CBIના પૂર્વ વડા રાવને સજા અને દંડ

 શેલ્ટર હોમ કેસમાં બદલી કરી અદાલતનું અવમાન કર્યા બદલ કોર્ટ ઉઠતા સુધીની સજા, રૂા.1 લાખ દંડ
 તપાસનીશ શર્માની બદલી કરી ભૂલ કરી બેઠાનું માફીનામું આપ્યું પણ સુપ્રીમે નામંજૂર રાખ્યું   નવી દિલ્હી તા.12
બિહારના મુઝફ્ફરનગર શેલ્ટર હોમ કાંડમાં કોર્ટની અવમાનના કેસમાં સીબીઆઇના પૂર્વ ઈન્ટરિમ ડાયરેક્ટર નાગેશ્વર રાવને સુપ્રીમ કોર્ટે કડક સજા સંભળાવી છે. મંગળવારે મામલાની સુનાવણી કરતાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ નાગેશ્વર રાવને માફીનામાને નામંજૂર કર્યુ અને 1 લાખ રૂપિયાનો દંડ તેમજ જ્યાં સુધી કોર્ટની કાર્યવાહી ચાલશે ત્યાં સુધી નાગેશ્વર રાવ અને બીજા અધિકારીઓએ કોર્નરમાં બેસી રહેવું પડશે એટલે કે કોર્ટ ઉઠતા સુધીની સજાના આદેશો કર્યાં છે.
સુપ્રીમ કોર્ટે ચુકાદો સંભળાવતા કહ્યું કે મુઝફ્ફરનગર શેલ્ટર હોમની તપાસ ટીમમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થાય. અરૂણ શર્મા જ આ તપાસ ટીમની આગેવાની કરશે. નાગેશ્વર રાવ ઉપરાંત એસ. ભસૂરણ પર પણ એક લાખનો દંડ ફટકારાવામાં આવ્યો છે.
ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની કડક શબ્દોમાં ટીપ્પણી બાદ એટોર્ની જનરલ કેકે વેણુગોપાલે કહ્યું કે જો તમે નાગેશ્વર રાવને કોઈ સજા સંભળાવો છો તો તેમની કારકિર્દી ખરાબ થઈ શકે છે. તેઓ છેલ્લાં 32 વર્ષથી કામ કરી રહ્યાં છે.
સીજીઆઇ આ મુદ્દે ટીપ્પણી કરતાં કહ્યું કે તમે એવું કઈ રીતે વિચારી શકો છો કે લીગલ એડવાઈસ એપ્રુવલ પછી મળી. ડીઓપીટીએ આ ઓર્ડરને આપ્યો છે જે નાગેશ્વર રાવના હસ્તાક્ષર બાદ જ નક્કી થયો હતો. ચીફ જસ્ટિસે કહ્યું કે લીગલ એડવાઈસ એમ જ
કહેતી હતી કે સુપ્રીમ કોર્ટને મામલાની જાણકારી અપાય.ચીફ જસ્ટિસે કહ્યું કે નાગેશ્વર રાવ કોર્ટનું અપમાન કર્યું છે. આ ચુકાદાથી નાગેશ્વર રાવની કારકિર્દી પર સીધી જ અસર પડશે. જો અમે તેમની માફી કબૂલ કરીશું અને જો તેમને સજા નહીં આપીએ તો પણ તેમને એ માનવું જ પડશે કે નાગેશ્વર રાવે અમને પૂરી વિગત અંગે સૂચિત કરવાનું પણ યોગ્ય ન માન્યું. પોતાના બચાવમાં એર્ટોની જનરલે દલીલ કરી કે સેન્ટ્રલ એજન્સીની ઓફિસમાં સતત કામમાં અડચણ આવે છે. ડેટા અપલોડ કરવા માટે અમે આ પહેલાં પણ 20 એમબી ઈન્ટરનેટની માગ કરી હતી. અજાણતા ભૂલ થયાનો એકરાર
મુઝફ્ફરપુર મામલે કોર્ટનો આદેશ હતો કે તપાસ કરી રહેલાં સીબીઆઇ અધિકારી એકે શર્માની ટ્રાંસફર કોર્ટની મંજૂરી વગર ન કરવામાં આવે. પરંતુ સીબીઆઇના બે ઉચ્ચ અધિકારી આલોક વર્મા અને રાકેશ અસ્થાના વચ્ચે જોવા મળેલાં ઘમાસાણ બાદ કેન્દ્ર સરકારે સીવીસીની ભલામણ પર બંને અધિકારીઓને રજા પર મોકલી દીધા હતા અને રાતો રાત નાગેશ્વર રાવને સીબીઆઇના ઈન્ટરિમ ડાયરેક્ટર તરીકે નિમ્યા હતા. જે બાદ નાગેશ્વર રાવે એક શર્મા સહિત અનેક અધિકારીઓની બદલી કરી હતી. આ સમગ્ર મુદ્દે સુપ્રીમ કોર્ટે નાગેશ્વર રાવને ફટકાર લગાવી છે. જેના પર મંગળવારે સુનાવણી કરાઈ. જો કે સુનાવણીના એક દિવસ પહેલાં સોમવારે નાગેશ્વર રાવે સુપ્રીમ કોર્ટમાં માફીનામું આપીને માફી માંગી હતી. તેઓએ પોતાના માફીનામામાં કહ્યું હતું કે આ ભૂલ તેમનાથી અજાણતા જ થઈ છે.