પ્રિયંકાની એન્ટ્રીથી ભારતના રાજકારણની બદલાતી રૂખFebruary 12, 2019

અંતે પ્રિયંકા ગાંધીએ રાજકારણમાં સત્તાવાર રીતે એન્ટ્રી કરી દીધી. આમ તો પ્રિયંકા ગાંધીની નિમણૂક કોંગ્રેસના મહામંત્રી તરીકે થઈ ત્યારથી જ પ્રિયંકા સક્રિય રાજકારણમાં આવી ગયેલાં પણ તેમણે કામની શરૂઆત નહોતી કરી. સોમવારે લખનઊમાં રોડ શો કરીને પ્રિયંકાએ એ વિધિ પણ પતાવી દીધી. જો કે રોડ શોના કારણે કોઈ તારણ પર આવવાની જરૂર નથી. તેનું કારણ એ કે કોંગ્રેસીઓ માટે નહેરુ-ગાંધી ખાનદાન સર્વસ્વ છે. મુખ્ય વાત આ બધાં લોકો મતમાં પરિવર્તિત થાય કે નહીં એ હોય છે. પ્રિયંકા કોંગ્રેસને કેટલો ફાયદો કરાવશે એ અંગે કશું પણ કહેવું વહેલું છે પણ પ્રિયંકાના આગમનથી રાજકીય સમીકરણો બદલાવા માંડ્યાં છે તેમાં મીનમેખ નથી. આ પૈકી ત્રણ સૌથી મોટા ફેરફારની નોંધ લેવી જ પડે. પહેલો ફેરફાર એ થયો કે, કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ પેદા થઈ ગયો છે ને તેમાં પણ ઉત્તર પ્રદેશમાં આ ઉત્સાહ સૌથી વધારે છે. બીજો ફેરફાર એ કે, ભાજપના નેતાઓ રાહુલને બાજુ પર મૂકીને પ્રિયંકાને નિશાન બનાવીને લવરીએ ચડી ગયા છે. ત્રીજો ફેરફાર એ કે, અત્યાર લગી કોંગ્રેસને સાવ ભાજીમૂળો સમજીને વર્તતી સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના કોંગ્રેસ તરફના વલણમાં બહુ મોટો ફેરફાર આવી ગયો છે. રાહુલ અત્યારે જોરમાં છે ને કોંગ્રેસીઓને એટલો તો પાકો ભરોસો થઈ જ ગયો છે કે, રાહુલ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને જીતાડે કે ના જીતાડે એ પછીની વાત છે પણ તેમનામાં ભાજપને ભરી પીવાની ને ભાજપને ભિડાવી પણ દેવાની તાકાત તો છે જ. રાહુલ આક્રમક છે ને ઝનૂની છે. સાથે સાથે લોકો સાથે જીવંત સંપર્ક રાખનારો માણસ પણ છે. બીજી તરફ પ્રિયંકા ગાંધી ગ્લેમરસ છે ને કરિશ્માપૂર્ણ વ્યક્તિત્વ ધરાવે છે. આમ રાહુલ ને પ્રિયંકા બંને સાથે કામ કરે તો કોંગ્રેસની તાકાત વધી જ જાય. આ સંજોગોમાં કોંગ્રેસીઓમાં જીતનો જુસ્સો પેદા થાય એ બિલકુલ સ્વાભાવિક છે.
ભાજપના નેતાઓ પ્રિયંકા વિશે જે લવારા કરી રહ્યા છે તેમાં આ ડર દેખાય જ છે. પ્રિયંકા વિશે છપ્પન ઈંચની છાતી અંગેની સાવ હલકી કક્ષાની કોમેન્ટસથી માંડીને એ દિલ્હીમાં જીન્સ-ટોપ પહેરે છે ને મતવિસ્તારમાં સાડી-સિંદૂર પહેરીને આવે છે ત્યાં સુધીની કોમેન્ટ્સ ભાજપના નેતાઓનો ગભરાટ બતાવે છે. ભાજપ જેવા રાજકીય પક્ષના નેતાઓએ એક યુવતીનાં કપડાં વિશે કોમેન્ટ્સ કરવી પડે એ તેમની માનસિક દરિદ્રતાનો પુરાવો તો છે જ પણ તેમના ગભરાટનું પ્રતીક પણ છે. આ પ્રકારની કોમેન્ટ્સ ભાજપને ભારે પડી શકે છે પણ ભાજપના નેતાઓ એટલા ગભરાટમાં છે કે તેમને એ વાતનું ભાન પણ નથી રહ્યું. ત્રીજો ફેરફાર અખિલેશ અને માયાવતીના વલણમાં આવેલો ફેરફાર છે. માયાવતી ને અખિલેશે હજુ મહિના પહેલાં જ કોંગ્રેસ સાવ ટૂણિયાટ પક્ષ હોય એ રીતે ઉત્તર પ્રદેશની 80 બેઠકોમાંથી 4 બેઠકો છોડીને બાકીની બેઠકો પોતે વહેંચી લીધી હતી. બંને પક્ષે પોતે 38-38 બેઠકો પર લડવાનું એલાન કરી દીધેલું ને કોંગ્રેસને પૂછવાની તસદી પણ નહોતી લીધી. રાહુલ ગાંધીની અમેઠી બેઠક ને સોનિયા ગાંધીની રાયબરેલી બેઠક તેમણે રાજકીય સૌજન્ય ખાતર છોડી દીધેલી પણ એ સિવાયની બેઠકો વિશે કોંગ્રેસનો વિચાર સુધ્ધાં નહોતો કર્યો.
હવે પ્રિયંકાની એન્ટ્રી થઈ એ સાથે જ માયાવતી ને અખિલેશ બંને ઢીલાં પડી ગયાં છે. અત્યાર લગી કોંગ્રેસને ગણતરીમાં જ ના લેનારાં માયાવતી ને અખિલેશ હવે કોંગ્રેસ સાથે બેસવા તૈયાર છે ને એક વાત એવી પણ છે કે, બંને કોંગ્રેસને વધારાની એક ડઝન મળીને કુલ 14 બેઠકો આપવા પણ તૈયાર છે. મતલબ કે સપા અને બસપા પોતે નક્કી કરી નાંખેલી બેઠકોમાંથી બીજી છ-છ બેઠકો કોંગ્રેસ માટે છોડવા તૈયાર થઈ ગયાં છે. કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં પતી ગયેલી છે પણ પ્રિયંકાના કારણે લોકોને તેનામાં રસ પડે તો ભાજપ વિરોધી મતો વહેંચાય એવું બને. તેના કારણે નુકસાન સપા-બસપા જોડાણને જ થાય. પ્રિયંકાના કારણે ભાજપ વિરોધી મતો વહેંચાય તો બંને ઠેરના ઠેર આવીને ઊભા રહે તેવો ડર તેમને સતાવવા માંડ્યો છે એ દેખીતું છે. આમ મતોનું વિભાજન ના થાય એટલે તેમણે કોંગ્રેસને સાથે રાખવાની વાતો કરવા માંડી છે.