USમાં ફરી તોળાતી કટોકટી, વધુ એક શટડાઊન સંભવિત

વોશિંગ્ટન તા.12
અમેરિકામાં યુએસ-મેક્સિકો બોર્ડર વોલનો મુદ્દો વધુને વધુ ઉગ્ર થઇ રહ્યો છે. દિવાલ માટે ફંડની રકમને લઇને ડેમોક્રેટ્સ અને રિપબ્લિક્ધસ વચ્ચે ઉભા થયેલા મતભેદો, 35 દિવસ સુધી ચાલેલા ઐતિહાસિક શટડાઉન અને ટ્રમ્પના વિટો પાવર એટલે કે, નેશનલ ઇમરજન્સી જાહેર કરવાના નિવેદન વચ્ચે બોર્ડર બહાર આશ્રય ઇચ્છતા ઇમિગ્રન્ટ્સની સ્થિતિ વધુ કફોડી થઇ રહી છે. રવિવારે ટ્રમ્પે વધુ એક વખત નેશનલ ઇમરજન્સી જાહેર કરવાની વાત કહી છે. ટ્રમ્પે બોર્ડર વોલ માટે 5.7 બિલિયન ડોલર (40,000 કરોડ રૂપિયા)ના ફંડની માગણી કરી છે. ટ્રમ્પે રિપબ્લિકન રિપ્રેઝન્ટેટિવ અને પોતાના સૌથી મોટાં સમર્થક ટોમ મેકક્લિટોકના ટ્વીટને રિ-ટ્વીટ કરી હતી. ટોમ મેકક્લિટોકે ટ્વીટ કરી હતી કે, પ્રેસિડન્ટ ગમે તે ક્ષણે નેશનલ ઇમરજન્સી જાહેર કરવાના મૂડમાં છે.
ટ્રમ્પની લેટેસ્ટ ટ્વીટ પરથી એવા રિપોર્ટ્સ મળી રહ્યા છે કે, ડેમોક્રેટ્સને ફંડની મંજૂરી મુદ્દે શુક્રવારે આપેલી ડેડલાઇનનો અંત આવી ગયો છે. હાલ દ્વિપક્ષી સાંસદો બંને પક્ષો સાથે ચર્ચા કરી રહ્યા છે જેથી બીજું શટડાઉન ટાળી શકાય. 17 દ્વિપક્ષી સાંસદોની ટીમે બોર્ડર નેગોશિએશન ટીમ સાથે ચર્ચા કરી હતી અને ફંડ મુદ્દે આજે સોમવાર સુધીનો સમય માંગ્યો હતો.