ગુર્જર આંદોલન રેલ યાત્રિકોને હજુ એક અઠવાડિયું નડશેFebruary 12, 2019

   મુંબઈ-દિલ્હી જતી
20 ટ્રેન થશે રદ
જયપુર તા.12
ગુર્જર આંદોલનની આગને કારણે 20 જેટલી મુંબઇ-દિલ્હી જતી ટ્રેન રદ્દ થશે. હાલમાં જે રીતે ગુર્જર પ્રદર્શનકારીઓએ રેલવેના ટ્રેકનો કબજો લીધો છે તેને પરિણામે રેલવેએ નુકશાની ઘટાડના પગલા તેમજ તકેદારીના પગલા રૂપે અઠવાડિયા માટે દિલ્હી-મુંબઇ જતી ટ્રેનને રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. દેખીતી રીતે ગુજરાતથી દિલ્હી ટ્રેન વડે જનારા મુસાફરોને પણ હાલાકી નો સામનો કરવો પડશે. રાજસ્થાનમાં 5% અનામતની માંગણીને લઇને ગુર્જર સમાજનું ઉગ્ર આંદોલન ચોથા દિવસે પણ યથાવત છે. આંદોલનકારીઓએ સિકંદરા પાસે આગરા નેશનલ હાઇવે જામ કર્યો હતો. પરિણામે આ માર્ગની બસ સેવા અને ટ્રેન સેવા પ્રભાવિત થઇ હતી. ઉલ્લેખનીય છે કે મલારના ડુંગરની પાસે આંદોલનકારી રેલવે ટ્રેક પર બેઠા છે. બીજી બાજુ ધૌલપુરમાં કલમ-144 અત્યાર સુધી લાગુ કરવામાં આવી છે. રવિવારે આંદોલનકારીઓએ પોલીસ પર પથ્થરો પણ ફેંક્યા હતા. પ્રાઇવેટ ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતુ જેમાં 12થી વધુ લોકો ઘાયલ થયા હતા. ભરતપુર અને અજમેર જિલ્લાઓ આંદોલનથી વધારે પ્રભાવિત થયા છે. આંદોલનકારીઓ રોડવેઝની બસોને વધારે નુકશાન ન કરે તે માટે ઉત્તરપ્રદેશથી આવનારી બસોને રોકી દેવામાં આવી હતી. કેટલીક બસોને દૌસા સુધી જ ચલાવવામાં આવી હતી. સિંધી કેમ્પમાં 12 બસને રોકવામાં આવી હતી. ધૌલપુરની પાસે પણ ભૂતેશ્વર પુલને જામ કરી દેવાયો હતો જે અધિકારીઓની સમજાટથી ખુલ્લો મુકાયો હતો. 20 ટ્રેન પણ રદ કરવામાં આવી હતી. ઉત્તરપ્રદેશ મધ્યપ્રદેશથી વધારાના સુરક્ષાના દળોને બોલાવામાં આવ્યા છે આંદોલન ઉગ્ર બનશે
ગુર્જર અનામત આંદોલન સંઘર્ષ સમિતિના પ્રદેશ ઉપાધ્યક્ષ ભૂરા ભગતે કહ્યું કે, સરકારનું પ્રતિનિધિમંડળ સકારાત્મક જવાબ આપવાની વાત કરીને ગયું હતું પરંતુ હજુ સુધી આ દિશામાં કોઇ પ્રગતિ થઇ નથી. આવા સંજોગોમાં ગુર્જર સમાજ તેનું આંદોલન તેજ કરશે. બીજી બાજુ આ મામલાને હલ કરવા રાજ્ય સરકારે તેના પર્યટન મંત્રી વિશ્વેન્દ્રસિંહ, આરોગ્ય મંત્રી રઘુ શર્મા અને સામાજીક ન્યાય વિભાગના મંત્રી ભંવરલાલ મેઘવાલની કમિટી બનાવી છે.
માંગણી શું છે?
રાજસ્થાનના ગુર્જર સમાજની માંગણી છે કે સરકાર બધી પ્રક્રિયા પૂરી કરીને પાંચ ટકા આરક્ષણ બેકલોગ સાથે આપે. તત્કાલીન રાજ્યની ભાજપ સરકારે 24 સપ્ટેમ્બર, 2015ના રોજ વિધાનસભામાં એસબીસી ખરડો પસાર પણ કર્યો હતો. વધુમાં 16 ઓકટોબર, 2015ના રોજ રાજ્ય સરકારે નોટિફેકેશન જાહેર કરીને તેને લાગૂ પણ કર્યુ હતું. આ નોટિફિકેશન 14 મહિના ચાલ્યુ હતું પરંતુ 9 ડિસેમ્બર, 2016ના રોજ હાઇકોર્ટે એ ખતમ કર્યુ હતુ. હવે 5% ગુર્જર આરક્ષણનો મામલો સુપ્રીમ કોર્ટમાં છે.