ગુજરાતમાં VVPATથી લોકસભા ચૂંટણી કરવા હાઈકોર્ટમાં રિટ

 આજે હાઈકોર્ટમાં સુનાવણી થશે:
ભારે ઉત્તેજના
રાજકોટ તા.12
લોકસભાની ચૂંટણીમાં ઈવીએમની સાથે તમામ જગ્યાએ વીવીપેટ જોડાય તેવી માગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી જાહેરહિતની રિટમાં સુનાવણી પુરી થતા ચુકાદો આજે મંગળવારે રાખ્યો છે. સુપ્રિમ કોર્ટેના નિર્દેશ બાદ ચૂંટણી પંચે પણ તમામ પક્ષોની બેઠકમાં આગામી ચૂંટણી સંપૂર્ણ વીવીપેટથી થવાની ખાતરી આપી છે ત્યારે હજુ પણ પુરતી સંખ્યામાં વીવીપેટ મશીન ઉપલબ્ધ નહીં કરાયાના દાવા સાથે હાઈકોર્ટમાં રિટ થઈ હતી.
અરજદાર કે.આર.કોષ્ટી દ્વારા હાઈકોર્ટ સમક્ષ કરેલી પીઆઈએલમાં એવી રજુઆત કરી છે કે, ચૂંટણી પંચે ગત 19મી સપ્ટેમ્બર 2017ના રોજ એક પરિપત્ર દ્વારા તમામ રાજયોને વીવીપેટથી તૈયાર થવા નિર્દેશ આપ્યો હતો. સામાન્ય ચૂંટણીઓમાં ઈવીએમ સાથે વીવીપેટ જોડવા માટે આદેશો આપવામાં આવ્યા હતા. વીવીપેટનો ઉપયોગ થયા બાદ કેચીપુરમ વિધાનસભાની ચૂંટણી સમયે 2017માં મતની સંખ્યાનો વિવાદ સામે આવ્યો હતો. ફોર્મ 17 સીમાં (પોલીંગ બુથમાં) પડેલા મતો અને યુનિટમાં બુથમાં પડેલે મતોની સંખ્યા અલગ અલગ હતી. ફોર્મ પ્રમાણે 687 મતો પડયા હતા. જયારે કંન્ટ્રોલ યુનિટમાં 554 મત નોંધાયા હતા. જો કે, વીવીપેટના મતો ગણતા તે મતો 687 મતો હોવાનું સામે આવ્યું હતુ. જે બાદ ઈવીએમની વિશ્વનીયતા સામે પ્રશ્નો ઉભા થયા હતા. દેશમાં 3173 કરોડના ખર્ચે કુલ 16.15 લાખ વીવીપેટ ખરીદવા માટે રાષ્ટ્રપતિએ મંજૂરી આપી હતી. 17મી લોકસભાની ચૂંટણીમાં તેનો ઉપયોગ થવાનો હતો. ગત 12મી મે 2017ના રોજ યોજનારી લોકસભાની ચૂંટણીમાં 100 ટકા વીવીપેટનો ઉપયોગ કરવાની તમામ પક્ષોની બેઠકમાં ચૂંટણીપંચે ખાતરી આપી હતી. અત્યારે 9.3 લાખ ઈવીએમ છે. હવે જો આ આંકડા ધ્યાને લઈએ તો આગામી લોકસભાની ચૂંટણીમાં વીવીપેટનો ઉપયોગ કરવો શકય બનશે નહીં.