફવર્ષાના પગલે સૌરાષ્ટ્ર-કચ્છમાં કાતીલ પવનના સુસવાટાના કારણે ફેબુ્રઆરી મહિનામાં રેકોર્ડ બ્રેક ઠંડી પડી હતી. દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે ઠંડીનું જોર ઘટયું છે.
રાજ્યમાં આજે સૌથી વધુ નગર તરીકે અમરેલી બન્યું હતું. અમરેલીમાં આજે લઘુતમ તાપમાન 10.6 ડીગ્રી નોંધાયું હતું. કચ્છમાં એક જ રાતમાં પારો ઉંચે ચડયો હતો. નલીયામાં ગઇકાલે સીંગલ ડીગ્રીમાં રહેલ પારો આજે ડબલ ડીગ્રીમાં ફેરવાઇ ગયો હતો. ગઇકાલે 7 ડીગ્રી પારો નોંધાયા બાદ આજે પારો 6 ડીગ્રી ઉચે ચડી 13.2 ડીગ્રીએ સ્થિર થયો હતો. રાજકોટ શહેરમાં પણ પારો ત્રણ ડીગ્રી ઉંચે ચડયો હતો. કાતીલ પવનના સુસવાટાથી નગરજનો ઠંડીમાં ઠુઠવાયા હતા. આજે રાજકોટ શહેરનું લઘુતમ તાપમાન 14.7 ડીગ્રી નોંધાયું હતું. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 32 ટકા અને પ્રતિ કલાક 8 કીમીની ઝડપે પવન ફુકાયો હતો. આમ છતા વહેલી સવારે અને મોડીરાત્રે ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું. તેના કારણે બજારોમાં લોકોની પાંખી હાજરી જોવા મળી હતી.
દરીયાકાંઠાના શહેરો ભાવનગર-પોરબંદરમાં પણ તાપમાન ઉંચકાયું હતું. ભાવનગરમાં આજે તાપમાન 13.8, પોરબંદરમાં 15.6, વેરાવળમાં 1પ.7, દ્વારકામાં 16.6, ઓખામાં 19.8, ભુજમાં 13.8, સુરેન્દ્રનગરમાં 14, મહુવામાં 11.7, દીવમાં 11.8 ડીગ્રી તાપમાન નોંધાયું હતું.
જૂનાગઢ
છેલ્લાં કેટલાંક દિવસોથી શહેરમાં તથા ગિરનારમાં સખત ઠંડી પડી રહી છે. જેમાં ગઇ કાલે સાંજે તથા આજે સવારે ઠંડીમાં આંશિક રાહત મળી છે.જૂનાગઢ શહેરમાં આજે મહત્તમ તાપમાન 13.4 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 11.1 ડિગ્રી નોંધાયું છે. જ્યારે ભેજનું પ્રમાણ 67 ટકા રહ્યું હતું અને પવનની ઝડપ 2.8 કિ.મી.રહેવા પામી હતી. તેમજ ગિરનાર પર્વત ઉપર 6.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જેથી ગિરનાર ક્ષેત્રમાં આવનારા પ્રવાસીઓને પણ ઠંડીથી આંશિક રાહત મળી હતી.