વિધાનસભા દીઠ ભાજપ કાર્યકરોને 10 લાખનો ટાર્ગેટFebruary 12, 2019

 ધારાસભ્યોને પાંચ લાખ, કોર્પોરેટરોને વોર્ડ દીઠ 3.5 લાખ, મેયર, મંત્રી બોર્ડ-નિગમના ચેરમેન-ડાયરેક્ટરોને પણ તગડી રકમના ઉઘરાણા કરવાની સુચના
રાજકોટ તા.12
લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાજપે ચૂંટણીફંડ માટે કવાયત હાથ ધરી દીધી છે. સમર્પણ નીધીના નામે ધારાસભ્યને પાંચલાખ, કોર્પોરેટરોને વોર્ડ દીઠ રૂા.3.5 લાખ, મેયર, મંત્રી, કમીટીઓના ચેરમેન, બોર્ડ-નિગમના ચેરમેન-ડાયરેક્ટરોને ખાસ ટાર્ગેટ આપવામાં આવ્યા છે. બુથ દિઠ અપાયેલા ટાર્ગેટના કારણે ભાજપના કાર્યકરોમાં ભારે કચવાટ ફેલાયો છે.
ગયા વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ દ્વારા નમો એપના માધ્યમથી રૂા.2000 સુધીના ફંડને ડોનેટ કરવા માટે અપીલ કરવામાં આવી હતી. અલબત આ ડોનેશનમાં ભાજપના કાર્યકરો ઉપરાંત શુભેચ્છકો, સમર્થકો સહિત સમાજજીવનના કોઇપણ વર્ગમાથી કોઇપણ વ્યક્તિ રૂા.2000 સુધીની રકમ રોકડને નમોએપના માધ્યમથી આપી શકે તેના માટે ઝુંબેશ ચાલાવાઈ હતી.
લોકશાહી વ્યવસ્થામાં જનતાની સરકાર જનતા દ્વારા અને જનતા વડે ચૂંગાય એમાં પાદદર્શકતા લાવવા માટે ચુંટણી ફંડની પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા ચૂંટણી પંચ સહિત સિવિલ સોસાયટી દ્વારા અનેક વખત પ્રયાસો થાય છે. પરતુ તેમાં ધારી સફળતા મળી નથી. આને લીધે ચૂંટણી ફંડ કેટલાક અંશે રાજકારણ પર હાવી બનતું રહ્યું છે. છેલ્લા સાડા ચાર વર્ષથી ભાજપ કેન્દ્રમાં સતા સ્થાને છે. ત્યારે ચુંટણી ફંડના જાહેર થયેલા તાજા આંકડામાં કોંગ્રેસ સહિત અન્ય પક્ષોની સરખામણીમાં શાસક પક્ષને વિવિધ સોર્સમાંથી ફંડ વધારે મળ્યું હોવાના આંકડા છે. એ જ રીતે રોકડા સ્વરૂપે મળતા ફંડની રકમમાં પણ અન્ય પક્ષોની સ્થિતિએ વધારે રકમ મળી છે.
હવે ભાજપ દ્વારા ચૂંટણીને અનુલક્ષી બે સમાંતર કાર્યક્રમ શરૂ કરાયા છે. તેમ કહી પક્ષના જાણકાર સુત્રો કહે છે કે પ્રત્યેક વિધાનસભા
દીઠ રૂા.5 થી 10 લાખનું ચૂંટણી ફંડ એકત્રિત કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે. સક્ષમ ધારાસભ્યોના શીરે રૂા.10 લાખ સુધીનો ટાર્ગેટ પણ મૂકાયો છે. જયારે સરેરાશ રૂા.5 લાખ વિધાનસભા દીઠ નિયત કરાયા છે. આ ઉપરાંત કાઉન્સીલરો અને વોર્ડ સંગઠન મળીને રૂા.3.5 લાખ પ્રત્યેક વોર્ડમાંથી ભેગા કરવાના રહેશે. સાંસદોને કેવા પ્રકારે જવાબદારી સોંપાઈઇ છે તેની વિગત જાણવા મળી નથી. પરંતુ આ ટાર્ગેટના કારણે અનેક આર્થિક રીતે નબળા અને જેને સંગઠન કે ધારાસભ્ય સાથેબનતું નથી. એવા કાઉન્સીલરોની હાલત વધારે ખરાબ થઇ છે.
કાઉન્સીલરોના શીરે રૂા.50 હજાર સુધીનો ટાર્ગેટ રખાયો છે. સૌથી મોટા ટાર્ગેટ મંત્રી, મેયર, વિવિધ કમીટીઓના ચેરમેન, સરકારના બોર્ડ નિગમના ચેરમેન, ડિરેક્ટરો, સરકારી કમીટીઓના સભ્યોને પણ નિધી એકત્રિત કરવા બુક આપી દેવાઈ છે.
સુત્રો કહે છે કે ભાજપની સરકાર કે સ્થાનિક સંસ્થાઓમાં સત્તા પર છે. પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓના કામ જ થતા ન હોય અથવા તો સ્થાનિક વોર્ડમાં કામો મંજુર કરવામાં પોતાના સુચનો પણ ધ્યાને લેવાતા ન હોયએવા સમયે તેઓ આ ટાર્ગેટ કેવી રીતે પુરો કરી શકશે એ સવાલ છે. આ ટાર્ગેટ ઉપરાંત પંડીત દીનદયાળ ઉપાધ્યાય પુણ્યતિથિ નિમિતે આજે સમર્પણ નિધિ એકત્રિત કરવાનું શરૂ કરાયું છે. તેમ કહી સૂત્રો કહે છે કે આ રકમ ભાજપ તેના લક્ષ્ય તરફ આગળ વધવા તેમજ સંગઠનને ધમધમતું રાખવા માટે થતા ખર્ચને પહોંચી વળવા ઉઘરાવી રહ્યો છે.