નવ કરોડ લોકોએ અપનાવી લીધી મનપસંદ ચેનલો; તમે?!February 12, 2019

 17 કરોડમાંથી 8 કરોડ હજુ બાકી: ‘ટ્રાઇ’ દ્વારા ચલાવાશે જાગૃતિ ઝુંબેશ
નવી દિલ્હી તા.12
ટેલિકોમ રેગ્યૂલેટરી સંસ્થા ટ્રાઇનું કહેવું છે કે દેશમાં 17 કરોડ જેટલા ઘરોમાં ટીવી છે. આમાંના 9 કરોડ ઘરોએ નવી ટેક્સ વ્યવસ્થા અંતર્ગત એમની પોતપોતાની મનપસંદ ચેનલો પસંદ કરી લીધી છે. ગ્રાહકોને એમની પસંદગીની ટીવી ચેનલો જોવામાં કોઈ તકલીફ કે અવરોધ ન નડે એની પર અમે સતત પૂરી નજર રાખીએ છીએ.
ટેલિકોમ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઇ)ના ચેરમેન આર.એસ. શર્માએ કહ્યું છે કે ગઈ 1 ફેબ્રુઆરીથી લાગુ કરાયેલી નવી ટેરિફ વ્યવસ્થા અપનાવવામાં ઘણી ઝડપ આવી છે. અમને આશા છે કે બાકીના લોકો પણ ટૂંક સમયમાં જ એમની પસંદગીની ચેનલો નોંધાવી દેશે.
શર્માએ કહ્યું કે જે 9 કરોડ ગ્રાહકોએ એમની મનપસંદ ચેનલો પસંદ કરી લીધી છે એમાં 6.5 કરોડ લોકો કેબલ ટીવી ધારકો છે અને 2.5 કરોડ ડીટીએચ ગ્રાહકો છે. કુલ 17 કરોડ ટીવી ચેનલ ગ્રાહકોમાંથી 9 કરોડ લોકોએ ઓપરેટર પાસે એમની મનપસંદ ચેનલો રજિસ્ટર કરાવી દીધી છે. આ સંખ્યા ઘણી મોટી કહેવાય.
ડીટીએચ પ્રી-પેઈડ મોડલ છે. તેથી ગ્રાહકોની લાંબી કે ટૂંકી મુદતનાં પેક સમાપ્ત થશે કે એ લોકો પોતપોતાની ચેનલ પસંદ કરી લેશે. જ્યાં જરૂર લાગે છે ત્યાં અમે ઓપરેટરોને મદદ કરી રહ્યાં છીએ અને એમને માર્ગદર્શન આપી રહ્યાં છીએ. તકલીફો દૂર થાય એ માટે અમે નિયમિત બેઠકો પણ યોજી રહ્યાં છીએ, એમ શર્માએ કહ્યું.
ગ્રાહકો સુધી રેગ્યૂલેટર એજન્સી (ટ્રાઇ)ની પહોંચ વધી રહી છે અને એ માટે એજન્સી જાગરૂકતા ઝુંબેશ ચલાવી રહી છે. એ માટે સોશિયલ મિડિયા, પ્રિન્ટ મિડિયા, જાહેરખબર તથા અન્ય કાર્યક્રમોનો સહારો લેવામાં આવશે.