આમ્રપાલી ફાટક અંડરબ્રિજને રેલવેની મંજૂરીFebruary 12, 2019

 કોર્પોરેશને 22 કરોડ
રેલવે વિભાગને ભરી દીધા: ટૂંક સમયમાં ટેન્ડર
 રેસકોર્સ અને લાઇબ્રેરીનો અમુક ભાગ કપાશે : એકપણ ખાનગી મિલકત કપાતમાં નહીં આવે
રાજકોટ તા.12
રાજકોટ શહેરના હાર્દસમા રૈયારોડ ઉપર આવતી આમ્રપાલી ફાટક ઉપર ટ્રેન આવવાના સમયે ફાટક બંધ હોવાથી દિવસ દરમ્યાન 18 થી 20 વખત ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાતા હોય છે. પરીણામે આ સ્થળે ઓવરબ્રીજ બનાવવાનું અગાઉ નક્કી કરવામાં આવેલ પરંતુ કપાત વધુ થતું હોવાથી અંતે રેલવે વિભાગે આમ્રપાલી ફાટકના સ્થળે રેલવે લાઇનની નીચે અન્ડરબ્રિજ બનાવવા માટેની મંજુરી આપી દીધી છે.
આમ્રપાલી રેલ્વે ક્રોસીંગ નીચે અન્ડરબ્રિજ બનાવવા માટે મહાનગરપાલીકાએ 22 કરોડનું એસ્ટમેન્ટ તૈયાર કરી રેલ્વે વિભાગને રકમ ફાળવી દીધી છે ત્યારે આજરોજ રેલ્વે વિભાગના અધિકારી શ્રીવાસ્તવે બ્રીજ વિશે માહિતી આપતા જણાવેલ કે કિસાનપરા ચોકથી આમ્રપાલી પાર્ટી પ્લોટ સુધી અન્ડરબ્રીજ બનાવવામાં આવશે. બ્રીજ માટે 66 ચો.મી.ના બે બોકસ 4.5 મીટરની ઉંચાઇના બનાવવામાં આવશે. ત્યારબાદ બંને સાઇડ 42.9 અને 75 મીટરના ઢાળ આપવામાં આવશે. રૈયારોડ તરફ 180 ચો.મી.ની લંબાઇ અપાશે અને 14 મીટરની પહોળાઇનો ઢાળ આપવામાં આવશે. તેવી જ રીતે રૈયારોડ ઉપર આવતા વિસ્તારો માટે બંને સાઇડ 4.5 મીટરનો સર્વિસ રોડ તૈયાર કરવામાં આવશે. બ્રીજનું ટેન્ડર ટુંક સમયમાં પ્રસિધ્ધ થયા બાદ કામગીરી 18 માસમાં પુર્ણ કરવામાં આવશે.
આમ્રપાલી અંડરબ્રીજ માટેની રેલવેએ મંજુરી આપતા ટુંક સમયમાં કામ શરૂ થવાનું છે ત્યારે અગાઉ ઓવરબ્રીજ બનાવતી વખતે રૈયારોડ ઉપર તેમજ રેસકોર્ષ રીંગરોડ ઉપર અનેક ખાનગી અને સરકારી મિલ્કતો કપાતમાં આવતી હતી પરંતુ અન્ડરબ્રીજ બનાવવાનું નક્કી થતા બંને સાઇડ એકપણ ખાનગી મિલ્કતો કપાતમાં નહીં આવે તેમ રેલ્વેના અધિકારીએ જણાવ્યું હતું. તેવી જ રીતે કિસાનપરા ચોકમાં આવેલ મનપાની લાઇબ્રેરીની દિવાલ અને રેસકોર્ષની ખુણાની દિવાલ કપાતમાં આવતી હોવાનું જણાવવામાં આવ્યું હતું. રેસકોર્ષની 563 ચો.મી. જગ્યા કપાશે ત્યારે લાઇબ્રેરીની 722 મીટર જગ્યા કપાતમાં આવશે તેમ રેલ્વે વિભાગે જણાવ્યું હતું.
મહાનગરપાલીકા દ્વારા ટ્રાફીક સમસ્યાના હલ માટે અગાઉ ઓવરબ્રીજનું આયોજન કર્યા બાદ આજે આમ્રપાલી ફાટક ખાતે અંડરબ્રીજ બનાવવાનું જાહેર કર્યુ છે. જેના માટે 22 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. તમામ કામગીરી રેલ્વે વિભાગ દ્વારા કરવામાં આવશે. તેવી જ રીતે આગામી સપ્તાહે રેલ્વે વિભાગ દ્વારા ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવશે.
મહાનગરપાલીકાએ તૈયાર કરેલ ડીઝાઇન રેલ્વે વિભાગ મંજુર કરી દેતા ટેન્ડર ભરાયા બાદ અન્ડરબ્રીજની કામગીરી શરૂ કરવામાં આવશે જે 18 માસમાં પુર્ણ થશે. આમ રાજકોટ શહેરને વધુ એક અન્ડરબ્રીજની સુવિધા પ્રાપ્ત થશે.