દિલ્હીમાં અધધધ... 20 હજાર કરોડનું હવાલા કૌભાંડFebruary 12, 2019

 શેરની લે-વેંચમાં જૂના શેરના વેચાણ ગણાવવાનું ષડયંત્ર પણ પકડાયું
નવી દિલ્હી તા.12
આવકવેરા વિભાગે સોમવારે દિલ્હીમાં રૂ. 20,000 કરોડના હવાલા ઓપરેટરોનું નાણાં કૌભાંડ શોધી કાઢયું હોવાનો દાવો કર્યો હતો.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર આવકવેરા વિભાગની દિલ્હીની તપાસ ટુકડીએ પાછલા કેટલાક સપ્તાહ દરમિયાન જૂની દિલ્હીના અનેક વ્યાપારી સંસ્થા પર ઠેકાણે દરોડા પાડયા હતા તથા કેટલાય સર્વેક્ષણ કરીને આ વાત શોધી કાઢી હતી. આ તપાસને અંતે ત્રણ હવાલા ઓપરેટરોના જૂથના નાણાકીય કૌભાંડો વિશે માહિતી મળી હતી.
નયા બજાર વિસ્તારમાં એક જૂથ પર કરવામાં આવેલા સર્વેમાં અંદાજે રૂ. 18000 કરોડના બોગસ બિલ બનાવવાની વાત જાહેર થઇ હતી. બોગસ બિલ બનાવવા માટે જૂથે ડઝનેક બોગસ સંસ્થા ઊભી કરી હતી. આરોપીઓના નામની જાહેરાત વિભાગે હજુ કરી નથી.
બીજા કેસમાં, સુનિયોજિત નાણાં કૌભાંડ પકડાયું હતું કે જેમાં જાણિતા શેરની લેવેચને વર્ષોથી રાખેલા જૂના શેરના વેચાણ તરીકે ગણાવાતી હતી. આ રીતે લાભકર્તા લાંબા ગાળાના લાભનો દાવો કરતા હતા. કર વિભાગને આ રીતે રૂ. 1000 કરોડનું કૌભાંડ થયું હોવાનો શક છે. આ રકમ ઘણી વધુ હોઇ શકે છે અને આવું અનેક વર્ષોથી ચાલતું હોવાનો પણ અંદાજ લગાવાયો હતો.
અન્ય કિસ્સામાં વિભાગે કરેલી તપાસમાં જૂથ પાસે બીનજાહેર કરાયેલ વિદેશી બેંક ખાતા અને બોગસ ઓવર ઇનવોઇસીંગ નિકાસ દ્વારા કરચોરીનો મામલો જાહેર થયો હતો. આવા બોગસ નિકાસનો પ્રાથમિક આંકડો રૂ. 1500 કરોડ જેટલો થાય છે.
તપાસ ટુકડીએ દરોડા પાડીને સહી કરેલા અને બીનસહીવાળા દસ્તાવેજો, એમઓયુ, કરારો, રોકડ ઋણ અને એના પર મેળવેલું વ્યાજ, નાણાકીય વિવાદનો રોકડમાં નિકાલ કરાયો હોવાના દસ્તાવેજો અને અચલિત સંપત્તિ મળીને કુલ રૂ. 100 કરોડની માલમત્તા કબજે કરી હતી.