બેકાબૂ બનતો સ્વાઇન ફ્લૂ: રાજકોટમાં યુવતી, ભાવનગરમાં વૃધ્ધનું મોતFebruary 12, 2019

 પાંચ દિવસમાં એક ડઝન દર્દીઓને શિકાર બનાવતો સ્વાઈન ફલૂ
રાજકોટ તા.12
રાજકોટ સહીત રાજ્યભરમાં સ્વાઈન ફ્લૂએ અજગર ભરડો લીધો છે ત્યારે રાજકોટમાં અમરેલીની યુવતી અને ભાવનગરમાં વૃદ્ધનુ સ્વાઈન ફ્લૂથી મોત નીપજ્યું છે એક પોઝિટિવ કેસ નોંધાયો છે જયારે પાંચ દિવસમાં 12 લોકો મોતના મુખમાં ધકેલાઈ ગયા હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.
રાજ્યભરમાં કાળો કહેર વર્તાવનાર સ્વાઈન ફલૂ અટકવાનું નામ નથી લેતો ચેપી રોગ સામે આરોગ્ય તંત્ર પણ નિષ્ફળ નીવડ્યું છે ત્યારે રાજકોટ શહેરમાં સૌથી વધુ દર્દીઓના મૃત્યુ નિપજતા હોય તેવું ફલિત થઇ રહ્યું છે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ અમરેલીના બામ્ભણીયા ગામની 40 વર્ષીય મહિલાનું સાંજે મૃત્યુ નીપજ્યું છે જયારે ભાવનગરની હોસ્પિટલમાં સારવાર
લઇ રહેલા અમરેલીના લાઠી ગામના 72 વર્ષીય વૃધ્ધે દમ તોડ્યો છે આ ઉપરાંત ગોંડલના વૃદ્ધને સ્વાઈન ફલૂ પોઝિટિવ આવતા રાજકોટ ખસેડાયા છે છેલ્લા 5 દિવસની વાત કરીએ તો 5 દિવસમાં કુલ 12 લોકો સ્વાઈન ફ્લૂથી મૃત્યુ પામ્યા છે જેમાં મોટાભાગના વૃદ્ધ દર્દીઓ હોવાનું સામે આવ્યું છે.