ચોટીલાના વધુ બે ગામોના 7 કેસોમાં ઉંડી તપાસ; મોટા ધડાકાFebruary 12, 2019

 ખેત જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ ફાજલ થવા પાત્ર જમીનને વીડીમાં દર્શાવી ખોટું અર્થઘટન  ગામોની 700 કરોડની જમીનનું બારોબાર વેચાણ, નીચેથી ઉપર સુધીના અધિકારીઓએ ‘કોથળા’ ભર્યા? રાજકોટ તા.12
રાજકોટ તાલુકામાં તાજેતરમાં સમાવાયેલા બામણબોર-જીવાપરના 700 એકર જમીનના ચકચારી કૌભાંડમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. તેમાં હવે વધુ બે ગામોમાં 1000 કરોડની સરકારી જમીન બોગસ સાહિત્ય બનાવી ગુજરાતનું સૌથી મોટુ જમીન કૌભાંડ આચરાયુંનું ખુલતા રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા વધુ સાત કેસોમાં જીણવટભરી તપાસ કરવા ગુપ્તરાહે મેગા ઓપરેશન શરૂ કયુર્ં હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. રાજકોટમા મોટા માથાઓને સંડોવતા આ ચકચારી જમીન કૌભાંડની તપાસમાં મોટા ગોટાળા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યાનું સૂત્રોએ ઉમેરતા કહ્યું હતું કે આ કૌભાંડમાં અનેકના તપેલા ચડી જાય તેવી શક્યતા રહેલી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા તાલુકાના બામણબોર જીવાપર હવે રાજકોટ તાલુકામાં સમાવાયા છે. આ બંને ગામોની 700 એકર સરકારી જમીન હડપ કરી જવાની તપાસ-કેસો રિવિઝનમાં લેવાયા બાદ ચોટીલાના મહિદડ તથા મેવાસામાં ખાલસા થવાપાત્ર સરકારી જમીન વીડીની જમીન દર્શાવી કાયદાનું ખોટું અર્થઘટન કરી ખાતેદારોના ખાતે જમીન કરી દેવાયા બાદ કરોડોની જમીન બારોબાર વેચી નખાયાનું બહાર આવ્યું છે. ચોટીલા તાલુકાના મેવાસા ગામે રેવન્યુ સર્વે નં.136 વાળી 700 એકર જમીન ખેત ટોચ મર્યાદા ધારા હેઠળ કેસ ચલાવી વીડીની જમીનમાં જુની તારીખના કુલ મુખ્યત્યારનામા બનાવી બોગસ દસ્તાવેજો રચી બારોબાર વેચી નાખવામાં આવી છે તેવી ફરિયાદ રાજકોટ જિલ્લા કલેકટરને એક અરજદારે તા.20-10-2018ના રોજ કરવામાં આવતા આ કેસની પણ ઉંડી છાનબીન શરુ કરવામા: આવી હોવાનું સુત્રોએ ઉમેર્યું છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા તાલુકાના મહીદડગામે પણ વીડીની 210 એકર તેમજ 390 એકર સરકારી જમીન સહિત 500 એકર જમીનનું પણ કૌભાંડ કરવામાં આવ્યું છે. આ કેસની પણ જીણવટભરી તપાસ આદરમાં આવી છે. રાજય સરકારની માલીકીની કરોડોની જમીન કાયદાના ખોટા અર્થઘટન તથા સરકારી અધિકારીઓના મીલાણીપણામાં આસામીઓ હડપ કરી ગયા હોય રાજય સરકાર પણ ચોંકી ઉઠી છે. આ બંને ગામો ઉપરાત ચોટીલાના અન્ય ગામોમાં પણ ખાલસા થવા પાત્ર ખેત જમીન ટોચ મર્યાદા ધારા હેઠળની સરકારી જમીનને વીડીની જમીનમાં દર્શાવી ખાતેદારોના ખાતે કરી દેવામાં આવ્યા બાદ બારોબાર વેચાણ પણ થઇ ગયાનું બહાર આવતા આ તમામ વ્યવહારો પર ટુંકસમયમાં પ્રતિબંધ લગાવવામાં આવે તેવા સંકેતો મળ્યા છે.
દરમ્યાન એરપોર્ટ નજીકનાં કેટલાક ગામોને રાજકોટમાં સમાવેશ કરાયો છે તેમાં જે વિસ્તારમાં આ કૌભાંડ થયેલ છે તેનો પણ સમાવેશ થાયે છે ત્યારે ગત ઓગષ્ટ માસમાં સમગ્ર કૌભાંડ અંગે ચર્ચા ઉઠતા જે તે સમયના અધિકારીએ નીચેની કચેરીને ટેલીફોનીક સુચના આપી રાજકોટમાં ગયેલ તમામ ગામોની મહેસુલ વિભાગની તમામ ફાઈલો રાતોરાત રાજકોટ જિલ્લામાં તબદીલ કરાવેલ હતી. કોઇપણ હુકમની નોંધ અંગે ઈ ધારા શાખા મુખ્ય હોય છે ત્યારે આવી શાખામાં જેતે અધિકારીનાં લોગ ઈન વગર કોઇ ફેરફાર શક્ય નથી તેથી આવી કામગીરી માટે મામલતદાર રજા ઉપર ઉતરતા નાયબ મામલતદારના ચાર્જમાં તેમના લોગઈનથી કૌભાંડ આચરવામાં આવેલ હોવાનું કહેવાય છે. ભુમાફિયાઓ દ્વારા ગોઠવાયેલ અધિકારી અને ખાનગી માણસોની ચેનલ થકી સરકારની જમીનો ખાનગી ઠેરવાતા હવે તપાસનો દોર શરુ થતા અનેકની ખુરશીનાં પાયા હચમચેલ છે.
એસીબી દ્વારા તપાસમાં અત થી ઈત સુધી તનપાસ કરાશે હાલ આ મામલે સંડોવાયેલ મુખ્ય ફરજ મૌકુફ કરાયેલ લોકો સુધી પહોંચવા કવાયત હાથ ધરાશે તેમજ દસ્તાવેજી પુરાવાઓ એકત્રીત કરવા અને કોની શું ભૂમિકા અત્યાર સુધીમાં કેટલી શ્રી સરકાર થયેલ જમીનો ખાનગી બની લેનાર અને વેચનાર કોણ જે તે સમયે કયાં અધિકારીએ કેસ ચલાવેલ અને સત્તાની રુએ કેવું અર્થઘટન કરી હુકમો કરેલ. કોને શું ભુમિકા ભજવી સહિતની તપાસ કરાશે તેમ એન્ટીકરપ્શન વિભાગનાં વર્તુળો જણાવી રહ્યા છે. પ્રાંત-કલેકટરમાં આવતીકાલે તમામ કેસોનું હિયરિંગ; હાજર થવાનું ફરમાન
રાજકોટ તાલુકાના બામણબોર-જીવાપરના તમામ કેસોની આવતીકાલે બીજી મુદત આપવામાં આવી છે. પ્રાંત અધિકારી રાજકોટ સીટી-2 તેમજ જિલ્લા કલેકટર સમક્ષ ચાલનારા તમામ કેસોમાં તત્કાલિન મામલતદાર, નાયબ કલેકટર, તલાટીઓ તથા પક્ષકારોને હાજર થવા સમન્સ આપી દેવામાં આવ્યા છે. આવતીકાલે એસીબી પણ કલેકટર કચેરીમાં ધામા નાખે તેવી શક્યતા છે. એસીબીની તપાસમાં 70થી વધુ ફાઈલો કબજે; મોટા માથાઓ સામેલ
રાજકોટ તાલુકાના બામણબોર-જીવાપર ગામના ચકચારી 700 એકર સરકારી જમીન હડપ કરી જવાના કૌભાંડમાં એસીબીએ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. જેમાં ગઇકાલે એ.સી.બી. દ્વારા શરૂ કરાયેલી સરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરીની રેકર્ડ શાખામાં છાપો મારતા 70 થી વધુ મહત્વની ફાઈલો કબ્જે કરી ઉંડી તપાસ હાથ ધરવામાં આવી છે. પણ મહત્વના કાગળો રફે-દફે કરી દેવામાં આવ્યા હોવાનું ચર્ચાઈ છે.
રાજકોટ-ચોટીલા-ભાવનગર તરફ પણ લંબાતી તપાસ; મહત્વનું રેકર્ડ સગેવગે થયું
બામણબોર-જીવાપરના ચકચારી જમીન કૌભાંડમાં એ.સી.બી. દ્વારા ત્રણ જિલ્લામાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. રાજકોટમાં પણ અધિક કલેકટરના નિવાસસ્થાને છાપો માર્યો હતો. પણ મકાન બંધ હોવાનું ખુલ્યું છે. ઉપરાંત ભાવનગર ખાતે રહેતા ચૌહાણ તથા સુરેન્દ્રનગર રહેતા ધાડવીના નિવાસે પણ તપાસ કરવામાં આવી હતી પરંતુ મહત્વનું રેકર્ડ સગેવગે થઇ ગયાનું મનાય છે.